♠ ભગવાન કરે તે સારા માટે ♠


એક રાજા હતો. તેના રાજ્યમાં ખૂબ જ સુખ
શાંતિ હતી. રાજાને એક મંત્રી હતો. તેને
ભગવાન પર ખૂબ જ વિશ્વાસ હતો.
ભગવાન જે કરે છે તે બધું સારા માટે જ કરે છે
તેમ તે હંમેશાં માનતો. પ્રજા સુખી હોય
તો પણ તે કહે કે ભગવાન કરે તે સારા માટે.
દેશમાં દુષ્કાળ પડે તો પણ કહે કે ભગવાન કરે
તે સારા માટે.
કોઈના ઘરે મૃત્યુનો પ્રસંગ હોય તો પણ કહે
કે ભગવાન કરે તે સારા માટે અને પોતાનું
આપ્તજન ગુજરી ગયું હોય કે તેને પોતાને
ઘરમાં કાંઈ નુકસાન થયું હોય તો પણ કહેશે
ભગવાન કરે તે સારા માટે. એક વખત
રાજા અને તેનો મંત્રી બન્ને
જંગલમાં શિકાર કરવા માટે ગયા. ત્યારે
ત્યાં સિંહ ઉપર પ્રહાર કરતી વખતે
રાજાની આંગળી કપાઈ ગઈ. આ જોઈને
મંત્રીએ રાજાને કહ્યું કે ભગવાન કરે તે
સારા માટે.
આથી રાજાને ખૂબ જ ગુસ્સો આવ્યો. અને
તેણે પોતાના મંત્રીને કહ્યું, 'અરે દુષ્ટ!
મારી આંગળી કપાઈ ગઈ અને તું કહે છે કે
ભગવાન કરે તે સારા માટે? તું મારી નજર
સામેથી ચાલ્યો જા. હું તારું મોઢું
જોવા માંગતો નથી. મારે તારી જરૃર
નથી.'
રાજાનો મંત્રી ભગવાન કરે તે સારા માટે
આમ કહીને જંગલમાંથી પોતાને ઘેર ગયો.
રાજા એકલો જંગલમાં ચાલ્યો જાય છે.
ત્યાં જંગલના જંગલી લોકોએ તેને
પકડયો અને રાજાને કહ્યું, 'અમારા મુકામે
દેવીનો હવન ચાલે છે અને તેમાં અમારે નર
બલિ ચઢાવવાનો છે તેથી તું
અમારી સાથે ચાલ અને
તારો બલિ ચઢાવીને અમે દેવીને પ્રસન્ન
કરશું.'
આમ કહી તેઓ તેને તેમના દેવી પાસે
બલિ ચઢાવવા માટે લઈ ગયા.
જંગલી લોકોએ રાજાનો દેવીને
બલિ ચઢાવતા પહેલાં જોયું તો તેમને
રાજાના એક
હાથની આંગળી કપાયેલી દેખાઈ.
કપાયેલા અથવા ખંડિત
અંગવાળા મનુષ્યનો બલિ દેવી ન
સ્વીકારે એમ સમજી રાજાને
છોડી દીધો.
રાજા રાજી થતો થતો પોતાના ઘરે
મહેલમાં આવ્યો. રાજાને
પોતાના મંત્રીની વાત યાદ આવી. તેણે
મંત્રીને બોલાવ્યો અને કહ્યું કે,
'મારી આંગળી કપાઈ ગઈ હતી તેથી હું
મરતા મરતા બચી ગયો. તમે કહ્યું હતું કે
ભગવાન કરે તે સારા માટે તે સત્ય સાબિત
થયું. પરંતુ મેં તને કાઢી મૂક્યો છતાં તે કહ્યું કે
ભગવાન કરે તે સારા માટે એનું શું?'
મંત્રી કહે, 'હે રાજાજી!
જંગલમાં જંગલી લોકો દેવીને
બલિ ચઢાવવા માટે તમારી સાથે મને પણ
સાથે લઈ ગયા હોત. તમે
તો આંગળી કપાયેલી હોવાથી બચી જાત
અને બલિનો બકરો હું બની જાત.
મારો બલિ ચઢી જાત. પરંતુ તમે મને
જંગલમાંથી કાઢી મૂક્યો અને મેં કહ્યું કે,
ભગવાન કરે તે સારા માટે અને તેના ફળ
સ્વરૃપે જ હું બચી ગયો.'
જીવનની કોઈ પણ
પરિસ્થિતિમાં નિરાશ, હતાશ કે
નાસીપાસ ન થવું અને એટલું હંમેશા યાદ
રાખવું કે, 'ભગવાન કરે તે સારા માટે.'