♠સાચી શૂરવીરતા ♠

અમેરિકામાં વસાહત સ્થાપનાર અંગ્રેજ સાહસવીર અને લેખક વૉલ્ટર રેલે (ઈ.સ. ૧૫૫૪થી ઈ.સ. ૧૬૧૮)ને ઇંગ્લેન્ડની રાણીએ અમેરિકામાં વસાહત
સ્થાપવાનો અધિકાર આપ્યો હતો.

'સર'નો પ્રતિષ્ઠિત ઈલકાબ પામેલા વૉલ્ટર રેલેએ
અમેરિકાના ઘણા અજાણ્યા પ્રદેશો શોધ્યા.
દક્ષિણ અમેરિકામાં ગિયાના તરફ સોનાની ભૂમિ તરીકે જાણીતા અલ ડોરાડોની શોધ માટેના પ્રવાસની એમણે આગેવાની લીધી, જોકે એમાં એમને સફળતા મળી નહોતી. આવા સર વૉલ્ટર રેલે તલવારબાજીમાં અતિ નિપુણ હતા અને એ
સમયે યુરોપમાં વિશાળ મેદાન પર પ્રેક્ષકોના મનોરંજન માટે તલવારબાજી ખેલાતી હતી અને
લાખો લોકો એને નિહાળવા માટે આવતા હતા.

એક યુવકે સર વૉલ્ટર રેલેને પડકાર ફેંકતા કહ્યું, 'તમારી તલવારબાજી અતિ પ્રસિદ્ધ છે, પરંતુ મારો સામનો કરો તો ખરા!'

યુવકની જોશીલી જબાન સાંભળીને સર વૉલ્ટર રેલેએ કહ્યું, 'માત્ર મનોરંજન માટે યુદ્ધ કરવું એ સમજદારી નથી. યુદ્ધને બદલે શાંતિ વધુ સારી છે, તેથી વ્યક્તિએ શાંતિપૂર્વક જીવન જીવવામાં વિશેષ વિશ્વાસ રાખવો જોઇએ.'

સર વૉલ્ટર રેલેના પ્રત્યુત્તરને યુવાન એમની નિર્બળતા સમજ્યો અને એથી એણે અહંકાર પ્રગટ કરતાં કહ્યું કે, 'તમારામાં મારી સામે તલવારબાજી ખેલવાની તાકાત જ કયાં છે?' આમ કહીને એ સર વૉલ્ટર રેલેના મુખ પર થૂંક્યો. આ ઘટનાથી ચોમેર
ઘણી ધમાલ મચી ગઇ અને લોકો એ યુવકનો પીછો કરીને પકડી લાવ્યા. મહાન યોદ્ધા અને સર્વત્ર આદરપાત્ર એવા સર વૉલ્ટર રેલેએ સહજતાથી રૂમાલ કાઢીને થૂંક લૂછતાં કહ્યું,
'જેટલી સરળતાથી આ થૂંક લૂછી રહ્યો છું,
એટલી જ સરળતાથી જો હું મનોરંજન માટે
માનવહત્યાનું પાપ રોકી શકવાની તાકાત ધરાવતો હોત, તો તારી સાથે તલવારબાજી ખેલવામાં એક પળનો પણ વિલંબ કરત નહીં.'

વૉલ્ટર રેલેનાં માર્મિક વચનો સાંભળીને
યુવકના પગ તળેથી જમીન ખસવા લાગી.
એણે વૉલ્ટર રેલેની ક્ષમા માગતાં કહ્યું,
'સર, આપ સાચે જ મહાન છો.
તમારી સહનશીલતા, કરુણા અને
દયા દ્રષ્ટાંતરૃપ છે.'