♠ પરસ્પરનો આધાર - પાંદડું અને ઢેફું ♠

♠ સમય ♠

👉🏻 દરેક સમય ‘રાઇટ ટાઇમ’ જ હોય છે. આપણે ‘સમયસર’ હોવા જોઈએ.સમયને હરાવવા અને હંફાવવાનો સૌથી સરળ રસ્તો એ છે કે કંઈ જ પેન્ડિંગ ન રાખો.

ચિંતનની પળે :
- કૃષ્ણકાંત ઉનડકટ

હાથ પગ વિના હવાને આવતી મેં જોઈ છે,
આંખ સામે છત દીવાલો ચાલતી મેં જોઈ છે,
લાગણીને પગ નથી તો એ જવાની બ્હાર ક્યાં?
તે છતાં પણ ઠેસ એને વાગતી મેં જોઈ છે.
-મનીષ પાઠક, ‘શ્વેત.’

👉🏻 એક યુવાન સાધુ પાસે ગયો. યુવાને સાધુને સવાલ કર્યો. આ દુનિયામાં કોનો ભરોસો ન કરવો જોઈએ?
સાધુએ બહુ સલુકાઈથી જવાબ આપ્યો, ભરોસો એકનો જ ક્યારેય ન કરવો, સમયનો!

સમય બિલકુલ ભરોસાપાત્ર નથી. એ ખૂબ જ છેતરામણો છે. સમયને રંગ નથી હોતો, પણ એ ક્યારે રંગ બદલે તેનો ભરોસો નહીં. સમય તરંગી મિજાજનો છે. ઘડીના છઠ્ઠા ભાગમાં એનો મિજાજ બદલી જાય છે. સમયમાં આપણાં સપનાં સાકાર કરવાની ત્રેવડ છે અને એટલી જ તાકાત આપણાં સપનાંને ચકનાચૂર કરવાની છે. સમય આપણી મુરાદો ઉપર પાણી ફેરવી દે છે. ક્યારેક આપણને સમજાતું નથી કે, આ શું થઈ ગયું? સમય સારા સરપ્રાઇઝીસ પણ આપે છે અને ક્યારેક એ એવું રૂપ લઈને આવે છે કે આપણે ડઘાઈ જઈએ. સમય મજાને માતમમાં,આનંદને આક્રંદમાં અને પ્રેમને પીડામાં ફેરવી નાખે છે. સારું થાય ત્યારે આપણે તેને સદ્નસીબ, સારાં કર્મો કે મહેનતનું નામ આપી સ્વીકારી લઈએ છીએ, પણ ન ગમતું કંઈ થાય ત્યારે સહન કરવું અઘરું પડે છે. 👈

સમયને આપણે બદલી ન શકીએ. એ તો જે રૂપ લઈને આવે એ રૂપમાં આપણે એનો સ્વીકાર જ કરવો પડે. આપણે માત્ર એટલું ધ્યાન રાખીએ કે એની કારી જેટલી બને એટલી ઓછી ફાવે. સમયને હરાવવા અને હંફાવવાનો સૌથી સરળ રસ્તો એ છે કે કંઈ જ પેન્ડિંગ ન રાખો. જો સમય ઉપર છોડીએ તો એ છેતરી જાય ને! જે કરવું હોય એ કરી લો. કાલ ઉપર કંઈ જ નહીં રાખવાનું. પ્રેમ કરવો છે તો કરી લો, કોઈની માફી માગવી છે તો માગી લો, કોઈને મદદ કરવી છે તો કરી લો, કોઈનાં વખાણ કરવા છે તો રાહ ન જુઓ. સમય કદાચ એ મોકો ન આપે. આપણે ઘણી વખત એવું વિચારીએ છીએ કે સમય આવશે એટલે બધું આપોઆપ થાળે પડી જશે. દરેક વખતે સમય આવતો નથી, ક્યારેક સમય લાવવો પડતો હોય છે. સમય ઉપર એ જ વાત છોડવી જોઈએ જે આપણા હાથમાં ન હોય. ઘણું બધું આપણા હાથમાં હોય છે, જે થાય એમ હોય એ કરી લેવું.

