♦ રાષ્ટ્રનું રત્ન - સુભાષચંદ્ર બોઝ ♦


www.sahityasafar.blogspot.com

સુભાષચંદ્ર બોઝ આઇ.એ.એસ.ની પરીક્ષા આપી રહ્યા હતા.મૌખિક પરીક્ષામાં તેઓ બધા પ્રશ્નોના સહેલાઇથી ઉત્તર આપી રહ્યા હતા.પરિક્ષકને થયુ કે આ તો બધા જવાબ આપી દેશે તો પરીક્ષા બરાબર નહિ ગણાય.

આથી તેમણે એક વીંટી મૂકી અને કહ્યું '' મિસ્ટર બોઝ,આ વીંટીમાંથી પસાર થઇ જાવ.'' બોઝ ક્યાં પાછા પડે તેવા હતાં.તેમણે એક કાગળનો ટુકડો લઇ ઉપર પોતાનું નામ લખ્યું પછી તે કાગળને વાળીને વીંટીમાંથી પસાર કરી દીધો.

મૌખિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં પછી લેખિત પરીક્ષા આપવાની હતી.તેમને પ્રશ્નપત્ર આપવામાં આવ્યું.લખતાં લખતાં એક વાક્ય આગળ તેઓ અટક્યા અને કહ્યું કે આ ખોટું વાક્ય છે તેને રદ કરો તો જ હું પરીક્ષા આપીશ.

પરીક્ષકે કહ્યું, '' વાક્ય સાચું છે કે ખોટુ તે તમારે જોવાનું નથી તમારે તો માત્ર ભાષાંતર કરવાનું છે.''

આથી બોઝે કહ્યું કે, '' આ વાક્ય રદ કરો નહિંતર હું પરિક્ષા નહિ આપું.''

તેમ કરવાની સ્પષ્ટ ના સાંભળી સુભાષચંદ્ર બોઝે કહ્યુ, '' આવી પરિક્ષા આપીને મારે પાસ થવું નથી.''

એમ કહી તેઓએ પ્રશ્નપત્ર  અને જવાબપત્રને ફાડી નાખ્યા અને ત્યાથી નીકળી ગયાં.

→ તેમને જે વાક્યનું ભાષાંતર કરવા આપ્યું હતુ તેનો અર્થ એવો હતો કે ભારતીય સૈનિકો મોટાભાગે અપ્રમાણિક હોય છે.દેશનું આવું અપમાન સુભાષબાબુ કેવી રીતે સહન કરી શકે? રાષ્ટ્રભક્તિ અને દેશદાઝ ધરાવતા આવા યુવાનો જ  રાષ્ટ્રની સાચી સંપત્તિ ગણાય છે.

www.sahityasafar.blogspot.com

♦ સુંદરતા ♦

સુંદરતા શું છે? જે આકર્ષક, આનંદદાયક છે તે? કાં તો તેથી કઈક વધું? જયારે પ્રથમ છાપની વાત આવે ત્યારે, નિ:શંકપણે જ તરત બાહ્ય દેખાવ તેની અસર બતાવે છે. જયારે તમે સુંદર યુવતી કે સોહામણો યુવાન જુઓ છો તો તેને તમે કુદરતી રીતે જ સુંદર ગણો છો. જો મારે કહેવાનું હોય તો, તમે પરણિત હોવ કે અપરણિત, તમારું સામાજિક કે ધાર્મિક સ્તર ગમે તે હોય પરંતુ તમે તેમની બાહ્ય સુંદરતાને નકારી નથી શકતાં. તમારે એમ અનુભવવું જ પડતું હોય છે. એટલું કહ્યાં બાદ, બાહ્ય સુંદરતા જો એટલી લોભામણી જ હોય તો પછી જે મોટા મોટા સ્ટાર, પ્રતિષ્ઠિત કે સુસંપન્ન લોકો છે તેમનાં સંબંધ-વિચ્છેદ શા માટે થતાં હોય છે? ચાલો હું તમને સુંદરતાની ધારણાને, વ્યાખ્યાને, અને ખ્યાલને સમજવામાં મદદ કરું. મેં એક વાર્તા વાંચી હતી જે શબ્દશ: હું અહી રજુ કરીશ:

