કર્મયોગ

♥ ઝાકળ બન્યું મોતી - કુમારપાળ દેસાઇ ♥

ગુલામીની બેડીઓમાં જકડાયેલા દેશને
જગાડનારા રાષ્ટ્રપ્રેમી નેતા અને
પ્રાચ્ય વિદ્યાના વિદ્વાન બાળ
ગંગાધર
ટિળકના ઓજસ્વી વક્તૃત્વના પ્રભાવ હેઠળ
આખી સભા મંત્રમુગ્ધ બની ગઇ. જ્યારે
એમનું ભાષણ પૂરું થયું, ત્યારે
થોડી ક્ષણો સભામાં મૌન સેવાઇ ગયું
અને પછી તત્કાળ
તાળીઓના ગડગડાટથી આખો હોલ
ઉભરાઇ ગયો.
કેટલાક શ્રોતાજનો લોકમાન્ય ટિળકને
ઘેરી વળ્યા. એક શ્રોતાએ પ્રશ્ન કર્યો,
'આપ અત્યંત ઓજસ્વી વક્તા છો, પ્રકાંડ
વિદ્વાન છો, 'કેસરી' અને 'મરાઠા'
અખબારના લેખક અને સંપાદક છો. એક
બાજુ દાખલા- દલીલ સાથે અંગ્રેજ
સરકારના કાયદાઓનો વિરોધ કરો છો,
તો બીજી બાજુ દુષ્કાળ રાહતનું કાર્ય
કરો છો. કેટલાય લેખો લખો છો અને
જાહેર ભાષણો આપો છો. વૈદિક
સંશોધનોમાં ઊંડો રસ લો છો,
તો ગીતા વિશે 'ગીતારહસ્ય'ગ્રંથનું લેખન
કરો છો. મને સવાલ એ થાય છે કે તમે
આટલા બધાં કાર્યો એક સાથે કઇ રીતે
કરી શકો છો ?

લોકમાન્ય ટિળકે ઉત્તર આપતાં કહ્યું,
'યોગ્ય રીતે સમયપત્રક બનાવીને
વ્યક્તિ અનેક કામો કરી શકે છે. હું
ગ્રંથોનો અભ્યાસ કરુ છું. રાજકીય
પરિવર્તનો પર નજર રાખું છું. સંશોધન અને
પ્રવચનો કરતો રહું છું. હું સમયાનુસાર કાર્ય
કરુ છું. માત્ર એટલું જ કે મારા જીવનમાં હું
કોઇ કામ દ્વેષભાવથી કરતો નથી.'

આ સાંભળી અન્ય શ્રોતાએ વળતો સવાલ
કર્યો, 'આમ સમયપત્રક બનાવવાથી વધુ
કાર્ય થાય, એવું ક્યાં સંભવિત છે ?
ઘણીવાર આપણી ચિંતા અને અધૈર્ય
આપણને સમયપત્રક પ્રમાણે કામ
કરવા દેતા નથી. આ સમયપત્રક ખોરવાઇ
જાય એટલે વળી કામ ઉપરાંત એ
ખોરવાયાની ચિંતા રહે છે, એનું શું ?'

બાળ ગંગાધર ટિળકે હસીને કહ્યું, 'ભાઇ,
મારી સફળતાનું રહસ્ય એટલું જ છે કે હું દરેક
કામ તનાવમુક્ત થઇને મારી શક્તિ અને
ક્ષમતા અનુસાર કરું છું. એ સમયે
એવી બાબત પર ધ્યાન આપતો નથી કે
લોકો મારે વિશે શું કહેશે. સહુની પાસે સમય
તો સરખો જ હોય છે. પરંતુ ઘણી વ્યક્તિઓ
પોતાનો મોટાભાગનો સમય
પોતાના વિશે બીજાઓ શું કહે છે એ
જાણવામાં ગાળે છે. પોતાની નિંદા એ
સહન કરી શકતા નથી,

તેથી બીજી વ્યક્તિ પ્રત્યે દ્વેષભાવ
ધરાવીને એની પાછળ પોતાનો વખત
બગાડે છે. સફળતાનો મંત્ર જ એ છે કે કોઇપણ
પ્રકારના દબાણ, દ્વેષ કે ટેન્શન
વિના તથા અન્ય કોઇ બાબતને
મનમાં રાખ્યા સિવાય લક્ષ્ય પર ધ્યાન
આપવું.

હકીકતમાં આ કારણે જ લોકમાન્ય ટિળકનું
જીવન મૂર્તિમંત કર્મયોગનું દ્રષ્ટાંત
બની રહ્યું.