મુલતવી રાખનાર માણસ મૂંઝાતો રહે છે. મેં કહી દીધું હોત તો? હું વ્યક્ત થઈ ગયો હોત તો? દરેક સમય ‘રાઇટ ટાઇમ’ જ હોય છે. આપણે ‘સમયસર’ હોવા જોઈએ. આપણી જિંદગીમાં એવા અનેક બનાવો બન્યા હોય છે જેની આપણે કોઈ દિવસ કલ્પના કરી ન હોય. કોઈ અચાનક આપણી જિંદગીમાં આવી જાય છે. કોઈ અણધાર્યું કાયમ માટે ચાલ્યું જાય છે. આવું થાય પછી આપણી પાસે આશ્વાસનો શોધવા સિવાય કોઈ રસ્તો નથી હોતો. જો આમ થયું હોતને તો આમ ન થાત, મેં એને જવા દીધો ન હોતને તો એ મારી સાથે હોત, મેં આવું શા માટે કર્યું? એવા કેટલાયે વિચારો આવ્યે રાખે છે. એવા વિચારોનો કોઈ જ અર્થ નથી હોતો. આપણે મન મનાવતા હોઈએ છીએ. મન મનાવવું ન હોય તો મન જે કહે એ કરી નાખો.

અમુક વખતે તો માણસ છેલ્લી ઘડીની રાહ જોતો હોય છે. હમણાં નહીં, સમય પાકે ત્યારે કહીશ કે ત્યારે કરીશ. અમુક વખતે બહુ મોડું સમજાય છે. દરેક સમજ પણ ક્યાં સમયસર આવતી હોય છે? સમયસર સમજ ન આવે તો એ અણસમજ જ છે. ગેરસમજને દૂર કરવાની સમજ સમયસર આવી જાય તો જ તેનો મતલબ છે.

એક વૃદ્ધની આ વાત છે. એને બે દીકરા. બંને દીકરા પોતાનો ધંધો સંભાળે એવી પિતાને ઇચ્છા. છોકરા મોટા થયા પછી બંનેને કહ્યું કે,હવે મારો બિઝનેસ તમે સંભાળી લો. એક દીકરો આર્ટિસ્ટ હતો. તેણે કહ્યું, આપણી પાસે સાત પેઢી સુધી ચાલે એટલી સંપત્તિ છે. મારે કમાવવું નથી. મને તો મારી આર્ટમાં જ રસ છે. હું ધંધો સંભાળવાનો નથી.

પિતાથી આ વાત સહન ન થઈ. કલાકાર દીકરાને ઘરમાંથી કાઢી મૂક્યો. એ દીકરો કોઈ જાતની માથાકૂટ કર્યા વગર ચાલ્યો પણ ગયો. વર્ષો વીતી ગયા. પિતા મરણપથારીએ હતા. જે દીકરો સાથે રહેતો હતો એની એક દીકરી હતી. દાદાની બહુ લાડકી. દાદાને અનેક વાર કહ્યું કે, દાદા તમે કાકાને બોલાવી લો. દાદો એક જ વાતનું રટણ કરે કે મારે એનું મોઢું નથી જોવું, એણે મારી ઇચ્છાઓનું ખૂન કર્યું છે, મેં ધાર્યું હતું એવું એણે ન કર્યું.

મોત નજીક આવતું હતું. ખુદ દાદાને સમજાઈ ગયું હતું કે હવે તેની પાસે વધુ સમય નથી. દીકરીને બોલાવીને કહ્યું કે, તું હવે તારા કાકાને બોલાવી લે.

દીકરીએ પૂછ્યું કે કેમ હવે એમને બોલાવવાનું કહો છો? દાદાએ કહ્યું કે, મારે કોઈ અફસોસ સાથે મરવું નથી!

