www.sahityasafar.blogspot.com
→ અંત સુધી જરૂરથી વાંચજો મિત્રો...
‘ધારો કે ભગવાન તમારા ઉપર
પ્રસન્ન થાય. માગ, માગ, માગ તે આપું!
તો તમે તેની પાસે શું માગો?’
શિક્ષકે વર્ગમાં પૂછ્યું. કોઈકે કંઈક
માગ્યું અને કોઈકે કાંઈક. ત્યાં રાજુ
ઊભો થઈ બોલ્યો :
‘રિવોલ્વર’
‘રિવોલ્વર?’
‘હા, રિવોલ્વર - ત્રણ ગોળી ભરેલી.’
‘પણ શા માટે?’
‘ઘરમાંનાં ભૂતોને ખતમ કરવા.’
‘ભૂતો?’
‘હા, મારાં માબાપ. મારા માટે એ
ભૂતો જ છે. મારી સાથે ન બોલે, ન ચાલે,
પણ એમનો ડર લાગે.’
‘તારા પિતાજી શું કરે છે?’
‘દાક્તર છે. એમનું મોટું દવાખાનું છે.
આખો દિવસ ત્યાં જ રહે છે.’
‘અને તારી મા.’
‘સ્કૂલમાં ટીચર છે.’
‘તારાં ભાઈ-બહેન?’
‘કોઈ ભાઈ-બહેન નથી. હું એકલો છું.’
‘તો એકના એક દીકરાને તો માબાપ ખૂબ
લાડ લડાવતાં હશે.’
‘લાડ? એટલે શું? મારા બાપ તો સવારે હું
ઊઠું તે પહેલાં ઘરમાંથી ચાલ્યા ગયા હોય
અને એ રાતે મોડેથી આવે, ત્યારે હું સૂઈ
ગયો હોઉં.’
‘અને મા?’
‘આખો દિવસ તો સ્કૂલમાં હોય અને ઘરે
આવે ત્યારે ઢગલો નોટબુક સાથે
લાવી હોય તે તેણે તપાસવાની હોય,
રસોઈ કરવાની હોય, એટલે મારા માટે
તો તેની પાસે સમય જ ન હોય.’
‘એ બંને આટલું બધું કામ કરે છે, તે તારા માટે
જ ને!’
‘મારા માટે?’
‘હા, તેઓ આટલી બધી મહેનત કરીને
પૈસો ભેગો કરે છે, તે તારા માટે જ ને! એમને
બીજું કોણ છે? તું એમનો એકનો એક
દીકરો.’
રાજુ હસ્યો : ‘પૈસો! પૈસાને શું કરું?’
‘મોટો થઈને તું રાજાની માફક રહી શકે,
રાજકુંવરની માફક ખાઈ-પી શકે.’
‘મને ખબર નથી, પૈસો ખવાતો-
પીવાતો હશે! આજે તો હું પ્રેમ માટે તલસું
છું.’
‘તે પ્રેમ વિના તું આટલો મોટો થયો હશે?
માબાપે જ તને પ્રેમથી ઉછેરીને
આવડો કર્યો ને!’
‘નાનપણથી જ પ્રેમ એટલે શું, તેની મને ખબર
નથી. મારી માએ મને
કદી ખોળામાં લીધો નથી કે મારા બાપે
કદી મારા માથે વહાલથી હાથ
ફેરવ્યો નથી. બંને કામ ઉપર જાય, ત્યારે
મને ઘરમાં સાચવવા એક બુઢ્ઢી બાઈ હતી.
મોટે ભાગે તો એ ઘોરતી હોય. મને
રમકડાં આપી દીધાં હોય.
થોડો મોટો થયો ત્યારે એ બુઢ્ઢી ગઈ
અને મને સંભાળવા એક પ્રૌઢ ઉંમરની બાઈ
આવી. એ બહુ લુચ્ચી હતી. મને મારતી અને
મારા માટે આપેલું ખાવાનું પોતે ખાઈ
જતી. એના રુક્ષ વહેવારથી હું
ત્રાસી ગયેલો.
