♠ કદરદાની ♠


~•~° સાભાર °~•~

🌹 માનવ થાઉં તો ઘણું.

🌹 બહાદુરશાહ પંડિત 

પ્રખ્યાત સિતારવાદક રૂબેન્સ્ટાઇન સંગીતનો કાર્યક્રમ આપ્યા બાદ એટલા બધા થાકી જતા હતાં કે એ કોઇને પણ પોતાના હસ્તાક્ષર આપતા નહોતાં.

એ રીતે એકવાર કાર્યક્રમમાં જાહેર કરવામાં આવ્યું કે પિયાનો વગાડ્યા બાદ રૂબેન્સ્ટાઇનના હાથ દુ:ખી જતા હોવાથી કોઇએ પણ એમની પાસે હસ્તાક્ષર માંગવા નહિ.

આમ છતાં જેવા તેઓ પિયાનો વગાડીને બહાર નિકળ્યા કે એક નાની સુંદર કન્યાએ તેમની પાસે પોતાની હસ્તાક્ષરપોથી ધરી. રૂબેન્સ્ટાઇને નારાજ થઇને એ કન્યા સામે જોયું , એટલે એ બોલી,''મને ખબર છે કે પિયાનો વગાડીને તમારા હાથ દુ:ખે છે પણ એમ તો અમારા હાથ પણ દુ:ખે છે - તાળીઓ પાડીને.''

રૂબેન્સ્ટાઇને એ બાળકીની હસ્તાક્ષરપોથીમાં તરત જ પોતાના હસ્તાક્ષર પાડી આપ્યા એ વાતની સ્પષ્ટતા કરવાની ભાગ્યે જ જરૂર રહે છે.

કદરદાની એ ''માસ્ટર કી'' - ગુરુચાવી છે.ગમે તેવા કઠોર હ્રદયના તાળાને પણ આ ચાવીથી ખોલી શકાય છે. નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધીના તમામ પોતાના કાર્યની કદર થાય એમ ઇચ્છતા હોય છે.કદરનો એકાદ શબ્દ કે કોઇવાર તો નાનો સરખો ઇશારો માત્ર માણસના ચિત્તને પ્રફુલ્લિત બનાવી દે છે.

અબ્રાહમ લિંકનની માતાએ મરતી વખતે એમને પાસે બોલાવી કહ્યુ હતું કે, ''બેટા,તું હજી બાળક છે પણ તારી શક્તિઓ જોતા લાગે છે કે તું મહાન બનીશ.'' કદરદાનીના આ શબ્દોએ અબ્રાહમ લિંકનને પ્રેરણા આપી હશે એવું ચોક્કસપણે કહી શકાય.


♠ એકતાનો વિજય ♠

એક બિલાડી હતી. બહુ જ ચાલાક હતી. તે ઉંદરોના દર પાસે બેસી રહેતી. અને જેવો ઉંદર બહાર નીકળે એટલે કૂદકો મારીને એને પકડી લેતી. આથી ઉંદરો પોતાનાં બચ્ચાંને દરની બહાર જતાં રોકતા હતા.

એક નાની ઉંદરડી હોંશિયાર હતી. તેના પિતાને આ બિલાડીએ પકડી લીધો હતો તે તેને બરાબર યાદ હતું. નાની ઉંદરડી તેનો બદલો લેવા માગતી હતી.

નાની ઉંદરડીએ ઉંદરોની સભા બોલાવી. ઉંદરોને નાની ઉંદરડી પર વિશ્વાસ હતો એટલે બધા જ સભામાં આવ્યા. તેણે બધા ઉંદરોને સમજાવ્યું કે, આપણે એકતા રાખીશું તો આ બિલાડીને પહોંચી વળીશું. બદલો લઇ શકીશું.
તેણે શું કરવાનું છે તે બધાંને શાંતિથી સમજાવી દીધું. બધા ઉંદરોમાં તાકાત આવી ગઇ. બધા જ નાની ઉંદરડી સાથે ચાલવા લાગ્યા. બિલાડીના ઘેર સરઘસ કાઢીને પહોંચ્યા. રસ્તામાં બોલી રહ્યા હતા,

''બિલાડી રાણી મહાન છે,
અાપણા સૌની શાન છે.''  (4)

સરઘસ બિલાડીના ઘરે પહોંચ્યું. બિલાડી પોતાના વખાણ સાંભળીને રાજી થઇ. મનમાં વિચારવા લાગી કે ''બધા ઉંદર ભેગા થઇને આવ્યા છે એટલે તેમને પકડવાની મજા આવશે.''

નાની ઉંદરડીએ બૂમ પાડી, ''બિલાડી રાણી, બહાર પધારો. દુશ્મની છોડો. અમને ભેટો. અમે તમારા મિત્રો છીએ. તમારો જન્મદિન ઉજવીએ.''