દીકરીથી આખરે ન રહેવાયું, તેણે કહ્યું કે દાદા અફસોસ સાથે મરવું નથી, પણ અફસોસ સાથે જીવવામાં તમને વાંધો નહોતો! તમને ક્યારેય એવો વિચાર ન આવ્યો કે મારે કોઈ અફસોસ સાથે જીવવું નથી? અફસોસ સાથે મરવું ન હોય તો તરત જ કોઈ અફસોસ ન રહે એવું કરવું જોઈએ. અફસોસ વગર જીવવામાં જે મજા છે એ જ સાચી મજા છે. જે સમયે જે થવું જોઈએ એ જ થાય એ વાજબી છે. તરસ લાગે ત્યારે પાણી આપવાનું હોય, એ વખતે સોનું આપો તો એનો કોઈ અર્થ નથી. હૂંફ અને હમદર્દી પણ સમયસર આપવાં જોઈએ. આપણને અનુકૂળતા હોય ત્યારે કદાચ એની કોઈને જરૂર ન પણ હોય.

એક ખેડૂતની આ વાત છે. તેને ગામના એક માણસ સાથે અણબનાવ થયો. એક વખત ખેતરમાં કામ કરતો હતો ત્યારે એના દીકરાએ કહ્યું કે, આપણા પેલા પડોશીને તમારું માઠું લાગ્યું છે. ખેડૂતે દીકરાને તરત જ કહ્યું કે, જા તો એને બોલાવી લાવ. હમણાં જ તેની સાથે પ્રેમથી વાત કરી તેની નારાજગી દૂર કરી દઉં.

દીકરાને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું, બાપા કેમ અત્યારે જ? પિતાએ કહ્યું, દીકરા આપણે ખેડૂત છીએ. ખેતીનો એક નિયમ જિંદગીમાં અપનાવવા જેવો છે. વરસાદ આવેને એ પહેલાં ખેતર ખેડી લેવાનું હોય છે. વરસાદ ક્યારે આવે એનો ભરોસો નહીં, આપણું ખેતર ખેડાયેલું હોવું જોઈએ. જિંદગીમાં પણ એ વાત યાદ રાખવાની હોય છે કે જે સમયે જે થવું જોઈએ એ થઈ જવું જોઈએ. છોડ સુકાઈ જાય પછી ગમે એટલું પાણી પીવડાવો તો પણ એ સજીવન ન થાય. પ્રેમ, સ્નેહ અને વ્હાલનું પણ એવું જ હોય છે.

અફસોસ વજનદાર હોય છે. એનો ભાર લાગે છે. એની ગૂંગળામણ થાય છે. અફસોસ ન હોય તો જ આહલાદકતા અનુભવાય.

બે મિત્રોની આ વાત છે. એક પાર્ટી હતી. એક મિત્ર બહારગામથી આવ્યો હતો. પાર્ટી દરમિયાન મજાક-મસ્તીમાં એ બંને મિત્રો વચ્ચે જૂની એક બાબતે બોલાચાલી થઈ. રીતસરનો ઝઘડો થયો. પાર્ટી પૂરી થઈ. એક મિત્ર એના ઘરે ગયો. બીજો મિત્ર કાર લઈને એના શહેર તરફ જવા નીકળ્યો. જે મિત્ર ઘરે હતો તેને થયું કે મારે ઝઘડો કરવાની જરૂર ન હતી. તેણે મિત્રને તરત ફોન કર્યો. તેણે સોરી કહ્યું. દોસ્ત, આટલા વખતે મળ્યા અને આપણા વચ્ચે ઝઘડો થઈ ગયો. મને માફ કરજે. કારમાં જતાં મિત્રએ કહ્યું,તું પણ જબરો છે. આટલી ઝડપે તને માફી માગી લેવાનું મન થઈ ગયું. મિત્રએ કહ્યું, હા દોસ્ત, કાલનો કંઈ ભરોસો નથી. કદાચ કાલે મને કંઈ થઈ જાય અને હું મરી જાઉં તો?સમયનો કંઈ ભરોસો થોડો છે?

બંનેએ હસીને વાત પૂરી કરી. મિત્ર આરામથી સૂતો. તેને થયું કે હવે સવારે કદાચ ન ઊઠું તો પણ વાંધો નહીં, એમ તો નહીં થાય કે કંઈ મનમાં રહી ગયું. એ રિલેક્સ થઈ સૂઈ ગયો. સવાર તો પડી જ. સવારના પહોરમાં ફોન આવ્યો કે, તેનો ફ્રેન્ડ કાર લઈને જતો હતો ત્યારે એનો એક્સિડન્ટ થઈ ગયો અને એ મરી ગયો છે! એને આઘાત લાગ્યો. તેણે કહ્યું, થેંક ગોડ,હવે મારે કોઈ અફસોસ સાથે તો જીવવું નહીં પડે!