એક મોટી ઉમરની સ્ત્રી અને તેનો નાનો પૌત્ર કે જેનાં ચહેરા ઉપર ચમકતા ડાઘા પડેલાં હતા, બન્ને એક દિવસ પ્રાણીસંગ્રહાલયમાં ગયાં. ત્યાં ઘણાં બાળકો પોતાનાં ગાલ પર વાઘનો પંજો દોરાવવા માટે સ્થાનિક કલાકાર પાસે એક કતારમાં ઉભા હતાં.

“અરે, તારા ચહેરા ઉપર તો કેટલાં બધા ડાઘા છે, તેનાં ઉપર ચિત્ર દોરવાની કોઈ જગ્યા જ નથી!” કતારમાં ઉભેલી એક છોકરીએ પેલાં છોકરાને કહ્યું.
શરમાયેલા અને કદાચ આ વાતથી દુભાઈ ગયો હોય તેમ પેલાં છોકરાએ પોતાનું માથું નીચે કરી નાખ્યું.
તેની દાદીમાંએ થોડી ઝૂકીને તેનાં ગાલ પર વ્હાલથી હાથ ફેરવતાં કહ્યું, “ મને તો તારા ડાઘા ખુબ ગમે છે. જયારે હું નાની છોકરી હતી ત્યારે હંમેશા ઈચ્છતી હતી કે તારા જેવા ડાઘા મને પણ હોય”
“આ ડાઘા તો ખુબ જ સરસ છે.”
બાળકે ઉપર જોઇને કહ્યું, “શું સાચ્ચે જ?”
“ખરેખર,” દાદીમાંએ કહ્યું. “કેમ, ડાઘ કરતાં પણ સુંદર હોય તેવી એક વસ્તુનું નામ મને આપ”
નાના છોકરાએ થોડીવાર માટે વિચાર્યુ, દાદીમાંના ચહેરા સામે એકદમ તાકી રહ્યો અને ગણગણ્યો: “કરચલીઓ.”

ઓહ..કેટલું સરસ, નહિ? પરંતુ શું તમે આવી કરચલીઓ વાળી વ્યક્તિ સાથે લગ્ન કરશો કે પછી આ કરચલીઓ વાળા દાદીમાની સારસંભાળ રાખશો? કદાચ નહિ. શું તમે નાના બાળકે જે સુંદરતા તેમની કરચલીઓમાં જોઈ તે જોઈ શકશો? જો તમે તે બાળક હોય તો કદાચ જોઈ શકશો. પરંતુ વાત તે નથી. સુંદરતાને કોઈ શબ્દોની શ્રુંખલામાં કે વ્યાખ્યાથી બાંધી નથી શકાતી. કારણ કે જે કઈ સુંદર છે તે એનાં પોતાનાં માટે નથી પરંતુ તમારા માટે હોય છે. સુંદરતા એ કોઈ સુનિશ્ચિત બાબત નથી, તે એક સાપેક્ષ બાબત છે, તમારી મન:સ્થિતિને સાપેક્ષ, તમારા પોતાનાં ખ્યાલની સાપેક્ષમાં હોય છે. તમે જેની પણ સાથે બંધાયેલાં હશો તે તમને સુંદર જ લાગશે! જે કોઈ વ્યક્તિની સાથે તમે સંપૂર્ણ અને સુરક્ષિત મહેસુસ કરતાં હશો તે તમને સુંદર જ લાગવાની. અને એટલાં માટે જ પેલાં નાના બાળક માટે કરચલીઓ એ સાચ્ચે જ સૌથી સુંદર વસ્તુ છે કારણ કે તે પોતાની દાદીમાં સાથે લાગણીથી બંધાયેલો છે.

