♠ બાળ નેપોલિયનની મહાનતા ♠


નેપોલિયનના બાળપણનો એક કિસ્સો છે.
એક દિવસ પોતાની નાની બહેન સાથે
રમતાં રમતાં એ બહુ દૂર નીકળી ગયો.
રસ્તામાં એક ખેડૂતની છોકરી માથે
ફળનો ટોપલો લઇને જતી હતી.
નેપોલિયનની બહેનનો તેને
ધક્કો લાગ્યો અને ટોપલો નીચે
પડી ગયો. ફળ બધાં બગડી ગયાં,
ફૂટી ગયા, નકામાં થઇ ગયા.
ખેડૂતની છોકરી રડવા લાગી, 'હાય,
મારી મા મને મારશે. હવે અમે ખાઇશું શું ?'
નેપોલિયનની બહેન તો કહેવા લાગી કે
'ચાલ, આપણે બે ભાગી જઇએ !' પણ
નેપોલિયન બોલ્યો, 'ના એવું ન કરાય. એ
તો બહુ ખોટું. આપણાથી આનું નુકસાન થયું
છે તો એ નુકસાન આપણે ભરપાઇ કરી આપવું
જોઇએ.'
બહેન કહે, 'મા આ જાણશે તો આપણને વઢશે.'
પરંતુ નેપોલિયને
તો પોતાના ખિસ્સામાં થોડા પૈસા હતા તે
ખેડૂતની છોકરીને આપી દીધા અને તેને
આશ્વાસન આપ્યા પછી કહ્યું કે, 'ચાલ
અમારી સાથે. ઘરે જઇને તારું બધું નુકસાન
અમે ભરપાઇ કરી આપીશું.'
નેપોલિયન તેને લઇને ઘેર આવ્યો.
મા પહેલાં તો આ બધું જાણીને બહુ ગુસ્સે
થઇ અને છોકરાંવને વઢી. પણ નેપોલિયને
કહ્યું કે 'મા, ભૂલ અમારી છે. મને તું જે
ખિસ્સાખર્ચ આપે છે, તે આ છોકરીને
આપી દે.'
મા બોલી, 'ઠીક છે. હવે તને દોઢ
મહિના સુધી એક પાઇ નહીં મળે !'
'ભલે મા !'
પેલી ખેડૂતની છોકરી પૈસા મળતાં ઘણી ખુશખુશ
થઇ પોતાને ઘેર ગઇ. તે જોઇને નેપોલિયનને
બહુ આનંદ થયો. પોતે કંઇક ખોટું કામ કર્યું
હોય,
તો તેનાં પરિણામો ભોગવવા જોઇએ અને
ભાગી જવું જોઇએ નહીં, એ વાત
નેપોલિયનના હૃદયમાં બરાબર બેસી ગઇ
હતી.