તમારા મનમાં આવું કંઈ છે? કોઈની સાથે વાત કરવાનું મન થાય છે? કોઈને કંઈ કહેવું છે? તો રાહ ન જુઓ, સમય પલટી મારે એ પહેલાં બધું સુલટાવી લો.

•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

એક સાધુને પૂછવામાં આવ્યું કે તમારા ચહેરા ઉપર જે સુકૂન દેખાય છે એનું કારણ શું છે?

સાધુએ કહ્યું કે, હું રોજ રાતે સૂવા જાઉં એ પહેલાં એટલો જ વિચાર કરું છું કે અફસોસ થાય એવું આજે કંઈ થયું નથીને? થયું હોય તો હું સૂતાં પહેલાં જ એ વાત પૂરી કરી દઉં છું. રોજ સવારે દિવસ નવો હોય છે એમ માણસ પણ નવો અને હળવો હોવો જોઈએ.

•••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••••

આપણે સવારે ઊઠીએ ત્યારે હળવા હોઈએ છીએ ખરા? રાતે સૂતી વખતે કેટલો બેગેજ આપણી સાથે હોય છે? ક્યારેક તો એ વજન આપણને ઊંઘવા નથી દેતું. પડખાં ફર્યા રાખીએ તો પણ નીંદર નથી આવતી. દરેક વખતે મોતનો વિચાર કરીને જ બધું કરવાની જરૂર હોતી નથી. મોતનો તો ક્યારેય વિચાર જ ન કરવો જોઈએ, જે કંઈ કરવું હોય એ જિંદગીનો વિચાર કરીને જ કરવું જોઈએ. જિંદગી આપણી છે. આપણે નક્કી કરવાનું હોય છે કે એને કેવી રીતે જીવવી છે.

માણસના સ્ટ્રેસનું કારણ મોટાભાગે એ પોતે હોય છે. આપણે તો નારાજ, ઉદાસ કે ગુસ્સે હોઈએ તો પણ એનો દોષ બીજા પર નાખતા હોઈએ છીએ. એના કારણે આવું થયું, તેણે એવું કર્યું એટલે મારો મૂડ ઓફ થઈ ગયો. આપણે જેવા છીએ એના માટે માત્ર અને માત્ર આપણે જ જવાબદાર હોઈએ છીએ. આપણે હળવા થઈ જઈએ તો જિંદગી હળવી જ છે. સરળતા અને સહજતા જ સુખ આપી શકે અને આપણે જ આપણને સહજ અને સરળ બનાવી શકીએ અને એવા રહી શકીએ. તમારા મન ઉપર કોઈ ભાર છે? એને હળવો કરી દો, હળવાશ હાથવગી થઈ જશે!

★ છેલ્લો સીન :

સૌંદર્ય મેકઅપના માધ્યમથી મેળવી શકાય, પ્રસન્નતા તો આપણી જાતે જ ખીલવવી પડે. મનનો મેકઅપ કરવાની ફાવટ હોય તો ચહેરો જ નહીં જિંદગી પણ પ્રફુલ્લિત રહે. -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા.16 મે 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

♠ કર્મનું ફળ ♠

એક રાજા બ્રાહ્મણોને પોતાના મહેલના આંગણામાં ભોજન કરાવી રહ્યા હતા. ભોજન  ખુલ્લામાં તૈયાર થઈ રહ્યું હતું.એક સમડી પોતાના પંજામાં એક સાપને પકડીને મહેલની ઉપરથી જઈ રહી હતી.સાપે પોતાનો જીવ બચાવવા સમડીને ડંખ માર્યો .થોડુ ઝેર નિચે રસોઇના વાસણમાં પડયું.

