કબૂતરોનું ઘૂ..ઘૂ..ઘૂ..

♥ શબ્દ સૂરને મેળે -રાજેશ વ્યાસ 'મિસ્કીન ♥

ઘૂ...ઘૂ...ઘૂ...
કબૂતરોનું ઘૂ...ઘૂ...ઘૂ.
કોયલ કુંજે કૂ...કૂ...કૂ... ભમરા ગૂંજે
ગૂં...ગૂં...ગૂં...
ચકલા, ઉંદર ચૂં...ચૂં...ચૂં ને છછૂંદરોનું
છૂ...છૂ...છૂ.
કૂજનમાં શી કકાવારી, હું કુદરતને પૂછું છું
ઘૂવડસમા ઘૂઘવાટા કરતો, માનવ ઘૂરકે
હું...હું...હું.
કબૂતરોનું ઘૂ...ઘૂ...ઘૂ.
લખપતિઓના લાખ નફામાં સાચું ખોટું
કળવું શું?
ટંક ટંકની રોટી માટે, રંક જનોને રળવું શું?
હરિ ભજે છે હોલો પેલો, પીડિતોનો હે
પ્રભુ તું.
કબૂતરોનું ઘૂ...ઘૂ...ઘૂ.
સમતાનો જ્યાં સમય થયો ત્યાં ઊંચું શું ને
નીચું શું?
ફૂલ્યા ફાલ્યા ફરી કરો કાં ફણી ધરો શા ફૂં...ફૂં...ફૂં.
ઘાંઘાં થઇને થોભી જાતા, સમાજ કરશે
થૂ...થૂ...થૂ!
કબૂતરોનું ઘૂ...ઘૂ...ઘૂ.
પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઇનું સુખ-દુઃખ
પૂછ્યું'તું?
દર્દભરી દુનિયામાં જઇને કોઇનું આંસુ લૂછ્યું
તું?
ગેં...ગેં...ફેં...ફેં... કરતાં કહેશો હેં...હેં...હેં...
શું...શું...શું?
કબૂતરોનું ઘૂ...ઘૂ...ઘૂ.
- મીન પિયાસી

