♦ પુસ્તકપ્રેમી ભીમરાવ આંબેડકર ♦

ભીમરાવ આંબેડકર જેમ પોતે વિદ્વાન હતા તેમ વિદ્યાના ચાહક પણ હતાં.વિદ્યા એટલે પુસ્તકો.તે નવું પુસ્તક જોતાં જ એ ખરીદી લેવાં તલપાપડ બની જતાં.ઘણીવાર તો ઘરખર્ચની ચિંતા કર્યા વગર પુસ્તકો પાછળ જ રૂપિયા ખર્ચ કરતાં.

એકવાર એવું બન્યું કે પાંચ પુસ્તકોની એક શ્રેણીની પાછળ એમણે 500 રૂપિયા ખર્ચી નાખ્યા.એ જમાનામાં 500 રૂપિયા ખૂબ મોટી રકમ હતી.એટલી રકમ તેઓ મહિને દહાડે માંડ કમાતા હતાં.

500 રૂપિયાનાં પુસ્તકો લઇને એ તો ઘેર પહોંચ્યાં.એમનાં પત્નીએ એમને માટે ખાવાનું પીરસ્યું પણ ભીમરાવ તો નવાં આવેલ પુસ્તકને જોવામાં મશગૂલ ! ભોજનની થાળીમાં એકાદુ બટકું મોંમાં મૂકીને વાંચવામાં ખોવાઇ ગયાં !

બાજુમાં બેઠેલા પત્ની રમાબાઇ તો જોઇ જ રહ્યા.એમણે બે - ત્રણ વાર ટકોર કરી કે ખાવાનું ઠરી જાય છે.ખાઇ લો.પણ દરેક વેળા ભીમરાવ તો એકાદું બટકું ખાઇ લે અને વળી ખાવાનું વિસરાઇ જાય.રમાબાઇએ ત્રીજી - ચોથી વાર ટકોર કરી એટલે તેણે કહ્યું,''અરે , ખાવાનું ક્યાં નાસી જવાનું છે ? પણ આવું પુસ્તક વારે વારે નહિ મળે.માટે તું ટકટક ન કર ! 500 રૂપિયાનું પુસ્તક છે.માંડ માંડ મળ્યું છે. ''

રમાબાઇએ કહ્યું , ''ભલે , તો વાંચો પણ ફક્ત એટલું મને કહી દો કે એ પુસ્તકમાં એવું ક્યાંય લખ્યું છે ખરું કે ચોપડીઓને ખાતર કુટુંબીજનોને તરછોડવાં ? ''

હવે ભીમરાવ ચોંક્યા. ''એ શું બોલી ? જરા ફરી વાર બોલ જો ?

રમાબાઇ કહે,  ''પત્નીની સંભાળ ન રાખવી.છોકરાઓના ભણતરની દરકાર ન કરવી. ઘરમાં અનાજ - પાણી છે કે નહિ એની પણ ચિંતા ન રાખવી.બસ, પુસ્તકોમાં જ પૂરી કમાણી ખર્ચી નાંખવી.એવો ઉપદેશ આપે છે તમારા પુસ્તકો ?

આંબેડકર પત્નીની વાત સમજી ગયાં.પુસ્તક બંધ કર્યું.શાંતિથી જમી લીધું.પછી રમાબાઇને કહ્યું કે હવે કદીય તમારે રસોડે તંગી નહિ પડવા દઉં, બસ ?

જો કે પુસ્તકો માટેનો આંબેડકરનો પ્રેમ કાયમ આવો ને આવો જ રહ્યો હતો.મુંબઇના તમામ પુસ્તકોવાળાને ખબર હતી કે આંબેડકર પુસ્તકોના ગજબ મોટા ગ્રાહક છે.

આંબેડકર કહેતા,  ''પુસ્તકો મારા શ્વાસોચ્છવાસ છે.એમની સોબત માટે હું અન્ય કોઇપણ સોબત છોડવા તૈયાર છું.''

★ સાભાર  ★
- 101 સોનેરી વાતો
- યશવંત મહેતા.