રસોઇ ઝેરીલી થઈ ગઈ...રસોઇ બનાવનારને આ ખબર ના હતી...રસોઇ પીરસવામાં આવી અને ભોજન આરોગનાર બધાજ ભૂદેવોના મૃત્યું થયા.રાજા ખુબજ વ્યથિત થયો..અને તેને ડર લાગ્યો કે આ બ્રહ્મહત્યાનું પાપ તેને લાગશે..બીજી બાજુ યમરાજ માટે કોયડો ઉભો થયો કે આ હત્યાનું પાપ કર્મ ફળ કોના ખાતામાં ઉધારવું ?

(૧)  રાજા જેને ખબર જ ના હતી કે ભોજનમાં ઝેર છે ?

(૨)  રસોઇયા- કે જેઓ જાણતા ના હતા કે રસોઇ ઝેરી થઈ ગઈ છે ?

(૩)  સમડી જે ઝેરી સાપને લઈને મહેલ ઉપરથી નિકળી ?

(૪)  સાપ જેને પોતાના આત્મ રક્ષણ માટે  ઝહેર ઓક્યું ?

ઘણા દિવસો સુધી યમરાજાની ફાઇલમાં આ કોયડો અટકેલો રહ્યો.

થોડા સમય પછી બહારગામથી ભૂદેવો રાજાની મુલાકાતે આવે છે,રસ્તામાં એક મહિલાને રાજમહેલનો રસ્તો પુછે છે.મહિલા રસ્તો તો બતાવે છે પરંતુ સાથે સાથે વણમાગી સલાહ આપે છે કે ધ્યાન રાખજો અમારો રાજા ભુદેવોને ભોજનમાં ઝેર ભેળવીને મારી નાખે છે એટલે જમતા નહીં. 

બસ આજ વખતે યમરાજાને પાપકર્મનું ફળ કોને ખાતે ઉધારવું તે સુજી ગયું.તરતજ તેને ફેસલો આપ્યો કે બ્રાહ્મણોના મૃત્યુંનું પાપ પેલી મહિલાના ખાતામાં જશે..

યમદૂતોએ પુછયું કે મહિલાને શા માટે તેની તો આ બનાવમાં કોઇ ભૂમિકાજ નથી.ત્યારે યમરાજાએ જવાબ આપ્યો કે જયારે કોઇ પાપ કરે છે ત્યારે તે કરવાનો તેને આનંદ મળે છે..

આ કિસ્સામાં ના તો રાજાને કે સમડીને,સાપને કે રસોઇયાને આનંદ મળ્યો પરંતુ આ બનાવના વખાણ કરીને બીજાની બુરાઇ કરીને પેલી મહિલાને જરૂર આનંદ મળ્યો અને એટલા માટે પાપકર્મનું ફળ આ મહિલાના ખાતામાં જશે. 

બીજાએ કરેલા પાપની નિંદા એ પાપના વખાણ કરવા થકી કોઇ કરે છે તો તે પણ તે પાપનો ભાગીદાર બને છે.

ઘણી વખત આપણે વિચારીએ છીએ કે મેં તો કોઇ દિવસ કોઇ પાપ કર્યું નથી તો પછી મને શાની સજા થાય છે? આ સજા જાણે અજાણ્યે કોઇની કરેલી કુથલી ,નિંદા અને બુરાઇ કરવાને કારણે આપણા ખાતામાં  જમા થઈ હોય છે તેનું પાપકર્મ ભોગવવાનું બને છે.

બોધ—કોઇની કુથલી, નિંદા કે બુરાઇ જાણે અજાણે કરવી નહીં.

♠ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો માતૃપ્રેમ ♠

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નામના મહાન વિદ્વાન થઈ ગયા. તેમને લગતી આ વાત છે. ઈ.સ. ૧૮૫૧માં કલકત્તાની ફોર્ટ વિલિયમ કોલેજમાં માસિક રૂપિયા ત્રણસોના પગારે તેઓ પ્રોફેસર હતા. તે જમાનામાં એ મોટું પગારદાર પદ ગણાતું. સાહેબ તરીકેની ઘણી સગવડો તેમને મળતી હતી. લોકો તેમને આદરથી પ્રણામ કરતાં. બહુ જ થોડા ભારતવાસીઓને આવો વૈભવ મળતો હતો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તેવા એક ભાગ્યશાળી અધિકારી હતા.

