♦ ચોવીસ કલાકે ♦

એક વૃદ્ધ મરણ પથારી ઉપર હતા.તેમણે પોતાના પુત્રને પોતાની પાસે બોલાવ્યો. પછી વૃદ્ધે કહ્યું, "બેટા,મારા પુરા જીવન દરમિયાન હું ગરીબ રહ્યો.તારી પાછળ મૂકી જવા માટે મારી પાસે કાંઈ મૂડી નથી પણ તારા દાદાએ મને જે આપ્યું હતું તે આજે હું તને આપતો જાઉ છું. જિંદગીભર તું તેને
સાચવજે. જયારે તને ક્રોધ ચડે ત્યારે ચોવીસ કલાક પહેલા તું તેનો જવાબ વાળતો નહીં.ચોવીસ કલાક વીત્યા બાદ તું જવાબ આપી શકે. બસ આટલી 'મૂડી' હું તને વારસામાં આપતો જાઉ છું." 

પિતાજીએ આપેલી 'મૂડી' દીકરાએ તે જીવ્યો ત્યાં સુધી સાચવી.આથી તે ઘણું કમાયો. તેને જીવનમાં ઘણાં અપમાન સહન કરવા પડયા. ક્રોધ ચડે એવા અનેક સંજોગો વારંવાર ઉભા થયા પણ પિતાના વચનો યાદ રાખી પુત્રે પરિસ્થિતિ સંભાળી લીધી. સામી વ્યકિતને તે શાંતિથી કહેતો કે, "આનો જવાબ હું તમને ચોવીસ કલાક
બાદ આપીશ." 

ચોવીસ કલાક બાદ એના મનમાં પેદા થયેલા રોષ, વેરની ભાવના ઈત્યાદિ આપમેળે ઓગળી જતાં. પછી તો એ આખો પ્રસંગ એને એટલો તો નજીવો લાગતો કે અપમાનનો બદલો વાળવા તે પાછો પેલી વ્યકિત આગળ કદી જતો નહી. આમ કરતાં તેના હૃદયમાંથી બધો ક્રોધ અદૃશ્ય થયો. તેનું હૃદય સ્વચ્છ બની ગયું. આ છોકરો મોટો થતા મહાન વિચારક જ્યોર્જ ગુર્જિયેફ નામે ખ્યાતિ પામ્યો.

♦ પેન્સિલ અને રબર ♦

એક ઘર હતું. ઘરના એક ઓરડામાં ટેબલ ઉપર પેન્સિલ અને રબર પડ્યા હતા. પેન્સિલનું ધ્યાન રબર તરફ ગયું. તેણે મોઢું બગાડીને રબરને કહ્યું, "અહીંથી ખસી જા. આ મારું ટેબલ છે."
રબરને એની વાત ગમી નહીં. તેમ છતાં એણે ધીરજથી કહ્યું, "બહેન! આ તું શું કહે છે? આપણી વચ્ચે વર્ષોથી મિત્રતા ચાલતી આવી છે. બાળકોના દફતરમાં તું અને હું સાથે હોઈએ છીએ. તો પછી આજે તને આ શું થયું? હું તો તારો ભાઈ છું."

પેન્સિલને આ સાંભળી ગુસ્સો આવ્યો અને રબરને કહ્યું, "ભાઈ, પહેલાં તારું મોઢું જો! કલર કેવો કાળો થઈ ગયો છે! અસલ કોયલા જેવો! હમણાં જ તને હું મારી અણી મારું તો ચીસો પાડતું ભાગી જઈશ."

આમ કહીને પેન્સિલે પોતાની અણી રબરના
શરીરમાં ઘૂસાડી દીધી પણ રબરે ધીરજ ગુમાવી નહીં. 

એણે કહ્યું, "જો બહેન! હું પણ તારા ઉપર
આ રીતે હુમલો કરી શકું એમ છું પણ મારે તારા જેવું થવું નથી."

"તું મારા પર હુમલો કરીશ? પહેલાં તારું
પોચું-પોચું શરીર તો જો! જો હું મારી અણી તારા શરીરમાં ઘુસાડીશ તો તારા શરીરમાં કાણાં પડી જશે. તું તો સાવ નકામું છે. અક્ષર ભૂંસવા સિવાય તું બીજું શું
કામ કરે છે?"

"એ જ તો મારું મોટું કામ છે." રબરે વળતા કહ્યું.

"અક્ષર ભૂંસવાને તું મોટું કામ કહે છે?", પેન્સિલે કહ્યું.

