♦ સાચો કર્મકાંડી ♦

કોલકાતા રાજમાર્ગ પર એક બ્રાહ્મણ ‘ઓમ નમ: શિવાય... ઓમ નમ: શિવાય’
બોલતા બોલતા ગંગાસ્નાન કરીને ગંગાના ઘાટ પરથી ચાલ્યા આવતા હતા. નાહીને લાલ રંગનો ગમછો વીંટયો હતો. ખભે જનોઈ, ગળામાં રુદ્રાક્ષની માળા, માથે શિખા અને પગમાં ચાખડી, હાથમાં તાંબાનો લોટો એમ પોતડીધારી એ બ્રહ્મદેવ ભોળાનાથનું સ્મરણ કરતા કરતા આગળ વધતા હતા.

અચાનક બ્રાહ્મણની નજર રસ્તાની એક તરફ બેઠેલા એક ડોશીમાં તરફ પડી. એમનાં વસ્ત્રો પરથી સાધારણ સ્થિતિનાં હોવાનું અનુમાન થતું હતું. માજીના ચહેરા પર ઉદાસી છવાયેલી હતી. પેલા બ્રહ્મદેવે કહ્યું: "મા, આપ કેમ ઉદાસ વદને બેઠાં છો? કંઈ કામ હોય તો કહો."

માજીએ કહ્યું," ભાઈ, મારા પતિનું શ્રાદ્ધ કરાવવાનું છે , પરંતુ બ્રાહ્મણે જે દક્ષિણા
માગી એટલું મારું ગજું નથી. સમય વીતી જાય છે, પણ કોઈ હા પાડતા નથી.કોઈ
કર્મકાંડી બ્રાહ્મણ પાસે વિધિસર શ્રાદ્ધ કરાવાય તો મારા પતિના આત્માને તૃપ્તિ થાય.થોડી ઘણી દક્ષિણા અને સીધું આપી શકું, પરંતુ ધોતી, વસ્ત્રો, પિતળના વાટકા અને મોટી દક્ષિણા આપવાની મારી શક્તિ નથી." આટલું કહેતાં માજીની આંખો આંસુથી છલકાઈ ઉઠી.

"ચાલો, ઉઠો, મા. હું પણ બ્રાહ્મણ છું. કર્મકાંડની વિધિ જાણું છું. આપના પતિની
શ્રાદ્ધ-ક્રિયા કરાવી આપું. આપ દક્ષિણામાં જે આપશો તે સ્વીકારીશ."

બ્રાહ્મણનાં વચનો સાંભળીને પેલાં માજી રાજી રાજી થઈ ગયાં. ઉદાસી દૂર થઈ ગઈ
અને ચહેરા પર ઉજાસ છવાઈ ગયો. માજી પણ ઉતાવળી ચાલે બ્રાહ્મણની પાછળ
ચાલવા લાગ્યાં. સાથે લાવેલ શ્રાદ્ધની સામગ્રી એક થાળમાં ગોઠવીને મુકી.
બ્રાહ્મણે પણ નિયમ અનુસાર અને વિધિપૂર્વક શ્રાદ્ધક્રિયા કરાવી.

માજીની આર્થિક સ્થિતિ સાવ સાધારણ હોવાથી તેમણે દક્ષિણામાં એક પડિયો
ચોખા, ગોળનો કકડો અને માથે એક તાંબાનો પૈસો આપ્યો. બ્રહ્મદેવને તો આટલું મળ્યું તેમ છતાં આનંદ આનંદ થઈ ગયો. વૃદ્ધા આનંદ પામી.

બ્રહ્મદેવ ઘર ભણી જવા નીકળ્યા. ભોળાનાથનું સ્મરણ કરતા ઘર પાસે પહોંચ્યા ત્યારે એને એક ઓળખીતો સામો મળ્યો. દરરોજ તો હાથમાં ગંગાજળનો લોટો લઈને સામે મળતા, પરંતુ અત્યારે બીજા હાથમાં પડિયો, ગોળનો કકડો અને તાંબિયો જોતાં પૂછ્યું: " કેમ? આજે આ બધું શાનું છે? "

પેલા બ્રાહ્મણે હસીને કહ્યું, "તમને નવાઈ લાગે છે, ખરું? હું ન્યાયાધીશ થયો એટલે
બ્રાહ્મણ થોડો મટી ગયો? આજે એક નિ:સહાય માજીને એના પતિનું શ્રાદ્ધકર્મ કરાવીને મારું બ્રાહ્મણ તરીકેનું કર્તવ્ય બજાવ્યું, એની દક્ષિણા છે.’

આ માનવતાવાદી બ્રાહ્મણ હતા: કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ આશુતોષ
મુખર્જી.

♦ સાદગી ♦

રશિયન બોલ્શેવિક ક્રાંતિના પ્રણેતા અને ક્રાંતિકારી સામ્યવાદી નેતા તરીકે પ્રખ્યાત વ્લાદિમીર ઇલીચ લેનિન એક પ્રખર રાજકારણીની સાથે તેની સાદગીથી પણ એટલા જ જાણીતા હતા.

તેમના વહીવટ હેઠળ, રશિયા અને ત્યારબાદ વિશાળ સોવિયત સંઘ પણ  રશિયન સામ્યવાદી પક્ષ દ્વારા નિયંત્રિત એકપક્ષીય સામ્યવાદી રાજ્ય બન્યું.

લેનિન રૂસ જેવા મોટા દેશના વડા હોવા છતાં ખૂબ સાદાઈથી રહેતા. દેશના વડા
માટેના આલિશાન મકાનના માત્ર ચાર જ રૂમમાં પોતાનો વસવાટ ગોઠવીને બાકીના
બધા જ ખંડ તેમણે જુદી જુદી ઓફીસો માટે આપી દીધા હતા.

એકવાર એક કવિ લેનિનને મળવા આવ્યા.તેમને કહેવામાં આવ્યું કે, "લેનિન
તો અગત્યની મીટીંગમા છે. મોડી રાત્રે પાછા આવશે.' કવિ નિરાશ થઈને જતા હતા.

ત્યારે કોઈકે તેમને કહ્યું , "તમારે લેનિનને મળવું જ હોય તો તમે અહીં રાહ જોઈ શકો છો."

કવિ બેઠા.રાત્રે એકાદ વાગે લેનિન થાકયા પાકયા ઘેર આવ્યા ત્યારે મુલાકાતીને
જોયા. લેનિને તેમની સામે મલકીને તેમના ખબર અંતર પૂછયા. પછી પૂછયુ. "કોફી
પીશો ને ?" 

કવિને થયું કે લેનિન થાકીને આવ્યા છે. તે કોફી પીશે તો તેમને સારું લાગશે.
એટલે તેમણે કહયું, "હા."

તરત જ લેનિન ઊભા થયા. ઠંડી દુર કરવા માટે એક ખૂણામાં મુકવામાં આવેલી
સગડીના કોલસા સંકોર્યા. કોફીના સામાન ભેગો કર્યો અને પોતે જ કોફી બનાવી.
મહેમાનને પાઈ અને પોતે પણ પીધી.

કવિરાજ તો દંગ જ થઈ ગયા. કદી કલ્પી ન હોય તેવી સાદાઈ જોઈને લેનિનને
મનોમન વંદન કરી રહ્યા.

જો સમજાય તો સાદગી એ માનવીનું મૂલ્યવાન ઘરેણું છે.સાદગીમાં જ પરમ સુખ રહેલું છે.સાદગી એ સૌંદર્યનો આદર્શ છે.