એક દિવસ ઘરમાંથી પૈસા ને દાગીના લઈને એ
નાસી ગઈ. ત્યાર બાદ મારી સંભાળ મારે
જ લેવાની આવી.’
‘પછી તો તું મોટો પણ થઈ ગયો હશે ને!’
‘હા, હવે હું નિશાળે જતો થયો. સવારે
મા મને સ્કૂલે મૂકી જતી. સાંજે મને સ્કૂલે
લેવા આવતી. પણ ઘણી વાર એવું બનતું કે હું
નિશાળેથી વહેલો છૂટી જાઉં અને ત્યારે હું
મારી મેળે ઘરે આવી જતો. તો બારણે તાળું
હોય. હું ઓટલે ઝોકાં ખાતો ભૂખ્યો-
તરસ્યો બેસી રહેતો. તેમાં મા આવીને મને
વઢતી. ક્લિનિકે જઈને કેમ ન બેઠો?
ત્યાં બેસીને લેસન કરતો હોય તો! અને ઘરે
આવીનેય એ તો રોજ
એના કામમાં ડૂબેલી હોય. ઘરકામ
કરતી હોય કે સ્કૂલેથી લાવેલી નોટો તપાસતી હોય. મને કહી દે, લેસન કરવા બેસી જા, તને
ખાવા ન બોલાવું ત્યાં સુધી મને ડિસ્ટર્બ
કરતો નહીં.’
‘ઠીક, પણ રવિવારે તો બંને
ઘરમાં રહેતાં હશે ને?’
‘હોય કાંઈ? રવિવાર તો મારા માટે
જેલનો દિવસ. રવિવારે પણ બાપનું બપોર
સુધી દવાખાનું ચાલે અને ખાઈને
થોડો આરામ કરી ક્લબમાં ચાલ્યા જાય.
મા પણ ક્લબમાં જાય કે
એનાં મંડળોમાં જાય અને છાસવારે બહાર
પાર્ટીમાં બંનેને જવાનું હોય. રાતે બહુ
મોડેથી આવે, ત્યારે હું ટીવી વગેરે જોઈને
થાકી-કંટાળીને સૂઈ ગયો હોઉં.’
‘તારા કોઈ દોસ્તાર નથી?’
‘અમારી બિલ્ડિંગમાં તો મારી ઉંમરના કોઈ
નહીં. અમારી પાસે ઝૂંપડપટ્ટીમાં હતા,
પણ એમની સાથે રમવાની કે હળવા-
ભળવાની મને સખત મનાઈ. કહે, એ
લોકો સાથે મળવાથી ખોટા સંસ્કાર પડે!’
‘ત્યારે, એમ છે. એટલા વાસ્તે તારે
રિવોલ્વર જોઈએ છે? તારું ધ્યાન ન
રાખનારને ખતમ કરવા છે?’
‘હા, રિવોલ્વર - ત્રણ ગોળી સાથેની.’
‘બે તો સમજ્યા. પણ આ
ત્રીજી ગોળી કોના માટે? તારા માટે કે
મારા માટે?’
રાજુ બે ઘડી મૂંગો રહ્યો. એના ચહેરા ઉપર
નરી દીનતા છવાયેલી હતી. પછી તેણે ઊંચે
આકાશ સામે જોયું અને ધીમે ધીમે એક એક
શબ્દ ઉચ્ચારતો એ બોલ્યો :
‘ત્રીજી ગોળી એ
અનાથાશ્રમના વ્યવસ્થાપક માટે, જેણે
મારાં આજનાં કહેવાતાં માબાપ્ને મને
દત્તક લેવાની પરવાનગી આપી.’
- હરિશ્ર્ચંદ્ર (શ્રી પી.
રાજાની અંગ્રેજી વાર્તાને આધારે -
‘વીણેલાં ફૂલ’ પુસ્તકમાંથી)
www.sahityasafar.blogspot.com