♠ મોતનું મનોરંજન ♠

બાબરનો પુત્ર અને અકબરનો પિતા હુમાયુ જેટલો ભટક્યો છે જિંદગીમાં, એટલું કોઇ ભાગ્યે જ ભટક્યું હશે !

દિલ્હીથી ઠેઠ કાબૂલ-કંદહાર સુધી તેને ભાગવું પડેલું, અને કાબૂલથી કેટલીય એવી અજાણી જગ્યાએ તેને ભટકવું પડયું કે તે એક રખડેલ અને ભટકેલ માનવી બની ગયો હતો.

પોતાની આવી દશામાં જ તેને સ્ત્રી હમીદાબાનુએ તેના પુત્ર અકબરને જન્મ આપ્યો હતો.

હાર્યો, જીત્યો, જીત્યો, હાર્યો, અને જિંદગી ભર રખડી રખડીને પણ છેવટની  દશામાં હુમાયુએ દિલ્હીની ગાદી મેળવી તો ખરી જ !

એ હુમાયુનું જીવન રણાંગણમાં પસાર થયું હતું તેમ છતાં તે એક વિદ્વાન માનવી હતો. અને જ્ઞાાનપિપાસુ હતો. જ્યાં પુસ્તક મળે ત્યાં વંાચી લીધા સિવાય તેને ચેન પડતું નહિ. અને ચાર માનવી વચ્ચે બેસીને જ્ઞાાનપૂર્ણ વાણી સાંભળવીતો તેને ઘણી જ ગમતી.

એ જ હુમાયુનું મૃત્યુ કોઇ વિચિત્ર દશામાં થયું. તે એક વાર પોતાના પુસ્તકાલયના ઘોડા પર ચઢ્યો હતો. તેણે કેટલાંક પુસ્તકો હાથમાં લીધાં ત્યારે જ પેલી સીડી ખસી ગઇ. હુમાયુ ઠેઠ ઉપરથી નીચે ફસડાયો અને ત્યાંજ તેનો અંત સમય આવી ગયો.

ચારે બાજુ પુસ્તકો જ, પુસ્તકો પડેલાં હતાં. અને ત્યારે તેના ચહેરા ઉપર તો  પુલકિત હાસ્ય શોભાયમાન હતું.

અકબર દોડી આવ્યો ને પૂછ્યું : 'અબ્બાહજૂર, આપને તો ઘણી ચોટ આવી છે અને, આપ હસી રહ્યા છો ?'

અબ્બાહજૂરે કહ્યું : 'બેટા, આ ચોટ છેવટની છે. પણ હું હસ્યો તેનું એક કારણ એ છે, બેટા ! મેં હંમેશા એવી ઇચ્છા રાખી હતી કે, કાં તો હું યુદ્ધમોરચે મરું, રણાંગણમાં શત્રુઓની વચમાં ઘેરાઇને લડતો લડતો મરું, અને જ્યારેહું મરું ત્યારે મારી ચારે બાજુ શહીદોના શબના ઢગલા પડેલા હોય. એ સ્વપ્ન યુવાવસ્થાનું હતું. પણ મારી વૃદ્ધાવસ્થાનું શું સ્વપ્ન હતું એ તું જાણે છે ?'

અને તેમના વૃદ્ધ હોઠ ઉપરથી જાણે કે સ્વપ્નનું એક ગુલાબી ફૂલ ઊઠતું હોય તેવું ગુલાબી સ્મિત ખીલી ઊઠયું.

તેમણે કહ્યું : 'મારું વૃદ્ધાવસ્થાનું સ્વપ્ન હતું કે બેટા, જ્યારે હું મરું ત્યારે મારી આજુબાજુ પુસ્તકોનો ઢગ ખડકાયેલો હોય. વિદ્યા તથા વિદ્વત્તાની વચમાં નીપજતું મોત મોટામાં મોટું, ને ભવ્યતામાં ભવ્યતાવાળું હોય છે, બેટા, જિંદગીભર હું ઝંખતો રહ્યો છું. આજે મારા સારા નસીબે પુસ્તકો વચ્ચે ઘેરાઇને મરવાનું મળે છે એ શું મારું ઓછું સૌભાગ્ય છે ? મારું મોત ધન્ય થઇ ગયું છે. અકબર ! મારા મોતનું માતમ મનાવીશ નહિ.'

એટલું કહી શહેનશાહ હુમાયુએ આંખો મીંચી, પણ તેના હોઠ તો ઉઘાડા જ રહ્યા, હસતા રહ્યા.

ઇચ્છિત અને મન ગમતા મોતની પણ કોઇ અનેરી ખુશી હોય છે. મોતનું પણ કેવળ માતમ હોતું નથી, મનોરંજન પણ હોય  છે.

♠ વીરત્વની પ્રાપ્તિ ♠

એક રાજાએ પોતાના પુત્રને આશ્રમમાં ભણવા મોકલતાં કહ્યું : 'કુમાર, આશ્રમના એ ગુરુજન પાસે જ અમે બધા ભણ્યા છીએ. ખૂબ જ ઉમદા ગુરુ છે. એમની પાસે  ભણીને  તું ય હોંશિયાર થઇશ.'

રાજકુમાર આશ્રમમાં પહોંચ્યો ત્યારે ગુરુજીએ કહ્યું : 'તારે શક્તિશાળી થવું છે કે વીર થવું છે ?'

કુમાર મૂંઝાયો. તેણે કહ્યું : 'એ બેનો તફાવત હું કંઇ સમજ્યો નહિ, ગુરુદેવ !'

