કાર્ય પ્રત્યેનો અભિગમ

Via ,
mspatel09.in

કૃષ્ણ ભગવાનનો કર્મનો સિદ્ધાંત
જીવન કાર્યને મૂલ્ય તો અર્પે છે જ, પણ
જીવનકાર્ય પ્રત્યેના અભિગમને ભારણ
ન ગણતા, ઉત્સવ માનવા પ્રેરે છે. તેનું એક
દ્રષ્ટાંત ઓશોએ આપ્યું છે.

......એક મંદિર બનતું હતું. અનેક
મજુરો ત્યાં પથ્થર તોડવાનું કાર્ય
કરતા હતા. એક માણસે એ સ્થળે જઇ એક
મજુરને પૂછ્યું, ‘તમે શું કરો છો?’ મજુર આ
પ્રશ્ન સાંભળી ગુસ્સામાં બોલી ઊઠ્યો,
‘આંધળા છો? જોતા નથી કે પથ્થર તોડું
છું?’

એ જ વ્યક્તિ બીજા મજુર પાસે
ગયો અને તેને પણ એ જ પ્રશ્ન પૂછ્યો,
‘તમે શું કરો છો?’ પેલા મજુરે એક નજર એ
વ્યક્તિ પર નાખી. પછી હથોડો નીચે
મૂકતા કહ્યું, ‘પથ્થર તોડું છું. એ રીતે
મારા કુટુંબ માટે રોટલો રળું છું.’

એ જ વ્યક્તિ ત્રીજા મજુર પાસે ગઇ.
એ મજુર આનંદના સ્વરે ગીત
ગાતાં ગાતાં પથ્થર તોડતો હતો.
પેલી વ્યક્તિએ તેને એ જ સવાલ પૂછ્યો,
‘તમે શું કરો છો?’ પેલા મજુરે ગીત
ગાવાનું અટકાવીને કહ્યું, ‘ભગવાનનું
મંદિર બનાવી રહ્યો છું.’ અને પાછો એ
મજુર ગીત ગાતો ગાતો પથ્થર
તોડવામાં મગ્ન થઇ ગયો.

આ ત્રણે માનવીઓ એક જ કામ
કરતા હતા. પણ ત્રણેનો પોતાના કાર્ય
પ્રત્યેનો અભિગમ ભિન્ન છે.
ત્રીજો માનવી પથ્થર
તોડવાના પોતાના કાર્યને ઉત્સવ
સમજી કરી રહ્યો છે. અને એ જ ઇશ્વરે
સોંપેલ કાર્ય (કર્મ)
કરવાની સાચી દ્રષ્ટિ છે.