ગુરુવચન અને શિષ્યની શંકા

ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઇ

શિષ્યને ગુરુવચનમાં ભારે શંકા જાગી !
……
પોતાના ગુરુના ઉપદેશનું યથાર્થ પાલન
કરતાં શિષ્યને ગુરુની એક વાત લાખ
પ્રયત્ને પણ સમજાતી નહોતી. ગુરુ
વારંવાર કહેતા કે, 'માનવી ગમે
તેટલો કુટિલ કે દુષ્ટ હોય, પણ એની અંદર
કોમળ, ભાવનાશીલ હૃદય વસે છે.
કટુમાં કટુ
વચનો બોલનારની ભીતરમાં મૃદુતા રહેલી હોય
છે. માત્ર એને પ્રગટ કરવાનો આપણે
પુરુષાર્થ કરવો જોઇએ.'
વારંવાર ગુરુનો આ ઉપદેશ
સાંભળતો શિષ્ય
એકવાર અકળાઇને બોલી ઊઠયો.
'ગુરુદેવ !
તમારી સઘળી વાત મને સમજાય છે,
પરંતુ
તમારો આ એક ઉપદેશ હું સહેજે
સ્વીકારી શકતો નથી. એમાં મને
લેશમાત્ર શ્રદ્ધા બેસતી નથી.'
ગુરુએ કહ્યું કે, 'આનો ઉત્તર
સમજાવવા માટે
થોડો સમય જોઇશે. આવતી કાલે
સભામાં પુનઃ આવજે, ત્યારે તને ઉત્તર
આપીશ.'
બીજે દિવસે શિષ્ય
ગુરુના પ્રવચનમાં ગયો અને પ્રવચનને
અંતે
ગુરુએ શિષ્યને કહ્યું, 'વત્સ ! આ નારિયેળ
તોડીને આમાંથી ટોપરું બહાર કાઢ અને
એની શેષ સૌને પ્રસાદરૃપે વહેંચી દે.'
શિષ્યએ નારિયેળ હાથમાં લીધું.
ઘણી કોશિશ કરી, પણ તૂટે નહી. એક-બે
વાર પછાડયું, પણ કશું વળ્યું નહી. છેવટે
શિષ્યએ કહ્યું, 'ગુરુદેવ ! આ નારિયેળ
છોલવું
પડશે. એનું કાચલું તોડવું પડશે. એ માટે
કોઇ
સાધન આપો.'
સંતે આગ્રહ રાખ્યો અને કહ્યું કે,
'સાધનની શી જરૃર છે જરા પ્રયત્ન કરો.'
શિષ્યએ પુનઃ પ્રયત્ન કર્યો, પણ સફળ ન
ગયો. આખરે એને સાધન આપ્યું,
એની ઉપરની છાલ છોલીને અને
કાછલી તોડીને ટોપરું બહાર કાઢ્યું અને
પછી એ ભક્તોમાં શેષરૃપે વહેંચી દીધું.
થોડીવારે ગુરુ
આશ્રમમાં પાછા જવા માટે
ઊભા થયા,
ત્યારે શિષ્યએ વિચાર્યું કે ગુરુદેવે
પોતાના પ્રશ્નનો તો કોઇ ઉત્તર
આપ્યો નહી અને વધારામાં નારિયેળ
છોલવાની અને પ્રસાદ
વહેંચવાની મહેનત
કરાવી ?
એણે ગુરુને થોભાવીને પૂછ્યું, 'તમે
મારા પ્રશ્નનો ઉત્તર આપવાના હતા,
તેનું શું થયું ?'
ગુરુએ કહ્યું, 'ઉત્તર તો મેં આપી દીધો !
જેમ
આ કઠણ નારિયેળના કોચલામાં નરમ
અને
મીઠું કોપરું હોય છે. તેમ કઠોરમાં કઠોર
વ્યક્તિમાં કોમળતાથી ભરેલું સંવેદનશીલ
હૃદય હોય છે. માત્ર એટલું જ એને વિશેષ
સાધનથી બહાર કાઢવું પડે છે અને આ
સાધન છે. પ્રેમભર્યો વ્યવહાર.
જો કોઇનાં કઠોર આચરણ કે
વચનનો સ્નેહથી ઉત્તર આપવામાં આવે,
તો એના ભીતરમાં રહેલી કોમળતા બહાર
આવશે અને એ સ્વયં મૃદુ વ્યવહાર
કરવા લાગશે.'
એ દિવસે શિષ્યને ગુરુનાં એ વચન પર
શ્રદ્ધા થઇ.