તેમનાં માતાએ અંગ પરનાં ઘરેણાં વેચીને ભણાવેલા. બહુ જ ગરીબાઈમાંથી તેઓ ઊંચા પદે પહોંચ્યા હતા.

એક દિવસ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ઉપર તેમનાં માતુશ્રીનો કાગળ આવ્યો. એમના નાના ભાઈનાં લગ્ન હતાં. ઈશ્વરચંદ્ર મોટા હતા. બધો પ્રસંગ પાર પાડવાનો હતો. ઈશ્વરચંદ્રની હાજરી ઘણી જ જરૃરી હતી. કારણ કે માતુશ્રી એકલે હાથે પહોંચી વળે તેમ ન હતાં. એટલે આગ્રહ સાથે હાજર રહેવા કહ્યું હતું. લગ્નની તારીખ પણ નક્કી હતી. તેઓ ગોરા સાહેબ પાસે રજા લેવા ગયા.

ગોરા સાહેબે અરજી વાંચી અને કહ્યું,
''રજા મંજૂર થઈ શકશે નહીં.'' પત્ર ટેબલ પર
પાછો મૂક્યો.

ઈશ્વરચંદ્રે કહ્યું કે, ધોરણસર તેમની પાસે રજાઓ સિલકે હતી તો મંજૂર કરવી જોઈએ.

ગોરા સાહેબે પરીક્ષાનું કારણ બતાવ્યું. અને ના પાડી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિનંતી કરી કે, મારી માતાની આશા છે કે મારે લગ્ન પ્રસંગે હાજર રહી પ્રસંગ ઉજાળવો. મોટો હોવાથી મારે ત્યાં જઈને બધું કામ પાર પાડવાનું છે.

ગોરા સાહેબે હિન્દીઓને નોકરી કરતાં આવડતી નથી તેવા શબ્દો ઉચ્ચાર્યા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને ગોરાનું અઘટિત વર્તન ગમ્યું નહિ. ઈશ્વરચંદ્ર ઘેર ગયા. શું કરવું તેની ચિંતા થવા લાગી. માતાજીની આજ્ઞાા કદી એમણે ઉથાપી નહોતી. મોડો જઈશ તો માતાજી બહુ દુઃખી થશે. મનોમંથન ચાલ્યું. ઊંઘ ના આવી. બહુ જ વિચારને અંતે તેમને માતાની આજ્ઞા મહાન લાગી. પણ તે નોકરી છોડયા સિવાય શક્ય ન હતું. નોકરીના રાજીનામાનો આખરી નિર્ણય તેમણે વિચારી લીધો. રાજીનામું ધરી દીધું. ગોરો પ્રિન્સિપાલ આ વાંચી આશ્ચર્યમાં પડી ગયો. માના પ્રેમ ખાતર આ માણસ સારી પગારદાર નોકરીને ઠોકર મારી રહ્યો હતો.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ગોરાને કહ્યું કે, ''સાહેબ, જાણું છું કે મારી મોટા પગારવાળી નોકરી જશે. પણ મારી માની આશા અને પ્રેમ આગળ આવી અનેક નોકરીઓ તુચ્છ છે. માતા મહાન છે. કોઈપણ સંજોગોમાં લગ્નમાં પહોંચવું એ જ મારી મોટી ફરજ છે.''

આ સાંભળી ગોરો હાકેમ સ્તબ્ધ બની ગયો.હિન્દીઓની માતાના પ્રેમની લાગણી આગળ ઝૂકી ગયો અને મનોમન નમન કર્યા. તે બોલ્યો, ''ઈશ્વરચંદ્ર, તમે ખુશીથી લગ્નમાં જાઓ. તમારી રજા મંજૂર કરું છું.'' આમ કહી તેમણે
રાજીનામાનો કાગળ લઈ તેના ચુરેચુરા કરી દીધા અને ફેંકી દીધા.

જનની પ્રેમનો આ અનુભવ હતો. આવા હતા શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, જેમને સ્મરીને આપણી છાતી ગૌરવથી ફૂલે છે.