જુવાન મુલ્લા નસરુદ્દીન પોતે એક ગરીબ ઘરની સુંદર યુવતીને પરણવા માટે કટિબદ્ધ હોય છે. પણ તેનાં અબ્બા તેને કોઈ અમીર છોકરી સાથે પરણાવવા માંગતા હતાં. “તને થયું છે શું?” તેમને કહ્યું, “જે સુંદરતાએ તને આંધળો કરી નાંખ્યો છે તે ફક્ત ઉપરની ચામડીની જ છે.”
“મારા માટે તે પુરતી છે,” મુલ્લાએ જવાબ આપતાં કહ્યું. “હું કઈ માનવભક્ષી નથી.”

મને આ ટુચકો મનોરંજક લાગ્યો પરંતુ તે એક સચોટ નિર્દેશ પણ કરે છે: તમારા માટે જેનાંથી ફર્ક પડે છે તે તમારા માટે સુંદર છે. એ તમારું પોતાનું પરાવર્તન છે. જેમ જેમ જીવનમાં તમે બૌદ્ધિક અને ભાવનાત્મક પ્રગતિ કરો છો તેમ તેમ તમારી પ્રાથમિકતાઓ બદલાતી જતી હોય છે. જે તમને પંદર વર્ષની ઉંમરે સુંદર લાગતું હતું તે ત્રીસીએ પહોંચતા અડધું સુંદર ય નથી લાગતું. જેમ જેમ તમે તમારી જાતને વધુ સમજવા લાગો છો તેમ તેમ ફક્ત બાહ્ય સુંદરતાને જ અસલી સુંદરતા માનવાનું તમે નકારવા લાગો છો. એનો અર્થ એ નથી કે કોઈ સુંદર વસ્તુ કે સુંદર વ્યક્તિનાં દેખાવનું મહત્વ તમે ઘટાડો છો. એનો અર્થ છે કે તમે હવે બીજા ગુણોની કિંમત વધુ આંકો છો. જો ખલીલ જિબ્રાનના શબ્દોમાં કહેવું હોય તો: “સુંદરતા એક એવી સાશ્વતતા છે કે જે અરીસામાં પોતાની સામે જ તાકી રહી હોય છે.”

સ્વામી વિવેકાનંદ, જે એક ખુબ જ અદ્દભુત અને તેજસ્વી સન્યાસી હતાં, તે એક દિવસ કેસરી વસ્ત્રોમાં સજ્જ થઇ શિકાગોમાં લટાર મારી રહ્યા હતાં. વર્ષ હતું ૧૮૯૩નું. તેમનાં વસ્ત્રો કઈક વિચિત્ર લાગતા હતાં. ઔપચારિક વસ્ત્રો પહેરલ એક સ્થાનિક યુગલ સ્વામીની પાછળ જ ચાલી રહ્યાં હતાં, સ્ત્રીએ પોતાનાં પતિને કહ્યું, “મને નથી લાગતું કે આ માણસ કોઈ સદ્દગૃહસ્થ હોય.” તેનું આ વાક્ય સ્વામીના કાને પડ્યું. તેઓ તે યુગલ પાસે ગયા અને કહ્યું, “માફ કરશો પણ મેં તમારી ટીકા તમારી જાણ બહાર સાંભળી લીધી છે. તમારા દેશમાં માણસને સદ્દગૃહસ્થ બનાવવાનું કામ કદાચ એક દરજી કરે છે, જયારે મારા દેશમાં માણસને સદ્દગૃહસ્થ તેનું પોતાનું ચારિત્ર્ય બનાવે છે.” આ પછી શું બન્યું તેની મને ખબર નથી અને અહિં તે વાત અપ્રસ્તુત છે. પણ શું તે સ્ત્રી તેનાં વિચારોથી સાચી હતી? અને સ્વામી શું તેમની પ્રતિક્રિયામાં સાચા હતાં? ખરેખર તો તે બાબત અહિં મહત્વની નથી. પેલી સ્ત્રીને જે લાગ્યું તે તેને વ્યક્ત કર્યુ તે પણ તેને સીધેસીધું વિવેકાનંદને નથી કહ્યું, પોતાનાં પતિને કહ્યું હતું. જો તમને તમારી જાતને તમને ગમે તે રીતે પ્રસ્તુત કરવાનો હક હોય તો પછી બીજા લોકોને પણ તેમનો મત બાંધવાની સ્વતંત્રતા હોવી જોઈએ. પ્રચાર માધ્યમો, સમાજ, જાહેરાતો, ધર્મ આ બધાં જ દેખીતી રીતે કે છુપી રીતે તેમનાં મતોનો મારો તમારા ઉપર ચલાવે છે. તમે બીજા લોકોનાં મતને જેટલું વધું મહત્વ આપો તેટલાં જ તમે તમારા સુખના મૂળ સ્રોત કે જે તમારી અંદર રહેલું છે, તેનાંથી દુર જાઓ છો.

