આકરો ડંખ

એક વાર એક રાજાએ દરબારમાં અનેક
પ્રકારના સવાલ કર્યા.તેને માટે તમામ
વિદ્વાનોએ પોતાના અભિપ્રાય પ્રગટ
કર્યા.

અચાનક રાજાએ કહ્યું, મહેરબાની કરીને
એ જણાવો કે સૌથી આકરો ડંખ મારનાર
કોણ છે?

એક વિદ્વાને જવાબ આપ્યો-
મહારાજ, સૌથી આકરો ડંખ
ભમરીનો હોય છે.
તેનાથી માણસની ચીસ
નીકળી જાય છે.

બીજા વિદ્વાને કહ્યું, મહારાજ,
સૌથી આકરો ડંખ મારનાર મધમાખી છે.

ત્રીજાએ કહ્યું, વીંછી સૌથી આકરો ડંખ
મારનાર છે.

ચોથા વિદ્વાને કહ્યું,
મહારાજ, સાપ ડંખ મારે તો પાણી પણ
માગી શકાય નહીં.

પરંતુ રાજાને
કોઈના જવાબથી સંતોષ થયો નહીં.
તેમણે રાજગુરુને કહ્યુ, આનો જવાબ તમે જ
આપો. રાજગુરુએ કહ્યું, સૌથી વધારે
આકરા ડંખ બે વ્યક્તિ મારી શકે છે. એક
નિંદક અને બીજો વખાણ કરનાર.
નિંદકના હ્રદયમાં નિંદા-દ્વેષ રૂપી ઝેર
ભરેલું હોય છે. તે નિંદા કરીને
પાછળથી ડંખ
મારે છે. તેનાથી માણસ હલબલી ઊઠે છે.
વખાણ કરનાર
પોતાની વાણીમાં મીઠું
ઝેર ભરીને ચાપલુસી કરે છે.
તેનાથી મનુષ્ય
પોતાના દુર્ગુણોને ગુણ સમજીને
અહંકારના નશામાં ચૂર થઈ જાય છે.
ચાપલુસની વાણી વિવેકને કાપીને
મૂળમાંથી નષ્ટ કરી દે છે.
નિંદા અને પ્રશંસા, બંને વ્યક્તિ માટે એક
મર્યાદા પછી ઝેરની જેમ ઘાતક સિદ્ધ
થાય છે. તેનું વધારે પ્રમાણ અમુક
મર્યાદાથી વધે તો વ્યક્તિને ડૂબાડી દે
છે.

દરેકને બીજાની નિંદા કરવામાં આનંદ
આવે છે અને પોતાની નિંદા ખરાબ લાગે છે.
આ પ્રકારે મોટાભાગના લોકોને
પોતાનાં વખાણ સાંભળવાં સારાં લાગે છે.

નિંદા અને પ્રશંસા વચ્ચે જ
લોકો પોતાનો કિંમતી સમય કાઢે છે.
આવું ઘણું ઓછું થાય છે, જ્યારે
વ્યક્તિ પોતાની નિંદા સાંભળીને
શાંત રહે અને વખાણ સાંભળીને નિશ્ચલ રહે.
જીવનમાં કામિયાબી મેળવવા માટે એ
જરૂરી છે કે માણસ નિંદા અથવા પ્રશંસાથી પ્રભાવિત
થાય નહીં.