♠ શ્રીકૃષ્ણનો અનંત મહિમા ♠

'' શું તમે જાણો છો કે શ્રીકૃષ્ણનો રંગ કેમ નીલો છે ? '' વિદ્યાર્થીઓની પરીક્ષા લેતી વખતે સંન્યાસીએ પ્રશ્ન કર્યો. આ પ્રશ્ન સાંભળીને સૌ વિચારમાં પડી ગયાં.કોઇને જવાબ સૂઝતો નહોતો.ત્યારે એક વિદ્યાર્થી ઊભો થઇને બોલ્યો , સ્વામીજી , શ્રીકૃષ્ણનો નીલો રંગ અનંતતાનું પ્રતિક છે.''

સંન્યાસીએ પૂછ્યું , ''તમે આ કેવી રીતે કહી શકો છો ? ''

વિદ્યાર્થીએ પોતાના કથનને સુંદર રીતે સમજાવ્યું , ''જે રીતે નીલું આકાશ અને નીલો સમુદ્ર અનંત છે. તે પ્રકારે શ્રીકૃષ્ણનો મહિમા પણ અનંત છે.તેથી તેનો રંગ પણ નીલો છે.''

વિદ્વાન સંન્યાસી જ નહિ , ઉપસ્થિત બધા લોકો જવાબ સાંભળીને આનંદથી ગદગદિત થઇ ઉઠ્યા.વિદ્વાન સંન્યાસી  સ્વામી વિવેકાનંદ હતા અને જવાબ આપનાર બાળક - ચક્રવર્તી રાજગોપાલાચાર્ય હતાં.જે રાજનીતિ અને હિંદુ ધર્મના વ્યાખ્યાતા તરીકે પ્રસિદ્ધ થયાં.

♠ પુસ્તકપ્રેમી ભીમરાવ આંબેડકર ♥

ભીમરાવ આંબેડકર જેમ પોતે વિદ્વાન હતા તેમ વિદ્યાના ચાહક પણ હતાં.વિદ્યા એટલે પુસ્તકો.તે નવું પુસ્તક જોતાં જ એ ખરીદી લેવાં તલપાપડ બની જતાં.ઘણીવાર તો ઘરખર્ચની ચિંતા કર્યા વગર પુસ્તકો પાછળ જ રૂપિયા ખર્ચ કરતાં.

એકવાર એવું બન્યું કે પાંચ પુસ્તકોની એક શ્રેણીની પાછળ એમણે 500 રૂપિયા ખર્ચી નાખ્યા.એ જમાનામાં 500 રૂપિયા ખૂબ મોટી રકમ હતી.એટલી રકમ તેઓ મહિને દહાડે માંડ કમાતા હતાં.

500 રૂપિયાનાં પુસ્તકો લઇને એ તો ઘેર પહોંચ્યાં.એમનાં પત્નીએ એમને માટે ખાવાનું પીરસ્યું પણ ભીમરાવ તો નવાં આવેલ પુસ્તકને જોવામાં મશગૂલ ! ભોજનની થાળીમાં એકાદુ બટકું મોંમાં મૂકીને વાંચવામાં ખોવાઇ ગયાં !

બાજુમાં બેઠેલા પત્ની રમાબાઇ તો જોઇ જ રહ્યા.એમણે બે - ત્રણ વાર ટકોર કરી કે ખાવાનું ઠરી જાય છે.ખાઇ લો.પણ દરેક વેળા ભીમરાવ તો એકાદું બટકું ખાઇ લે અને વળી ખાવાનું વિસરાઇ જાય.રમાબાઇએ ત્રીજી - ચોથી વાર ટકોર કરી એટલે તેણે કહ્યું,''અરે , ખાવાનું ક્યાં નાસી જવાનું છે ? પણ આવું પુસ્તક વારે વારે નહિ મળે.માટે તું ટકટક ન કર ! 500 રૂપિયાનું પુસ્તક છે.માંડ માંડ મળ્યું છે. ''

રમાબાઇએ કહ્યું , ''ભલે , તો વાંચો પણ ફક્ત એટલું મને કહી દો કે એ પુસ્તકમાં એવું ક્યાંય લખ્યું છે ખરું કે ચોપડીઓને ખાતર કુટુંબીજનોને તરછોડવાં ? ''

હવે ભીમરાવ ચોંક્યા. ''એ શું બોલી ? જરા ફરી વાર બોલ જો ?

