♠ કર્મનું ફળ ♠

એક રાજા બ્રાહ્મણોને પોતાના મહેલના આંગણામાં ભોજન કરાવી રહ્યા હતા. ભોજન  ખુલ્લામાં તૈયાર થઈ રહ્યું હતું.એક સમડી પોતાના પંજામાં એક સાપને પકડીને મહેલની ઉપરથી જઈ રહી હતી.સાપે પોતાનો જીવ બચાવવા સમડીને ડંખ માર્યો .થોડુ ઝેર નિચે રસોઇના વાસણમાં પડયું.

રસોઇ ઝેરીલી થઈ ગઈ...રસોઇ બનાવનારને આ ખબર ના હતી...રસોઇ પીરસવામાં આવી અને ભોજન આરોગનાર બધાજ ભૂદેવોના મૃત્યું થયા.રાજા ખુબજ વ્યથિત થયો..અને તેને ડર લાગ્યો કે આ બ્રહ્મહત્યાનું પાપ તેને લાગશે..બીજી બાજુ યમરાજ માટે કોયડો ઉભો થયો કે આ હત્યાનું પાપ કર્મ ફળ કોના ખાતામાં ઉધારવું ?

(૧)  રાજા જેને ખબર જ ના હતી કે ભોજનમાં ઝેર છે ?

(૨)  રસોઇયા- કે જેઓ જાણતા ના હતા કે રસોઇ ઝેરી થઈ ગઈ છે ?

(૩)  સમડી જે ઝેરી સાપને લઈને મહેલ ઉપરથી નિકળી ?

(૪)  સાપ જેને પોતાના આત્મ રક્ષણ માટે  ઝહેર ઓક્યું ?

ઘણા દિવસો સુધી યમરાજાની ફાઇલમાં આ કોયડો અટકેલો રહ્યો.

થોડા સમય પછી બહારગામથી ભૂદેવો રાજાની મુલાકાતે આવે છે,રસ્તામાં એક મહિલાને રાજમહેલનો રસ્તો પુછે છે.મહિલા રસ્તો તો બતાવે છે પરંતુ સાથે સાથે વણમાગી સલાહ આપે છે કે ધ્યાન રાખજો અમારો રાજા ભુદેવોને ભોજનમાં ઝેર ભેળવીને મારી નાખે છે એટલે જમતા નહીં. 

બસ આજ વખતે યમરાજાને પાપકર્મનું ફળ કોને ખાતે ઉધારવું તે સુજી ગયું.તરતજ તેને ફેસલો આપ્યો કે બ્રાહ્મણોના મૃત્યુંનું પાપ પેલી મહિલાના ખાતામાં જશે..

યમદૂતોએ પુછયું કે મહિલાને શા માટે તેની તો આ બનાવમાં કોઇ ભૂમિકાજ નથી.ત્યારે યમરાજાએ જવાબ આપ્યો કે જયારે કોઇ પાપ કરે છે ત્યારે તે કરવાનો તેને આનંદ મળે છે..

આ કિસ્સામાં ના તો રાજાને કે સમડીને,સાપને કે રસોઇયાને આનંદ મળ્યો પરંતુ આ બનાવના વખાણ કરીને બીજાની બુરાઇ કરીને પેલી મહિલાને જરૂર આનંદ મળ્યો અને એટલા માટે પાપકર્મનું ફળ આ મહિલાના ખાતામાં જશે. 

બીજાએ કરેલા પાપની નિંદા એ પાપના વખાણ કરવા થકી કોઇ કરે છે તો તે પણ તે પાપનો ભાગીદાર બને છે.

ઘણી વખત આપણે વિચારીએ છીએ કે મેં તો કોઇ દિવસ કોઇ પાપ કર્યું નથી તો પછી મને શાની સજા થાય છે? આ સજા જાણે અજાણ્યે કોઇની કરેલી કુથલી ,નિંદા અને બુરાઇ કરવાને કારણે આપણા ખાતામાં  જમા થઈ હોય છે તેનું પાપકર્મ ભોગવવાનું બને છે.

બોધ—કોઇની કુથલી, નિંદા કે બુરાઇ જાણે અજાણે કરવી નહીં.

♠ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનો માતૃપ્રેમ ♠

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નામના મહાન વિદ્વાન થઈ ગયા. તેમને લગતી આ વાત છે. ઈ.સ. ૧૮૫૧માં કલકત્તાની ફોર્ટ વિલિયમ કોલેજમાં માસિક રૂપિયા ત્રણસોના પગારે તેઓ પ્રોફેસર હતા. તે જમાનામાં એ મોટું પગારદાર પદ ગણાતું. સાહેબ તરીકેની ઘણી સગવડો તેમને મળતી હતી. લોકો તેમને આદરથી પ્રણામ કરતાં. બહુ જ થોડા ભારતવાસીઓને આવો વૈભવ મળતો હતો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર તેવા એક ભાગ્યશાળી અધિકારી હતા.

તેમનાં માતાએ અંગ પરનાં ઘરેણાં વેચીને ભણાવેલા. બહુ જ ગરીબાઈમાંથી તેઓ ઊંચા પદે પહોંચ્યા હતા.