ગુરુજી કહે : 'તારે જો શક્તિશાળી બનવું હશે તો હું તને ઘોડેસવારી, તીરંદાજી ને તલવારબાજી શિખવાડીશ. ને વીર બનવું હોય તો મારે વિનમ્ર, સહનશીલ  અને અહિંસક બનવું પડશે.'

કુમાર આ વાતમાં ઝાઝો તફાવત સમજતો ન હતો. તેણે વીરત્વ વિશે ઘણું સાંભળ્યું હતું. તે કહે : 'મને વીર બનાવો, ગુરુદેવ !'

બસ, ગુરુદેવે તો કુમારના પાઠો શરૃ કરી દીધા. મોટે ભાગે જે કોઇ આવતું તે બધાંની સેવા કરવાનુંકામ કુમારને જ સોંપવામાં આવતું.

કુમારને આથી ઘણું ખોટું લાગતું. તે મનમાં વિચારતો, કે, 'હું આવડો મોટો રાજકુમાર, અને મારે બધાની સેવા જ કરવાની ! એમાં શીખવાનું શું છે ? એમાંના કેટલાય માણસો તો એટલા સામાન્ય છે, કે ઉંમર સિવાય ભાગ્યે જ એમને બીજું મહત્ત્વ આપી શકાય.'

આથી રાજકુમાર એક દિવસ નારાજ થઇને પિતા પાસે જઇ કહેવા લાગ્યો : 'ગુરુજી, મને વીરત્વનું શિક્ષણ આપે છે. પણ તેમાં આખો વખત બધા સાથે માયા-પ્રીતિ રાખવાનું કહે છે અને મારી પાસે બધાની સેવા કરાવ્યા કરે છે.  એમાં વળી વીરત્વ ક્યાં આવ્યું ?'

રાજાએ એક કિંમતી હાર આપીને પુત્રને કહ્યું : 'આ હાર તું તારા ગુરુજીને ભેટ આપજે.'

કુમાર આથી વળી વધુ આશ્ચર્ય પામ્યો. તેને થયું કે : 'પિતા પાસે ફરિયાદ કરવા આવ્યો તો પિતાએ પણ ફરિયાદ સાંભળી નહિ. ઉપરથી ગુરુજીનું બહુમાન કરી, ઈનામ આપ્યું.'

કુમાર એ હાર લઇ ગુરુજી પાસે ગયો. કંઇ પણ બોલ્યા વિના ગુરુજીને એ હાર અર્પણ કર્યો.

ત્યારબાદ વનસ્પતિઓના પરીક્ષણ માટે ગુરુ-ચેલા જંગલમાં ગયા. ત્યાં સંશોધનમાં મોડું થઇ ગયું. સાંજનાં અંધારાં ઊતરી આવ્યાં ત્યારે ગુરુજી બોલી ઊઠયા : 'અરે, આ હારમાંનો એક મણિ આટલામાં જ પડી ગયો લાગે છે.'

કુમાર પણ  એટલી જગામાં મણિ શોધવા લાગ્યો.

ત્યાં સંજોગવશાત્ ચળકતા પથ્થરના ઘણા ટુકડાઓ હતા. કુમારે પોતાના ફેંટાને ફેલાવીને એ બધા જ ચળકતા પથ્થરો તેમાં બાંધવા માંડયા. નાના મોટા કંઇ કેટલીય જાતના પથ્થરો હતા !

ગુરુજીએ પૂછ્યું : 'મારે તો એક જ મણિની જરૃર હતી. તું આટલા બધા પથ્થર શું કામ ભેગા કરે છે ?'

રાજકુમાર કહે : 'અંધારામાં કયો મણિ સાચો મણિ છે એ તારવવું મુશ્કેલ છે. એટલે હું આ બધાજ પથ્થરો પ્રકાશમાં લઇ જઇશ અને તેમાંથી તારવીને આપણો મણિ કયો તેની શોધ કરીશ.'

ગુરુજીએ કહ્યું : 'ભાઈ, આજેતને તારા એક સવાલનો જવાબ મળી ગયો છે. તું બધા જ માનવીઓ સાથે પ્રીતિ સંબંધ રાખતાં અચકાય છે. તને એમાં નાનમ દેખાય છે. પણ જ્યાં સુધી આપણે જ્ઞાાનના પ્રકાશમાં જોઇએ નહિ, ત્યાં સુધી આપણને કેવી રીતે ખબર પડે કે સામા માનવીનું મૂલ્ય કેટલું કિંમતી છે ! વીરતાનો અર્થ સહનશીલતા અને યોગ્ય તારવણી છે. સામાની કદર કરવી એમાં પણ ખરું જ્ઞાાન રહેલું છે. જેમ તું સેંકડો ખોટા પથ્થરોનું અવલોકન કરશે ત્યારે જ તને તેમાંથી સાચો મણિ પ્રાપ્ત થશે, એ જ રીતે તારે નાના-મોટા, જાણ્યા-અજાણ્યા, બધા જ માનવીઓને સંપર્ક સાધવાનો છે. તેમની સેવા કરવાની છે. એ સેવાના સંશોધન બાદ જ તારા હાથમાં સાચા મણિ જેવો કોઇક સાચો માનવી આવી શકશે. આપણે જ જ્યારે અંધારામાં હોઇએ ત્યારે કેવી રીતે કહી શકીએ કે મણિ સાચો છે ? અંધારામાં આપણા હાથમાં કિંમતી મણિ આવી જાય, અરે ! સાદા કે સામાન્ય વેશમાં ખુદમાં ભગવાન પણ આપણી સામે આવીને ઊભો રહી જાય તો આપણે તેને કેવી રીતે ઓળખી શકીશું ? અને ધીર વગર વીર બની શકાતું નથી. વીરત્વની પ્રાપ્તિ થતી નથી !'