“તને શા માટે ડિવોર્સ જોઈએ છે?” ન્યાયાધીશે યુવાન માણસને પૂછ્યું.
“યોર ઓનર,” તેને કહ્યું, “ હું જયારે હું સામાન્ય હોવ છું ત્યારે હું તેને નથી સમજી શકતો અને જયારે હું પીધેલો હોવ છું ત્યારે તે મને નથી સમજી શકતી.”


જયારે કોઈ તમને સુંદર કે સારું ન ગણતું હોય ત્યારે મહેરબાની કરીને સમજજો કે તે સામે વાળી વ્યક્તિ વિશે હોય છે તમારા માટે નહિ. (આશા રાખું કે તમે આ વાક્યને ઉપરોક્ત જોકનાં સાર તરીકે નહિ ગણો.) જો કે તમે તમારામાં થોડો બદલાવ લાવીને બીજી વ્યક્તિને શું પસંદ છે કે નાપસંદ તે જાણી શકો છો, પણ તેનાંથી વધુ તમારાથી બીજું કશું નથી થઇ શકતું. જો તમે સામેની વ્યક્તિની સંમતિ જીતવા ઇચ્છતાં હોવ, અને જો તે બાબત તમારા માટે આગળ વધવા માટે જરૂરી હોય, તો પછી તમે સામેની વ્યક્તિ જેવી રીતનું ઈચ્છતી હોય તેવી રીતનાં જ કપડાં પહેરો, તેની ઈચ્છા મુજબ જ વર્તો, કે પછી તે તમને જેવાં ઈચ્છતી હોય તેવાં તમે બની જાવ. જો તમારે દુનિયાને ખુશ રાખવી હોય તો તમારે તેનાં અયોગ્ય અને બેડોળ હાથની કટપુતળી બનીને જ રહેવું પડશે. તમારે એ કપડાંની કિંમત તો ચૂકવવી જ પડશે પરંતુ તેની સાથે ચોટેલી દોરીઓ તો મફત જ આવશે. જો કે એક ક્ષણ માટે પણ, તમે આ બાહ્ય નિવેદનોને સમીકરણમાંથી દુર કરી શકો, જો તમે બીજા લોકોનાં તમારા, તમારા પોતાનાં વર્તન, તમારા પોતાનાં કર્મો વિશેનાં ખ્યાલોની સ્વીકૃતિને જ જો તમે દુર કરી દઈ શકો તો? મારા મત મુજબ તો તમારે તમારી જાત પ્રત્યે આ રીતે જ જોવું જોઈએ. તમારા માટે જયારે તમે અરીસો જોતા હોવ ત્યારે તમે તમને સુંદર લાગવા એ કોઈ બીજી વ્યક્તિને તમે તમારા ફોટામાં સુંદર દેખાવ તેનાં કરતાં અનેક ગણું મહત્વનું છે. કોઈ તમને ખુલ્લી આંખે નથી જોતું; તમે કોણ છો અને તે શું જુવે છે તે બેની વચ્ચે કોઈ બંધબેસતું હોતું નથી. તેમની દ્રષ્ટી પર તેમની માન્યતાઓ, ખ્યાલો, અને ઈચ્છાઓનાં ચશ્માં ચડેલાં હોય છે – અને અહિં જ સુંદરતા તેની સ્વતંત્રતા ગુમાવી દે છે. તસ્દી નહિ આપવાનું શીખો. એ બહુ જરૂરી છે. જ્યાં સુધી તમે તમારી જાત સાથે પ્રામાણિક છો અને તમે સૌથી ઉત્તમોત્તમ પ્રયત્નો કરી રહ્યાં છો ત્યાં સુધી તમે બિલકુલ બરાબર છો. બહુ લાંબી પોસ્ટ થઇ ગયી. અરે! સુંદરતા પણ ક્યારેક ખેંચાઈ જતી હોય છે.