એક દિવસ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ઉપર તેમનાં માતુશ્રીનો કાગળ આવ્યો. એમના નાના ભાઈનાં લગ્ન હતાં. ઈશ્વરચંદ્ર મોટા હતા. બધો પ્રસંગ પાર પાડવાનો હતો. ઈશ્વરચંદ્રની હાજરી ઘણી જ જરૃરી હતી. કારણ કે માતુશ્રી એકલે હાથે પહોંચી વળે તેમ ન હતાં. એટલે આગ્રહ સાથે હાજર રહેવા કહ્યું હતું. લગ્નની તારીખ પણ નક્કી હતી. તેઓ ગોરા સાહેબ પાસે રજા લેવા ગયા.

ગોરા સાહેબે અરજી વાંચી અને કહ્યું,
''રજા મંજૂર થઈ શકશે નહીં.'' પત્ર ટેબલ પર
પાછો મૂક્યો.

ઈશ્વરચંદ્રે કહ્યું કે, ધોરણસર તેમની પાસે રજાઓ સિલકે હતી તો મંજૂર કરવી જોઈએ.

ગોરા સાહેબે પરીક્ષાનું કારણ બતાવ્યું. અને ના પાડી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિનંતી કરી કે, મારી માતાની આશા છે કે મારે લગ્ન પ્રસંગે હાજર રહી પ્રસંગ ઉજાળવો. મોટો હોવાથી મારે ત્યાં જઈને બધું કામ પાર પાડવાનું છે.

ગોરા સાહેબે હિન્દીઓને નોકરી કરતાં આવડતી નથી તેવા શબ્દો ઉચ્ચાર્યા. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને ગોરાનું અઘટિત વર્તન ગમ્યું નહિ. ઈશ્વરચંદ્ર ઘેર ગયા. શું કરવું તેની ચિંતા થવા લાગી. માતાજીની આજ્ઞાા કદી એમણે ઉથાપી નહોતી. મોડો જઈશ તો માતાજી બહુ દુઃખી થશે. મનોમંથન ચાલ્યું. ઊંઘ ના આવી. બહુ જ વિચારને અંતે તેમને માતાની આજ્ઞા મહાન લાગી. પણ તે નોકરી છોડયા સિવાય શક્ય ન હતું. નોકરીના રાજીનામાનો આખરી નિર્ણય તેમણે વિચારી લીધો. રાજીનામું ધરી દીધું. ગોરો પ્રિન્સિપાલ આ વાંચી આશ્ચર્યમાં પડી ગયો. માના પ્રેમ ખાતર આ માણસ સારી પગારદાર નોકરીને ઠોકર મારી રહ્યો હતો.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ગોરાને કહ્યું કે, ''સાહેબ, જાણું છું કે મારી મોટા પગારવાળી નોકરી જશે. પણ મારી માની આશા અને પ્રેમ આગળ આવી અનેક નોકરીઓ તુચ્છ છે. માતા મહાન છે. કોઈપણ સંજોગોમાં લગ્નમાં પહોંચવું એ જ મારી મોટી ફરજ છે.''

આ સાંભળી ગોરો હાકેમ સ્તબ્ધ બની ગયો.હિન્દીઓની માતાના પ્રેમની લાગણી આગળ ઝૂકી ગયો અને મનોમન નમન કર્યા. તે બોલ્યો, ''ઈશ્વરચંદ્ર, તમે ખુશીથી લગ્નમાં જાઓ. તમારી રજા મંજૂર કરું છું.'' આમ કહી તેમણે
રાજીનામાનો કાગળ લઈ તેના ચુરેચુરા કરી દીધા અને ફેંકી દીધા.

જનની પ્રેમનો આ અનુભવ હતો. આવા હતા શ્રી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, જેમને સ્મરીને આપણી છાતી ગૌરવથી ફૂલે છે.

♠ શ્રીકૃષ્ણનો અનંત મહિમા ♠

'' શું તમે જાણો છો કે શ્રીકૃષ્ણનો રંગ કેમ નીલો છે ? '' વિદ્યાર્થીઓની પરીક્ષા લેતી વખતે સંન્યાસીએ પ્રશ્ન કર્યો. આ પ્રશ્ન સાંભળીને સૌ વિચારમાં પડી ગયાં.કોઇને જવાબ સૂઝતો નહોતો.ત્યારે એક વિદ્યાર્થી ઊભો થઇને બોલ્યો , સ્વામીજી , શ્રીકૃષ્ણનો નીલો રંગ અનંતતાનું પ્રતિક છે.''

સંન્યાસીએ પૂછ્યું , ''તમે આ કેવી રીતે કહી શકો છો ? ''

વિદ્યાર્થીએ પોતાના કથનને સુંદર રીતે સમજાવ્યું , ''જે રીતે નીલું આકાશ અને નીલો સમુદ્ર અનંત છે. તે પ્રકારે શ્રીકૃષ્ણનો મહિમા પણ અનંત છે.તેથી તેનો રંગ પણ નીલો છે.''

વિદ્વાન સંન્યાસી જ નહિ , ઉપસ્થિત બધા લોકો જવાબ સાંભળીને આનંદથી ગદગદિત થઇ ઉઠ્યા.વિદ્વાન સંન્યાસી  સ્વામી વિવેકાનંદ હતા અને જવાબ આપનાર બાળક - ચક્રવર્તી રાજગોપાલાચાર્ય હતાં.જે રાજનીતિ અને હિંદુ ધર્મના વ્યાખ્યાતા તરીકે પ્રસિદ્ધ થયાં.