બિલાડી બહાર આવી. બધા ઉંદરોએ તાળીઓ પાડી. બિલાડી તેમને મારવા માગતી હતી. પણ તે બધા જૂથમાં હતા. તેમનામાં એકતા હતી. તેણે વિચાર્યું કે, બધા અલગ અલગ થઇ જશે ત્યારે એક એક કરીને બધાને મારીશ. હવે તો તેઓ હાલ શું કરવા માગે છે તે જોઇ લઉં.

બિલાડી બોલી, ''તમે બધાએ મને રાણી બનાવી છે તેથી ખુશ છું.'' બોલો શું ઈચ્છો છો?''

નાની ઉંદરડી બોલી, ''બિલાડી રાણી, આજે તમારો જન્મદિન છે. આપના જન્મદિને આપને અમે ભેટ આપવા માગીએ છીએ.''

ઉંદરડીની વાત સાંભળી બધાંએ જોરથી તાળીઓ પાડી. ભેટ તરીકે લાવેલા ઘંટને બિલાડીના ગળે બાંધવા લાગ્યા.

બિલાડીએ વિચાર્યું, હાલ ભલે બાંધે. પછી જોઇ લઇશ. બિલાડીને ઘંટ બાંધવામાં આવ્યો. નાની ઉંદરડી ઘંટ વગાડતી હતી. બધા ઉંદર નાચતા હતા અને જન્મદિનની વધાઇ આપી રહ્યા હતા. થોડીવારમાં એક પછી એક ઉંદર ધીરે ધીરે નાસી ગયા.

હવે તો બિલાડી ઉંદરો જોઇને દોડતી પણ ઘંટના અવાજથી પળવારમાં જ  ઉંદરો ભાગી જતાં.બિલાડીની આંખોમાં કપટ હતું. ઉંદરડીની આંખમાં ખુશી હતી. ઉંદરોને તો હવે કાયમની શાંતિ થઇ. એકતાનો આ વિજય હતો.

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પાંચ આંગળીઓ ભેગી મળીને જે મુઠ્ઠી બને છે તેની તાકાત એક આંગળી કરતા વધુ હોય છે.લખતી વખતે કે બીજા ઘણા કામ કરતી વખતે બધી જ આંગળીઓને ભેગા મળીને કામ કરવું પડે છે.તો જ્યાં એકતા છે ત્યાં શક્તિ છે અને જે કામ સર્વે લોકોની એકતાથી જેટલું સુંદર થાય છે તે એકથી એટલું સુંદર થતું નથી.

- જગદીશ ધનેશ્વર ભટ્ટ

♠ સમયસૂચકતા ♠

આ એ વખતની વાત છે જ્યારે સુભાષચંદ્ર બોઝના મોટાભાઇ શરતચંદ્ર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતાં.સવારે ઉઠીને એ જ્યારે ટ્રેનમાં ટોઇલેટ ગયા તો ત્યાં તેમના હાથનું કાંડા ઘડિયાળ ટોઇલેટના બાંકામાંથી નીચે પડી ગયું.એમણે બહાર આવીને તુરંત જ સાંકળ ખેંચી લીધી અને ગાડી ઊભી રખાવી.ગાડી વધુમાં વધું એકાદ માઇલ તો ચાલી જ હશે.

ગાર્ડે આવીને પૂછપરછ કરતાં શરતચંદ્રે કારણ બતાવ્યું.ગાર્ડે કહ્યું કે,'' અરધી રાત્રી વિતી ગઇ છે અને હવે તમને તમારી ઘડિયાળ જડવી મુશ્કેલ છે.''

શરતચંદ્રે કહ્યુ,''ના,મને વિશ્વાસ છે.મારી ઘડિયાળ જડશે જ.મે ઘડિયાળની પાછળ એક સળગતી સિગારેટ નાંખી છે.એ સળગતી સિગારેટ અંધારામાં પણ દેખાશે.એ પછી થોડા જ અંતરે ઘડિયાળ પડી હશે.''

ગાર્ડે બે માણસોને તપાસ માટે મોકલ્યા અને ઘડિયાળ મળી ગઇ.આનું નામ સમયસૂચકતા.અચાનક આવી પડેલી આફત વખતે જે સૂઝી આવે એનું નામ સમયસૂચકતા. આવી સૂઝ માટે કોઇ વિશેષ તાલીમ લેવાની જરૂરિયાત પડતી નથી.આ માટેના કોઇ ટ્યુશન ક્લાસ હોતા નથી પણ માનવી ધારે તો આવી સમયસૂચકતા જાતે કેળવી શકે છે.