સુરેન્દ્રનગર પાસે
ચુડાના વતની દિનકરરાય કેશવલાલ ભટ્ટ
ગુજરાતી સાહિત્યમાં મીન
પિયાસીના નામે જાણીતા છે. તેમના બે
ગીતો ખૂબ સુંદર છે. કબૂતરોનું ઘૂ ઘૂ ઘૂ આ
કાવ્ય તો શાળામાં અનેકવાર ગવાતું
સાંભળ્યું છે. બાળ કાવ્ય જેવું લાગતું આ
કાવ્ય બાલિશ નહીં બાળસહજ, childish
નહીં child like ભૂમિકાએથી જાણે લખાયું
છે. અને આપણે પણ આપણી તર્ક શક્તિને
એકબાજુએ મૂકી દઇને લાગણી, આશ્ચર્ય,
કુતૂહલ, આનંદની દ્રષ્ટિએ આ
કવિતામાં પ્રવેશ કરવો જોઇએ.
ઘૂ ઘૂ... ઘૂ... ઘૂ ઘૂ કબૂતરોનો આ અવાજ
આપણે સાંભળેલો છે. કવિતાની શરૃઆત ઘૂ ઘૂ
થી થાય છે. ઘૂ ઘૂ કરતું કબૂતર
શહેરની ભીડમાં નહીં સમજાય. ઘોંઘાટ
અને ધમાલો વચ્ચે નહીં સંભળાય.
ઊંડો કૂવો હોય, બપોરની શાંત
વેળા હોય, શાંતિની વચ્ચે
કૂવાની બોખમાં બેઠું હોય ત્યારે
તેનો અવાજ વધુ સ્પષ્ટ અને ઘેરા અવાજે
ગૂંજતો સંભળાય છે. ખૂબ ઊંડે
ઉતરી ગયા પછી, ખૂબ શાંત થઇ
ગયા પછી આપણે આપણો શ્વાસ પણ
સાંભળી શકીએ એવી શાંતિ હોય ત્યારે
આપણા શ્વાસોના કબૂતરનો ઘૂ...ઘૂ... ઘૂઘૂ
અવાજ સાંભળવા જેવો છે. અમૃત
ઘાયલનો એક શેર યાદ આવે છે.
બે વાત કરીને પારેવાં થઇ જાય છે
આડાંઅવળાં,
કૈં આમ પરસ્પર ગૂંથાઇ, વીખરાઇ
જવામાં લિજ્જત છે.
આંગણે કબૂતરોનું ટોળું ઉતરી આવે,
એકબીજાની સાથે ચાંચમાં ચાંચ
પરોવી થોડીકવાર ઘૂ ઘૂ ઘૂ કરી લે અને
ફરી પાછા અલગ-અલગ દિશાએ ઊડીએ
જાય. ઘાયલ સાહેબ કહે છે જેમ બે કબૂતર બે
વાત કરીને આડાઅવળાં થઇ જાય છે
સંસારમાં એમ જ એકબીજાની સાથે
ગૂંથાઇને વીખરાઇ જવાની મજા છે.
આપણા શ્વાસોના પારેવા પણ ઘૂ ઘૂ ઘૂ
કરતાં ક્યારે વિખરાઇ જાય ખબર નથી.
માટે કવિએ શરૃઆત કબૂતરોના ઘૂ ઘૂ ઘૂ
થી કરી છે. જુઓ કોયલ કૂ કૂ કરે છે,
ભમરો huming કરતો હોય-
ગણગણતો હોય તેમ ગૂં ગૂં અવાજ કરે છે.
ચકલી અને ઉંદર ચીં ચીં અને ચૂં ચૂં કરે છે.
ફૂંકી - ફૂંકીને ચાલતું છછૂંદર છૂં છૂં કરે છે. કવિને
પ્રશ્ન થાય છે આ ક, ખ, ગ, ઘ, ચ, છ, આ
કુદરતમાં ય કોઇ કક્કાવારી છે કે શું? એક
માત્ર માણસ ઘૂવડ જેવો અજ્ઞાાન અને
અહંકારના અંધારામાં રહેતો ઘૂવડની જેમ
જ ઘૂરકે છે અને 'હું'ની ભાષા બોલે છે. સતત
હું... હું... કર્યા કરે છે. આ Ego, આ અહંકારને
કારણે નથી કુદરત સાથે ભળી શકતો કે
નથી જાતમાં સુખી થઇ શકતો. નરસિંહ
મહેતા જેવા જાગી ગયેલા સંત કવિઓ ભલે
કહી ગયા હોય...
હું કરું હું કરું એ જ અજ્ઞાાનતા..
પણ અજ્ઞાાનના અંધારામાં,
અહંકારના અંધકારમાં ઘૂવડ જેવો માણસ
હું... હું... હું હું કર્યા જ કરે છે.
લાખોપતિઓ હવે
આજની ભાષામાં કરોડોપતિઓ ભલે ગમે
તેટલું કમાયા હોય પણ એ નફો કે ખોટ એ
સાચો નફો છે કે ખોટો નફો છે એમાં શું
સમજવાના પ્રયત્નો કરવા? બે
ટંકની રોટી માટે એક બાજુ
ગરીબો તૂટી મરે છે અને છતાં એમ થાય કે
આ બધું રળવાનું શેને માટે? અને જાણે કોઇ
ભક્ત હોય તેવી રીતે કબૂતર
જેવો દેખાતો હોલો જાણે
ગાતો સંભળાય છે કે હે પરભુ તું
પીડિતોનો છે, તું પીડિતોનો છે તું તું તું...
હોલા ઉપરથી અમૃત ઘાયલનો ફરી એક શેર
યાદ આવ્યો.
ઊંઘી રહ્યો છે આખો મહોલ્લો, શું
બોલીએ?
બોલે છે બસ હરી ફરી હોલો! શું બોલીએ?
આખી માણસજાત સૂતી હોય અને
અહંકારી હોલાઓ બોલ્યા કરતાં હોય
ત્યારે મૌન રહેવામાં જ સાર છે.
સમતાનો સમય હવે થઇ ગયો છે. આ ઊંચા-
નીચાની વાતો હવે છોડવી જરૃરી છે.
સાપની જેમ સમાજમાં ફેણ ચડાવીને
ફૂત્કારતા ફરવાથી કશું વળવાનું નથી.
આખો સમાજ થૂ... થૂ... થૂ... જ કરવાનો છે.
સ્વાર્થના, અહંકારના, Negativity
નાં બધાં જ ગણિત અંતે ખોટાં પડતાં હોય
છે. મૃત્યુ પામીને ઉપર જઇશું ત્યારે કોઇ
કોર્ટ બચાવશે નહીં, કોઇ પૈસા, કોઇ
ઓળખાણો બચાવશે નહીં. કોઇ હોદ્દો,
કોઇ સત્તા બચાવશે નહીં. ભગવાન માત્ર
પૂછશે જીવનમાં ક્યારેય કોઇ પરમાર્થ
કર્યો તો ખરો? કોઇનું સુખ-દુઃખ તેં પૂછ્યું'તું
ખરું? દુઃખોથી ભરેલી દુનિયામાં જઇને તેં
કોઇનુંય આંસુ લૂછ્યુંતું ખરું? અને ત્યારે ગેં...
ગેં... ફેં... ફેં... હેં... હેં... શું... શું આવી હાલત
થવાની છે. આપણા સ્વાર્થમાં આપણે
એવા જડ થઇ ગયા છે કે આપણી આંખના આંસુ
લૂછાઇ ગયા છે. આપણે રડવાનું
ભૂલી ગયા છીએ કારણકે આપણે કોઇના આંસુ
લૂછવાનું ભૂલી ગયા છીએ. આપણે
સંવેદના અને લાગણી ખોઇ બેઠા છીએ.

♥ મીન પિયાસીનું એક અદ્ભૂત કાવ્ય જોઇએ.

પગલું મારું
હું પગલું માંડું એક.
પગલે પગલે શ્રધ્ધા પ્રગટી, પહોંચાડી દે
છેક.
હું પગલું માંડું એક.
પગલું મારું પાકું હોજો,
ધીરું છો મંડાય,
ડગલે ડગલે દિશા સૂઝે ને મારગ ના છંડાય,
પથ્થર ને રેતીનો મનમાં

સાબૂત રહે વિવેક.
હું પગલું માંડું એક.

કાદવનાં કળણોથી ચેતું,
જાવું આગે આગે,
નક્કર ભોમે ચાલું, છોને
કંટક-કંકર વાગે,

એવું પગલું માંડું જેથી
આવે સાથ અનેક.
હું પગલું માંડું એક.