જો તમે તમારી જાત માટે પુરક હોવ તો તમે સંપૂર્ણ બની શકો છો. જયારે તમે પૂર્ણતા અનુભવતાં હોવ, જયારે તમારો કપ ભરલો હોય ત્યારે બધું જ સુંદર લાગતું હોય છે. તમે જેની પણ સાથે જોડાઈ જતા હોવ છો, જે તમારા માટે મહત્વનું હોય છે તે તમને સુંદર લાગતું હોય છે. તમે સુંદર છો.


જાવ! બીજાને જઈને કહો કે તે કેટલાં અદ્દભુત છે અને તેમને તમારી જિંદગી કેટલી સુંદર બનાવી છે! એક વાર એમ થઇ જાય, પછી એ જ વાતને અરીસામાં જોઈને પુનરાવર્તન કરો. મને કહેતાં નહિ કે હજી સુધી તમે તમારા પ્રેમમાં પડ્યાં જ નથી.


- શાંતિ સ્વામી


♦ સૌથી ભયંકર પ્રાણી ♦

એક વાર એથેન્સના વિદ્વાનોની એક સભામાં એવી ચર્ચા જાગી કે 'જગતનાં પ્રાણીઓમાં સૌથી ભયંકર પ્રાણી ક્યું ?' તત્ત્વચિતંક ડાયોજિનિસ પણ ત્યાં ઉપસ્થિત હતા.

આ ચર્ચાસભામાં પ્રત્યેક વિદ્વાન અને વિચારક પુષ્કળ દાખલા- દલીલો સાથે પોતાના અભિપ્રાય પ્રગટ કરતા હતા. એક અનુભવીએ કહ્યું, ' આ જગતમાં સૌથી ભયંકર પ્રાણી તો સિંહ છે, કારણકે એના જીવલેણ પંજામાંથી ક્યારેય કોઈ ઊગરી શક્તું નથી.'

બીજા વિદ્વાને આ અંગે અસંમતિ દાખવતાં કહ્યું,' સિંહ ભયંકર ખરો, પરંતુ સર્પ જેવો ભયાનક નહીં. સર્પ તો એક દંશ આપે અને તરત જ વ્યકિત મૃત્યુ પામે.'

'તમારી વાત સહેજે બરાબર નથી' એમ કહીને ત્રીજા વિદ્વાને અસંમતિ દર્શાવતાં કહ્યું કે 'અનેક માણસોને રહેંસી નાખનાર જલ્લાદથી વધુ ભયંકર પ્રાણી કોઈ ન હોઈ શકે.'

બસ, પછી તો વાત ચર્ચાની એરણે ચડી. સહુએ ઉગ્ર રીતે પોતપોતાનો મત દર્શાવ્યો અને અંતે પોતાની વાત સાચી ઠેરવવા માટે હાથ ઉગામીને એકબીજા સામે દલીલ કરવા લાગ્યા. ચર્ચાસભામાં અત્યાર સુધી શાંત બેઠેલા ડાયોજિનિસ તરફ સહુની નજર ગઈ અને બધાએ એમને પૂછ્યું, અરે, આ વિષયમાં આપનું શું મંતવ્ય છે ?

