જિંદગીની પૂજા

     શાળાનું ઇન્સ્પેક્શન પૂરું કર્યા પછી રોજના સમય કરતા શાળા અડધો કલાક વહેલી છોડવામાં આવી.શિક્ષણ નિરીક્ષકે સ્ટાફ મિટીંગ રાખી હતી.      બાળકોને સહેજ પણ અવાજ કર્યા વિના, શિસ્તબદ્ધ  બેસવાનો હુકમ કરનારા શિક્ષકો પોતેજ મિટિંગમાં હસીમજાક અને શોરબકોર કરી રહ્યા હતા.વાતો બંધ કરવાનું કહીને શિક્ષણ નિરીક્ષકે મિટિંગ શરૂ કરી.           
  
    'શિક્ષક મિત્રો, મેં અને મારા સાથીદારોએ શાળાનું ઈન્સ્પેક્શન કાર્ય પૂરુ કર્યુ..શિક્ષણને કેન્દ્રમાં રાખીને આજ આપણે થોડીક વાતો કરવી છે. સૌ પહેલાં તો આપ સૌને મારે એટલું જ કહેવાનું કે સૌ શિક્ષકમિત્રોએ રોજ પોતાની જાતને એક સવાલ પૂછવો જોઈએ કે હું જે પગાર લઉં છુ એના પ્રમાણમાં મારા વિદ્યાર્થીને સંતોષ થાય એવું અદ્યાપન કાર્ય કરૂ છું?' સહેજ હસીને એમણે આગળ કહ્યું, 'મોટા ભાગના મિત્રોનો જવાબ લગભગ 'ના' માં આવશે! ખરેખર એવો જવાબ આવે તો મિત્રો, સમાંજના આપણે ગુનેગાર સાબિત થઈએ છીએ....મિત્રો તમને ઝાઝુ શું કહેેવાનુ હોય? તમે સૌ ક્વોલિફાઇડ છો.હા,સરકાર સાથે,સંસ્થા કે પછી સ્ટાફ સાથે ના તમારા અંગત રાગદ્વેષ કે પૂર્વગ્રહો હોય તો એને બાજુ પર હડસેલી માત્ર ને માત્ર ને માત્ર વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને અધ્યાપનકાર્ય કરતા રહેશો તો આવનારી પેઢીનું ભવિષ્ય ઊજળું જ હશે,બસ મારે જે કહેવુ'તુ એ મે હવે  કહયું.    

         તમારામાંથી કોઈને સૂચન કરવું હોય તો... મને ગમશે.' આટલું કહીને નિરીક્ષક સાહેબે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું.     

        'સાહેબ,' સિનિયર લાગતા એક શિક્ષકે ઊભા થઈને કહ્યું,'અમારી સ્કૂલ તો તમે જોઈ. નીચે દુકાનો છે, પહેલા અને બીજા માળે અમારી શાળા છે. ચડવા-ઊતરવા માટે એક જ સીડી છે. કૂદરતી હોનારત જેવું કંઈક બને તો મોટી મૂશ્કેલી સર્જાય... માટે કંઈક ઊપાય બતાવો તો ઘણો આભાર...'     'જુઓ ભાઈ,' નિરીક્ષકે કહ્યું, 'આ સમસ્યાને શિક્ષણ સૂધારણા સાથે કોઈ સંબંધ નથી. તેમ છતાં તમારા આચાર્યશ્રી અને સંચાલકશ્રીને હું જરૂરી સૂચનો કરીશ.'  

       'સાહેબ.' બીજા એક શિક્ષકે કહ્યું, 'અમારા નવા પે-ફિક્સેશનનું કેટલે પહોંચ્યું?'    'પ્લીઝ...' નિરીક્ષકે ઊભા થઈને કહ્યું, 'શિક્ષણ અને પરીક્ષણને ધ્યાનમાં રાખીને પ્રશ્નો પૂછશે તો મને ગમશે.'    'સાહેબ,' એક શિક્ષિકાએ હાથ ઊંચો કરીને બેઠાં બેઠાં જ કહ્યું, 'અમને મેટરનિટી લીવ મળે છે એમાં વધારો થાય એવું કંઈક કરો ને.'    