આ સાંભળી રબરે તેને કહ્યું, "તું જે કંઈ ખોટું લખે છે, તે હું ભૂંસી નાખું છું. હું અત્યારે જેવું દેખાઉં છું, તેવું કાળું નહોતું.હું સફેદ રંગનું હતું, સુંદર હતું. સાચું કહું તો તારા કારણે જ હું સફેદમાંથી કાળું થઈ ગયું."

"મારા કારણે? અલ્યા જૂઠું કેમ બોલે છે? મેં
વળી તને શું કર્યું કે તું સફેદમાંથી કાળું થઈ ગયું?" , પેન્સિલે આશ્ચર્યથી રબરને પૂછ્યું.

રબરે કહ્યું, "તેં કરેલાં કામોથી મારી આ દશા થઈ છે."

પેન્સિલ હવે વધારે ગુસ્સે થઈ. "મારાં કારણે? આ તું શું બકે છે? "

રબરે કહ્યું ,"હું બકતું નથી. સાચું કહું છું. પૂછી જો આ પુસ્તકભાઈને."

ટેબલ પર મૂકેલું પુસ્તક પણ પેન્સિલ અને
રબરની વાતો ક્યારનું સાંભળી રહ્યું હતું.
પુસ્તકે કહ્યું, "બહેન, ગુસ્સે ન થઈશ. રબરની વાત સાચી છે. તું જે ખોટાં કામ કરે છે એટલે કે જે કંઈ ખોટું લખે છે, તેને આ રબર ભૂંસી નાખે છે. તારાથી થયેલી ભૂલો લોકો સુધી પહોંચવા નથી દેતું. તારી ભૂલોને ભૂંસી-ભૂંસીને એ વધારે કાળું થતું ગયું છે. જરા વિચાર કર, જો રબર ન હોત તો તારી ભૂલોને કોણ ભૂંસત? તારે તો આનો આભાર માનવો જોઈએ. કેમ કે, એ તારા કામમાં આવે છે."

પેન્સિલ હવે શું બોલે? એણે રબરની માફી માગી. હવે પોતે કદી રબરને આવું નહીં કહે એવી પુસ્તકને ખાતરી આપી.

- હુંદરાજ બલવાણી
- સાભાર "બાળ ભાસ્કર"

♦ તમે સાગર બનશો કે નદી થશો? ♦

સુખદેવ ઋષિના તેજસ્વી શિષ્ય અનુજમાં ધીરે ધીરે શાસ્ત્ર-જ્ઞાનનો ગર્વ ઉભરાવા લાગ્યો. એ ગર્વપોષક નિમિત્તોની વચ્ચે અહર્નિશ રહેવા લાગ્યો. સમય જતાં એ સુખદેવ ઋષિના અન્ય શિષ્યોને હીન, અજ્ઞાની અને અલ્પ બુદ્ધિમાન સમજવા લાગ્યો.

સુખદેવ ઋષિએ જોયું કે જ્ઞાનનો અહંકાર પોતાના વિદ્વાન શિષ્યને અવળે માર્ગે લઈ જઈ રહ્યો છે. તેથી એક દિવસ એને સાચી સમજણ આપવા માટે સાગરના કિનારે લઈ ગયા. 

ગુરૂએ પોતાના શિષ્ય અનુજને કહ્યું , "કેવો છે આ સાગર ? પ્રિય શિષ્ય, એના જળનું થોડું આચમન કરો."

જ્ઞાની અનુજે સાગરજળને મોંમાં લેતા જ મોઢું બગાડીને એ પાણીનો કોગળો કરી નાખ્યો અને કહ્યું, "અરે ! ગુરૂજી, આ સાગરનું પાણી તો કેટલું બધું ખારું છે ! મારા મુખનો સ્વાદ બગડી ગયો. આવા પાણીનો શો અર્થ ?"

સુખદેવ ઋષિએ હળવું હાસ્ય કરીને શિષ્યને કહ્યું , "ચાલ જરા આગળ
જઈએ." બંને એક નદી પાસે આવ્યા. ગુરૂએ શિષ્ય અનુજને કહ્યું , "જરા નદીના
જળનું તો આચમન કરી લે."

અનુજે નદીનું પાણી લઈને પીધું.તે શીતળ અને મીઠું લાગ્યું.એણે કહ્યું પણ ખરું, "પાણી તો સર્વત્ર છે પણ સાગરનું કેવું અને નદીનું કેવું !"

