♦ ઉપદેશ અને આચરણ ♦

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન એક કોલેજમાં અધ્યાપક તરીકે સેવા આપતા હતા.તે સમયનો એક પ્રસંગ છે. 

એકવાર એક ધનવાન માણસ તેના પુત્રને લઈને ડૉ.રાધાકૃષ્ણન પાસે આવ્યા અને કહ્યું ,"સાહેબ મારો આ પુત્ર કોલેજમાં અભ્યાસ કરે છે. ભણવામાં ખૂબ હોશિયાર છે પણ તેને ચા પીવાનું એક વ્યસન છે.તેનું ચાનુ વ્યસન આપ છોડાવો. " 

ડૉ.રાધાકૃષ્ણને કહ્યું, " 20-25 દિવસ બાદ આવો ત્યારે તેને ચા નહીં પીવા હું સમજાવીશ."

20-25 દિવસ બાદ પેલા ધનવાન ડૉ. રાધાકૃષ્ણન પાસે આવ્યા. તેનો પુત્ર પણ તેની સાથે જ હતો. ડૉ.રાધાકૃષ્ણને માત્ર એટલું જ કહ્યું , " અતિ સર્વત્ર વર્જયેત." અર્થાત કોઈપણ વસ્તુનો અતિરેક કરવો જોઈએ નહીં. તું ચા પીવાનું છોડી દે. "

તે યુવાને વચન આપ્યું કે, " જીવનમાં ક્યારેય હવે તે ચા પીશે નહીં."

યુવાનના પિતાએ ડોક્ટર રાધાકૃષ્ણનને પૂછ્યું ,"અમે જ્યારે પહેલી વાર આવ્યા ત્યારે જ આપે મારા પુત્રને ચાનું વ્યસન છોડી દેવા માટે શિખામણ કેમ ના આપી ? "

ડૉ. રાધાકૃષ્ણન બોલ્યા, "એ વખતે મને પણ ચાનુ વ્યસન હતું. હું ચા પીઉં અને બીજાને ચા નહીં પીવાનો ઉપદેશ આપું. એ વાત યોગ્ય નથી."

ઉપદેશ આપવાનું શ્રેષ્ઠ માધ્યમ આચરણ છે.ઉપદેશ આપવો સરળ છે પણ એ ઉપદેશનો અમલ કરવો કઠિન છે.

આપણે વહેલા ઉઠવાનો ઉપદેશ બીજાને આપીએ અને આપણે પોતે જ મોડા ઉઠીએ , આપણે સાચું બોલવાનો ઉપદેશ આપીએ અને આપણે પોતે જ ખોટું બોલીએ તો આવા ઉપદેશની બીજા પર કોઈ અસર થતી નથી.

એમ,આચરણ વિનાનો ઉપદેશ નકામો છે.

♦ દ્રઢ મનોબળ ♦

રવિશંકર મહારાજનું જીવન એક ગૃહસ્થ સંત જેવું હતું. દિવસભર પરિશ્રમ કરનારા રવિશંકર મહારાજ રાત્રે 10 વાગ્યે પથારીમાં પડે અને ઘસઘસાટ ઊંઘી જાય. સવારે ત્રણ વાગ્યે ઉઠી, દીવો કરી શ્રીમદ્ ભગવદ્ ગીતાના બધા અધ્યાયો વાંચીને પાઠ કરવાનો એનો નિયમ. 

એક દિવસ રવિશંકર મહારાજને થયું કે મારે મુસાફરીનો યોગ ઘણો છે. યજમાનો બહુ ભાવુક હોય છે. ત્રણ વાગ્યે દીવો કરવાથી એમને ખલેલ પડે છે. આનો ઉપાય એ જ કે હું આખી 'ગીતા' કંઠસ્થ કરું.દ્રઢ સંકલ્પ સાથે તેમણે આખી ગીતા કંઠસ્થ કરી લીધી. પ્રાણશંકર મહેતાના ઘરે ઈ. સ.1958માં વિસનગર આવ્યા ત્યારે રવિશંકર મહારાજે કહ્યું , "સવારે દીવાની જરૂર નહીં પડે."

'' કેમ દાદા, હવે ગીતાપાઠ નથી કરતા? '' પ્રાણશંકર મહેતાએ પૂછ્યું. 

'' કરું જ છું પરંતુ હવે 'ગીતા' કંઠસ્થ કરી લીધી છે. દીવાની કે પુસ્તકની જરૂર પડતી નથી." રવિશંકર મહારાજે કહ્યું. 

પ્રાણશંકર તો ચમકી ગયા આટલી મોટી ઉંમરે સમગ્ર ભગવદ્ ગીતા કંઠસ્થ કરી લીધી.?? 

♦ બોધ ♦

આપણાથી બીજાને તકલીફ ન પડે એની સતત કાળજી રાખવી એ બહુ ઊંચી વાત છે. દ્રઢ સંકલ્પ સાથે સાતત્યપૂર્વક કરેલ સાધના સિદ્ધિને વરે છે. 

♦ જેવું આપશો તેવું મેળવશો ♦

એક ગોવાળ દરરોજ એક કિલો માખણ દુકાનદારને વેચતો. એક દિવસ પેલા દુકાનદારને વિચાર આવ્યો કે હું હંમેશા આ ગોવાળ પર વિશ્વાસ કરી વજન કર્યા વગર જ માખણ ખરીદી લઉં છું. માટે એક વખત માખણ તોલી ખરાઈ કરી લેવી જોઈએ . દુકાનદારે માખણનું વજન કર્યું તો કિલોમાં સહેજ ઓછું નીકળ્યું.

દુકાનદાર ગુસ્સે થયો અને સમગ્ર મામલો રાજદરબારમાં પહોંચ્યો.

રાજાએ ગોવાળને પૂછ્યું , “ તું માખણનું વજન કરવા માટે કયા તોલનો ઉપયોગ કરે છે? " 

ત્યારે ગોવાળે જવાબ આપ્યો , “મહારાજ મારી પાસે તો વજન કરવા માટે તોલ જ નથી. એ તો હું દુકાનદાર પાસેથી એક કિલો માખણના બદલામાં દરરોજ એક કિલો કોઈની કોઈ વસ્તુ ખરીદી લઉં છું અને તેનું વજન કરી તેના વજનનું જ માખણ દુકાનદારને આપું છું.” 

ગોવાળનો જવાબ સાંભળી પેલો દુકાનદાર ભોંઠો પડી ગયો . 

દુકાનદારની જેમ આપણે પણ આપણા જીવનમાં અન્યને જે આપીએ છીએ તે જ સામે મેળવીએ છીએ. માટે આપણે વિચારવું જોઈએ કે આપણે બીજાને શું આપીએ છીએ.દુઃખ કે સુખ,પ્રામાણિકતા કે કપટ,જૂઠ કે વફાદારી.