♠ અનોખા આઇન્સ્ટાઇન ♠


આલ્બર્ટ આઈન્સ્ટાઈનને સ્વિટ્ઝર્લેન્ડની પેટન્ટ ઓફિસમાં બર્ન ખાતે નમૂનાઓના નિરીક્ષક તરીકે
નોકરી મળી. અહીં એણે વિવિધ પ્રકારની શોધખોળોની ચકાસણી કરવાની કામગીરી હતી.
ચકાસણીના આવા કામને કારણે વૈજ્ઞાાનિક
સંશોધનોના પરિણામોના પાયામાં રહેલા તત્ત્વો તારવવાની એની શક્તિ કેળવાઈ.

એ પેટન્ટ ઓફિસમાં નોકરી કરતો હતો, ત્યારે ૧૯૦૫માં ઝુરિચના પ્રસિદ્ધ સામયિક 'અનાદે દર ફિઝિક'માં પ્રગટ થયેલા આલ્બર્ટ આઈન્સ્ટાઈનના પાંચ લેખોએ દુનિયાનું એની તરફ ધ્યાન ખેંચ્યું
અને સમય જતાં પેટન્ટ ઓફિસ છોડીને એ
યુનિવર્સિટી શિક્ષણમાં જોડાયો.

પહેલાં પ્રાગ અને ઝુરિચની યુનિવર્સિટીમાં અને
પછી બર્લિનની વિલ્હેમ કૈઝર ઈન્સ્ટિટયૂટમાં એણે પ્રાધ્યાપક તરીકે કામ કર્યું.

પોતાનો મોભો વધતા આઈન્સ્ટાઈનને પોષાક બદલવો પડે તેમ હતો. તે હંમેશાં કરચલીવાળો શૂટ પહેરતો અને એના વાળ એના કપાળને ઢાંકી દેતા હતા. પ્રાધ્યાપક થયા પછી આમ કેમ ચાલે? પરંતુ સંશોધનમાં ડૂબેલા આઈન્સ્ટાઈનને માટે
પોષાક કે સામાજિક મોભો સહેજે મહત્ત્વનો ન હતો. કોઈ રૂઢિ કે પરંપરા પ્રમાણે ચાલવાનું એને સહેજે મંજૂર નહોતું.

આઈન્સ્ટાઈને એની સહાધ્યાયિની મિલેવા મેરીક સાથે લગ્ન કર્યા હતા. અને મિલેવા મેરિકે એને
કહ્યું કે હવે તમે પ્રાધ્યાપક બન્યા છો, સમાજમાં અને શિક્ષણજગતમાં માનભર્યો હોદ્દો ધરાવો છો,
આથી તમારે જૂના સૂટને તિલાંજલિ આપીને
નવો સૂટ સીવડાવવો જોઈએ.

મિલેવા વારંવાર આગ્રહપૂર્વક કહેતી, ત્યારે
આઈન્સ્ટાઈન એક જ ઉત્તર આપતો,

''અરે, કોથળીમાં ભરેલી ચીજ કરતાં કોથળી વધારે મોંઘી હોય તો તે ભૂલ કહેવાય ને! મારી કામગીરીને
મારો પોશાક કોઈ રીતે બહેતર બનાવશે નહીં.''