♠ સત્યનું ફળ ♠

ઈરાન દેશની આ વાત છે. સૈયદ અબ્દુલ
કાદિર નામનો એક છોકરો બહુ ગરીબ.
પિતા તો નાનો હતો ત્યારે જ મરી ગયેલા. માએ મહેનત- મજૂરી કરી ઉછેર્યો.

કાદિરને ભણવાની બહુ ઇચ્છા. તેને
વિદ્વાન બનવું હતું. પણ તેનું ગામ તો નાનું.
ભણતરની સગવડ નહીં. ભણવા માટે દૂર
બગદાદ શહેરમાં જવું પડે. મા એટલા પૈસા ક્યાંથી લાવે ? વળી, તે જમાનામાં ન રેલવે હતી, ન બસ, ને મોટરો. વેપારીઓ ઊંટો ને ખચ્ચરો પર
માલસામાન લાદીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા. માએ ગમે તેમ કરી આવી એક વણઝાર સાથે કાદિરને બગદાદ મોકલ્યો. જતી વખતે દીકરાને ૪૦ અશરફીઓ આપી અને કહ્યું,
'બેટા, મારી પાસે આટલા જ પૈસા છે. બહુ
કરકસરથી રહેજે. અને કદી જુઠ્ઠું ન બોલતો.
અલ્લાહ ભારે દયાળુ છે. એ તારી સંભાળ
લેશે.'

હવેબન્યું એવું કે રસ્તામાં ડાકુઓએ આ
વેપારીઓ ઉપર હુમલો કર્યો અને એમને
લૂંટી લીધા. કાદિરનાં ફાટયાંતૂટયાં ને
મેલાંઘેલાં કપડાં જોઈ ડાકુઓને થયું કે
આની પાસે શું હશે ? એટલે તેને એમનેમ
છોડીને જતા હતા. તેવામાં એક ડાકુએ
પૂછયું, 'એય છોકરા ! તારી પાસેય કાંઈ
માલમતા છે કે ?'

કાદિર કહે, 'જી હા. મારી પાસે ૪૦ અશરફી છે.'

ડાકુને થયું કે આ આપણી મજાક કરે છે. એટલે
ચિડાયા, 'બદમાશ ! અમારી મશ્કરી કરે
છે ?'

'જી નહીં,' એમ કહી કાદિરે તો ૪૦ અશરફી કાઢીને બતાવી.

ડાકુઓ અવાક્ થઈ ગયા. એમના સરદારે
કાદિરને પૂછયું, 'કેમ બેટા, તને ખબર
તો હતી કે અમે લૂંટારા છીએ અને તારી આ
અશરફીઓ લૂંટી જઈશું, છતાં તેં આવું કેમ કર્યું ?

કાદિર બોલ્યો, 'મારી માએ મને કહ્યું છે કે
ગમે તેટલી મુશ્કેલી પડે છતાં કદી જુઠ્ઠું ન
બોલવું. તો શું હું આટલી અમથી અશરફી બચાવવા ખાતર જુઠ્ઠું બોલું ? અલ્લાહ ભારે દયાવાન છે. એ મારી સંભાળ લેશે !'

ડાકુઓના દિલને ધક્કો લાગ્યો 'ધન્ય
છે આ છોકરો ! કેટલો નેક ને ઇમાનદાર !
જ્યારે આપણે તો નિર્દોષોને સતાવીએ છીએ.
છી...છી...છી...!' એમની આંખ ખુલી.
એમને પસ્તાવો થયો. એમણે કાદિરની બધી અશરફી પાછી આપી અને વેપારીઓને પણ
એમનો બધો માલસામાન પાછો સોંપ્યો. એટલું જ નહીં, એમનું એટલું બધું હૃદયપરિવર્તન થઈ ગયું કે એમણે ત્યારથી ડાકુનો ધંધો જ છોડી સચ્ચાઈભર્યા વર્તનની આવી અદભુત અસર
થતી હોય છે.