ગુરૂએ કહયું, "શિષ્ય, સાગર એ અહંકારનું રૂપ છે. એ બધું જ પોતાનામાં ભરી રાખે છે, તેથી એનું જળ કેવું ખારું છે ! એ કોઈના કશાય ઉપયોગમાં આવતું નથી, જયારે નદી એનું પાણી વહેંચે છે, એ ખેડૂતને આપે છે અને પનિહારિઓને પણ આપે છે. એનાથી અનાજ ઉગે છે અને લોકોના પેટ ઠરે
છે. એને કારણે એના જળમાં મીઠાશ છે. વ્યકિતએ અહંકારને પોતાની પાસે
ફરકવા દેવો જોઈએ નહિ,નહિ તો એની હાલત પોતાનામાં જળ સમાવતા
સાગર જેવી થશે. એણે નદીની જેમ વહેતા, હરતાં–ફરતા અને સહુને ઉપયોગી
બનતા રહેવું જોઈએ."

♦ પ્રામાણિકતાનો પુરસ્કાર ♦

પ્રજાપ્રિય રાજવીએ જોયું કે એના રાજ્યમાં સર્વત્ર ભ્રષ્ટાચાર અને  અવ્યવસ્થા વ્યાપી ગયા છે. પોતે પ્રજાને આટલો બધો ચાહતો હોવા છતાં રાજ્યની સ્થિતિ કેમ આવી થઈ ગઈ હશે? કારણની તપાસ કરતાં જાણવા મળ્યું કે એના દરબારીઓ માત્ર ખુશામતખોરો બની ગયા છે. રાજાને રાજ્યની સાચી પરિસ્થિતિથી વાકેફ રાખતા નથી અને તેથી રાજ્યમાં અંધાધુંધી પ્રવર્તે છે.

રાજાએ વિચાર્યું કે આ દરબારીઓમાંથી કોઈ પ્રામાણિક વ્યક્તિને શોધવી જ પડશે. તો જ રાજકાજ બરાબર ચાલશે. 

એની પરખ કરવા માટે રાજાએ એક યુક્તિ અજમાવી. એણે દરબારના ચાર મુખ્ય દરબારીઓને બોલાવીને દરેકને બીજ, ખાતર અને એક-એક કૂંડુ આપ્યું અને તેમને કહ્યું કે, "તમે મારા માટે એક છોડ ઉગાડી લાવો.જેનો છોડ સૌથી સુંદર અને વધુ વિકસિત હશે,તેને હું મો માગ્યું ઇનામ આપીશ."

ચારે દરબારીઓ પ્રસન્ન થયા. એમને લાગ્યું કે આ તો સાવ આસાન કામ છે. માત્ર ખાતર અને પાણી નાખવાનું છે. વળી, જો બીજમાંથી સરસ મજાનો છોડ ઉગશે તો ઇનામ મળશે. સમગ્ર રાજ્યમાં આ વાત ચર્ચાનો વિષય બની ગઈ. 

ચાર-પાંચ મહિના બાદ આ દરબારીઓ પોતપોતાના કૂંડા લઈને દરબારમાં હાજર થયા.બધાના કૂંડામાં સુંદર છોડ ઉગ્યો હતો. માત્ર એક કૂંડામાં કશું ઉગ્યું ન હતું. રાજાએ કૂંડાના છોડને જોયા અને દરબારીઓની મહેનતની પ્રશંસા કરી. પરંતુ મો માગ્યું ઇનામ તો તેને આપ્યું કે જેના કૂંડામાં કોઈ છોડ ઉગ્યો ન હતો. સૌ આશ્ચર્ય પામ્યા.

રાજાએ હસીને કહ્યું, "મેં આપેલા બીજ પાણીમાં ઉકાળેલા હતા અને એ કોઈ કાળે ઉગી શકે તેવા નહોતા. બીજા બધાએ તો એ બીજની બાજુમાં બીજા બીજ નાખીને છોડ ઉગાડી દીધો પરંતુ એક વ્યક્તિ ઈમાનદાર નીકળી. રાજ્ય ચલાવવા માટે મારે આવા સાચાદિલ પ્રમાણિક માનવીની જ જરૂર હતી.એ રાજ્ય ક્યારેય પ્રગતિ કરી શકે નહીં કે જેના દરબારીઓ માત્ર રાજાની ખુશામત કરવામાં માનતા હોય અને એને ખુશ રાખવા માટે સાચા - ખોટા માર્ગો અપનાવતા હોય. મારે તો પ્રજાની ખુશાલીનો વિચાર કરી શકે તેવા પ્રમાણિક દરબારીની જ જરૂર હતી. જે મને આજે મળી ગયો."