રમાબાઇ કહે,  ''પત્નીની સંભાળ ન રાખવી.છોકરાઓના ભણતરની દરકાર ન કરવી. ઘરમાં અનાજ - પાણી છે કે નહિ એની પણ ચિંતા ન રાખવી.બસ, પુસ્તકોમાં જ પૂરી કમાણી ખર્ચી નાંખવી.એવો ઉપદેશ આપે છે તમારા પુસ્તકો ?

આંબેડકર પત્નીની વાત સમજી ગયાં.પુસ્તક બંધ કર્યું.શાંતિથી જમી લીધું.પછી રમાબાઇને કહ્યું કે હવે કદીય તમારે રસોડે તંગી નહિ પડવા દઉં, બસ ?

જો કે પુસ્તકો માટેનો આંબેડકરનો પ્રેમ કાયમ આવો ને આવો જ રહ્યો હતો.મુંબઇના તમામ પુસ્તકોવાળાને ખબર હતી કે આંબેડકર પુસ્તકોના ગજબ મોટા ગ્રાહક છે.

આંબેડકર કહેતા,  ''પુસ્તકો મારા શ્વાસોચ્છવાસ છે.એમની સોબત માટે હું અન્ય કોઇપણ સોબત છોડવા તૈયાર છું.''

★ સાભાર  ★
- 101 સોનેરી વાતો
- યશવંત મહેતા.

♠ કદરદાની ♠


~•~° સાભાર °~•~

🌹 માનવ થાઉં તો ઘણું.

🌹 બહાદુરશાહ પંડિત 

પ્રખ્યાત સિતારવાદક રૂબેન્સ્ટાઇન સંગીતનો કાર્યક્રમ આપ્યા બાદ એટલા બધા થાકી જતા હતાં કે એ કોઇને પણ પોતાના હસ્તાક્ષર આપતા નહોતાં.

એ રીતે એકવાર કાર્યક્રમમાં જાહેર કરવામાં આવ્યું કે પિયાનો વગાડ્યા બાદ રૂબેન્સ્ટાઇનના હાથ દુ:ખી જતા હોવાથી કોઇએ પણ એમની પાસે હસ્તાક્ષર માંગવા નહિ.

આમ છતાં જેવા તેઓ પિયાનો વગાડીને બહાર નિકળ્યા કે એક નાની સુંદર કન્યાએ તેમની પાસે પોતાની હસ્તાક્ષરપોથી ધરી. રૂબેન્સ્ટાઇને નારાજ થઇને એ કન્યા સામે જોયું , એટલે એ બોલી,''મને ખબર છે કે પિયાનો વગાડીને તમારા હાથ દુ:ખે છે પણ એમ તો અમારા હાથ પણ દુ:ખે છે - તાળીઓ પાડીને.''

રૂબેન્સ્ટાઇને એ બાળકીની હસ્તાક્ષરપોથીમાં તરત જ પોતાના હસ્તાક્ષર પાડી આપ્યા એ વાતની સ્પષ્ટતા કરવાની ભાગ્યે જ જરૂર રહે છે.

કદરદાની એ ''માસ્ટર કી'' - ગુરુચાવી છે.ગમે તેવા કઠોર હ્રદયના તાળાને પણ આ ચાવીથી ખોલી શકાય છે. નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધીના તમામ પોતાના કાર્યની કદર થાય એમ ઇચ્છતા હોય છે.કદરનો એકાદ શબ્દ કે કોઇવાર તો નાનો સરખો ઇશારો માત્ર માણસના ચિત્તને પ્રફુલ્લિત બનાવી દે છે.

અબ્રાહમ લિંકનની માતાએ મરતી વખતે એમને પાસે બોલાવી કહ્યુ હતું કે, ''બેટા,તું હજી બાળક છે પણ તારી શક્તિઓ જોતા લાગે છે કે તું મહાન બનીશ.'' કદરદાનીના આ શબ્દોએ અબ્રાહમ લિંકનને પ્રેરણા આપી હશે એવું ચોક્કસપણે કહી શકાય.