ડાયોજિનિસે ગંભીર અવાજે કહ્યું, 'જુઓ મિત્રો માઠું ન લગાડશો. આજ સુધી હું જંગલી પ્રાણીના ગુણવાળા નિંદાખોર માણસને અને સુધરેલા પ્રાણીના ગુણવાળા ખુશામતખોરને જગતનું સૌથી ભયંકર પ્રાણી માનતો હતો, પણ આજ મારો મત બદલાઈ ગયો છે. 

હવે હું તત્ત્વનો પૂરો પાર પામ્યા વગરનું, અર્ધજ્ઞાની અને અર્ધઅજ્ઞાની એવા મતાગ્રહી 'વિદ્વાન નામના પ્રાણી'ને જગતનું સૌથી ભયંકર પ્રાણી માનું છું. એ પ્રાણી પોતાના મતને સત્ય ઠરાવવા હઠાગ્રહી બને અને મમતે ચડે ત્યારે સમાજના નૈતિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યને માટે જેટલું હાનિકારક અને ભયાવહ બને છે તેટલું ભયંકર દુનિયામાં અન્ય કોઈ પ્રાણી હોઈ શકે નહીં.

♦ હિંમતબાજ એડીસન ♦

એક  હજાર જેટલી  વૈજ્ઞાનિક શોધ  કરનાર થોમસ  આલ્વા એડિસનનું (૧૮૪૭ થી ૧૯૩૧) બાળપણ  અનેક મુશ્કેલીઓમાંથી પસાર થયું.  પિતાના ચાર સંતાનોમાં સહુથી નાના એવા એડિસનને સાત  વર્ષની ઉંમરે નિશાળમાં મૂકવામાં આવ્યા. ત્રણેક  મહિના સુધી  અભ્યાસ કર્યો,  ત્યાં તો  શાળાના શિક્ષકે  થોમસ આલ્વા એડિસનને  મંદબુદ્ધિનો બાળક કહીને  નિશાળમાંથી કાઢી મૂક્યો. 

એ પછી ત્રણ વર્ષ  સુધી ઘેર રહીને માતા પાસે  શિક્ષણ લીધું. દસમા વર્ષે એને  ભૌતિકશાસ્ત્રમાં  ઊંડો  રસ  જાગ્યો.  ઘરમાં પ્રયોગશાળા બનાવીને જાત-જાતના પ્રયોગો કરવા લાગ્યા.  નબળી આર્થિક સ્થિતિને કારણે એડિસને બાર વર્ષની ઉંમરે રેલવેમાં અખબારો  અને ખાટીમીઠી ગોળીઓ વેચવાનું શરૂ કર્યું.

અમેરિકાના ડેટ્રોઇટ અને પોર્ટ હ્યૂરન સ્ટેશન વચ્ચે એ અખબાર વેચતો હતો. અખબારના વેચાણ સમયે વચ્ચે મળતા સમયનો સદુપયોગ કરવા માટે રેલવે અધિકારીની મંજૂરી પ્રાપ્ત કરીને રેલવેના એક ડબ્બામાં નાનીકડી પ્રયોગશાળા ઊભી કરી. સમય મળે એડિસન આ ડબ્બામાં બેસીને એકચિત્તે પ્રયોગો કરતો હતો. 

એક દિવસ ટ્રેનના ડબ્બામાં ધક્કો લાગતા એના હાથમાંથી થોડો ફોસ્ફરસ નીચે પડયો અને આગ લાગી. આથી ક્રોધે ભરાયેલા રેલવે ગાર્ડ બાળક એડિસન પાસે આવ્યા અને એટલા જોરથી તમાચો માર્યો કે એ દિવસથી એ સદાને માટે બહેરો બની ગયો. આમ છતાં બાળક એડિસન નિરાશ થયો નહીં. એણે વિચાર્યું કે આ બહેરાશ પણ આશીર્વાદરૂપ છે. બીજી બાબતો તરફ ધ્યાન જશે નહીં અને વિજ્ઞાનના પ્રયોગો કરવા માટે વધુ સમય મળશે. આમ હાનિને લાભ માનીને આ વિજ્ઞાની પોતાના સંશોધન કાર્યમાં પાછો ડૂબી ગયો.