     નિરીક્ષકે ઈશારો કરીને આચાર્ય પાસે મિટિંગ પૂરી કરાવી.     બીજા દિવસે ખૂદ શિક્ષણાધિકારી સાહેબ શાળામાં આવ્યા. વિદ્યાર્થીઓ તો પોતાની મસ્તીમાં હતા. પણ સ્ટાફરૂમમાં એક સન્નાટો છવાઈ ગયો. શાળા છૂટ્યા પછી એક મિટિંગ રાખવામાં આવી, 'મિત્રો,' શિક્ષણાધિકારી સાહેબે સ્મિત કરીને કહ્યું, 'ગઈ કાલે આપણી શાળામાં  ઈન્સ્પેક્શન થઈ ગયું. અહીં આવેલા મારા સાથીઓએ મને રિપોર્ટ આપ્યો. જેના પરિણામે મને અહીં આવવાનું મન થયું.'     
   
     ચશ્માં કાઢી રૂમાલથી લૂછી, આંખો પર ગોઠવતાં એમણે કહ્યું, 'મને યાદ આવે છે કે 1952-53નો મારો વિદ્યાર્થીકાળ...ત્યારે હું ઓલ્ડ એસ.એસ.સી.માં ભણતો. શાળાના સ્થાપક-આચાર્ય ભટ્ટસાહેબ તમામ વિદ્યાર્થીઓને પોતાનાં સંતાનો સમજીને ભણાવતા. બોર્ડની પરીક્ષા વખતે તો એક એક વિદ્યાર્થીના ઘેર જઈ હિંમત આપતા અને  અમારા પેરન્ટસને સમજાવતા કે પરીક્ષાના સમયમાં બાળકો સાથે કેવો વ્યવહાર કરવો.... નબળા લાગતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે એ માટે રાત્રિશાળા પણ કરતા અને અમારા શિક્ષકો પણ જરૂર પડ્યે રાત્રે પણ અમને ભણાવતા, અમારું રિવિઝન કરાવતા.     

               ગોમતીપુર ગામમાં અને રાજપુરની ચાલીઓમાં ફરીને શિક્ષકો અને આચાર્ય સાહેબ અમારું ધ્યાન રાખતા.  મિત્રો,મોર એના પીછાંથી રળિયીમણો લાગતો હોય છે. કોઈ પણ શાળા પોતાના તેજસ્વી વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દીને લીધે ઊજળી લાગે... તમે પણ કોઈને કોઈ શાળાના વિદ્યાર્થી રહી ચૂક્યા છો. યાદ કરો, તમારા ઘડતર અને કારકિર્દીના યગ્નમાં તમારા શિક્ષકોએ પોતાની જિંદગીનો કેટલો સમય હોમી દીધો હશે...  

         આપણા ઘડતરમાં માં-બાપ પછી રચનાત્મક અને નક્કર ભૂમિકા શિક્ષકોની છે. માં-બાપનું ઋણ આપણા પર હોય...તો શિક્ષકોનું પણ સૂક્ષ્મ ઋણ આપણા પર નથી? આપણે 'શું હતાં' અને આજે 'શું છીએ' એમાં આપણા શિક્ષકોનું પણ યોગદાન  સમાયેલું  છે ... તમારાંય બાળકો  અન્ય  શિક્ષકમિત્રોની સામે ભવિષ્યની કુંડળી માંડીને બેસતાં જ હશે ને! દોસ્તો...આજે હું તમને ઠપકો આપવા કે કોઈ ફરિયાદ કરવા નથી આવ્યો, પણ એક વિનંતી કરવા આવ્યો છું કે...ગઈ કાલની મિંટિંગમાં જે શિક્ષકમિત્રોએ અમુક સવાલો પૂછ્યાતા...એ જાણ્યા પછી રાત્રે હું ઊંઘી નથી શક્યો. એ શિક્ષકો સામે હું શિસ્તભંગના પગલાં લઈ શક્યો હોત, પણ એથી હકારાત્મક પરિણામ નથી આવતું એ ત્રણ શિક્ષકમિત્રોને હું વિનંતી કરું છું કે તમે જે વ્યવસાય પસંદ કર્યા છે એની પવિત્રતાને અભડાવશો નહીં. એને સ્વાર્થના કાદવમાં રગદોળશો નહીં.'     
  
