♠ એકની શક્તિ ♠

મેક્સિકોના દરિયાકિનારે ઘૂમી રહેલા એક પ્રવાસીને ભારે આશ્ચર્ય થયું. એક વૃદ્ધ મેક્સિકન દરિયાકિનારે વાંકો વળીને 'સ્ટાર-ફીશ' માછલીને લઇને પાણીમાં પાછી નાખતો હતો. બન્યું હતું એવું કે આ દરિયાકિનારે હજારો સ્ટાર-ફીશ ભરતી આવતાં તણાઈને કિનારે આવતી હતી અને પછી ઓટના સમયે એ દરિયાકિનારા પર ક્યાંક ને ક્યાંક અટવાઈ ગઇ હતી. કેટલીક સ્ટાર-ફીશ જીવવા માટે તરફડિયાં મારતી હતી, ત્યારે કેટલીક તો નિષ્પ્રાણ બનીને કિનારે પડી હતી.

પેલો વૃદ્ધ મેક્સિકન જીવતી કે જીવવા માટે તરફડિયાં મારતી સ્ટાર-ફીશને લઇને પાણીમાં ફેંકતો હતો. પ્રવાસીને ભારે આશ્ચર્ય થયું. આટલી બધી સ્ટાર-ફીશ દરિયાકિનારે પડી છે અને આ એકલો માનવી શું કરી શકશે ?

પ્રવાસીએ જઇને વૃદ્ધ મેક્સિકનને પૂછ્યું તો એણે કહ્યું, 'હું ભરતીમાં કિનારે તણાઈને આવેલી સ્ટાર-ફીશને પાણીમાં નાખું છું, જેથી એ જીવતી રહે.'

પ્રવાસીએ મજાક કરતાં કહ્યું, 'અરે, આટલી બધી સ્ટાર-ફીશ તણાઈને દરિયાકિનારે આવી છે, તમે એકએક સ્ટાર-ફીશને દરિયામાં પાછી નાખો છો, પણ મને લાગતું નથી કે તમે બધી જ સ્ટાર-ફીશને દરિયામાં પાછી નાખી શકો. મને લાગે છે કે તમને વાસ્તવિકતાનો ખ્યાલ નથી. દુનિયાભરમાં કેટલાય દરિયાકિનારે આવું બનતું હોય છે અને કોઈ બધી સ્ટાર-ફીશ પાછી પાણીમાં નાખી શક્તું નથી, માટે આ મફતની મહેનત રહેવા દો.'

વૃદ્ધ મેક્સિકને દરિયાની રેતીમાં પડેલી એક સ્ટાર-ફીશને ઉઠાવીને પાણીમાં નાખતાં કહ્યું,

'જુઓ,આ સ્ટાર-ફીશને તો ફરક પડી રહ્યો છે ને. હું એટલું વિચારું છું કે હું એકલો બધી સ્ટાર-ફીશને બચાવી શક્તો નથી, પણ એકલો છું માટે આ કામ નહીં થઇ શકે એવી ઉપેક્ષા કરનારો હું નથી.

જો ઇચ્છે તો એકલો માણસ પણ પરિસ્થિતિમાં અને વાસ્તવિક્તામાં પરિવર્તન કરી શકે છે.

- કુમારપાળ દેસાઇ