        શિક્ષકોને અને ખુદ આચાર્યને, શિક્ષણાધિકારી સાહેબનાં વાણી-વર્તન જોઈને આશ્ચર્ય થયું કે કોઈની સહેજ પણ ભૂલ કે ગેરશિસ્ત નહીં ચલાવી લેનાર તેમજ મોટા ચમરબંધીનેય નિષ્ઠા અને પ્રામાણિકતા માટે કડવું સત્ય સંભળાવી દેવામાં પાછી નહીં કરનાર આ સાહેબ,  આજે આટલા બધા નરમ કેમ...   
    
          એક ઊંડો શ્વાસ ભરી શિક્ષણાધિકારી સાહેબે કહ્યું,'મિત્રો, બાળકને કેન્દ્રમાં રાખી, પ્રામાણિકતાથી શિક્ષણકાર્ય કરશો તો તમને હજારો જિંદગીઓની દુઆ મળશે. તમને સૌ શિક્ષક ભાઈ-બહેનોને ફરી એક વાર વિનંતી કરું છું કે આજની મારી અપીલને મારા હૈયાની માગણી સમજજો... મારા પર આ શાળાનું ઋણ છે. એ ઋણ ચૂકવવા હું આજે આવ્યો છું...' આંખોના ખૂણા લૂછતાં સાહેબે  કહ્યું, 'હું આ જ શાળામાં ભણ્યો'તો... અને આ જ શાળામાં આજે...?'       બોલતાં બોલતાં સાહેબનો અવાજ ફાટી ગયો.      
    
           મિટિંગ પૂરી થયા પછી શાળાની બહાર નીકળતાં આનંદબાબુ શિક્ષણાધિકારી સાહેબને કહેવાનું વિચારતા'તા કે - 'સાહેબ, તમારી લાગણી એળે નહીં જાય, એને ઠેસ નહીં પહોંચે...' પણ પોતે સૌથી જુનિયર હોવાને લીધે કશું બોલ્યા નહીં.       
        એ પછીના વર્ષે શું જાદુ થયો કે આનંદબાબુની એ જ ડેમોક્રેટિક શાળાના બબ્બે વિદ્યાર્થીઓ બોર્ડમાં ઝળક્યા! એક તો તિવેન મારવાહ નામનો વિદ્યાર્થી પ્રથમ નંબરે અને બીજો ગોમતીપુર ગામનો જ અશ્વિન ગોઠવી નામનો વિદ્યાર્થી બોર્ડમાં સાતમાં નંબરે!     

    હૈયામાંથી નીકળતી નાનકડી પણ સાચુકલી પ્રાથઁના કેટલી મોટી અસર કરે છે, નહીં!     

★એક પથ્થર ક્યાંક મૂર્તિ થઈને પૂજાતો હશે,      હાથમાં લઈ ટાંકણું, ઘડવૈયો હરખાતો હશે.★

નોંધ: ડો.તિવેન મારવાહ અને ડો અશ્વિન ગઢવી અમદાવાદમાંજ પોતાની હોસ્પિટલ શરૂ કરીને દર્દીઓમાંજ ભગવાનનાં દર્શન કરીને સેવા આપી રહ્યા છે.