♠ સાચો સંન્યાસી ♠

ભારતભ્રમણ કરી રહેલા સ્વામી વિવેકાનંદની પાસે શરત્ચંદ્ર નામનો એકયુવાન આવ્યો. સ્વામી વિવેકાનંદનાં ભાષણો સાંભળીને એ અત્યંત પ્રભાવિત થયો હતો. એમનાં વિચારોએ આ યુવકના મનનું પરિવર્તન કર્યું હતું.

યુવકે મનોમન વિચાર્યું કે આ સંસાર છોડીને સ્વામીજીના શરણે જાઉં અને સંન્યસ્ત ગ્રહણ કરું. સ્વામીજી સાથેના મેળાપ સમયે શરતચંદ્રએ કહ્યું.
'આપ કૃપા કરીને મને સંન્યાસની દીક્ષા આપો. મારે આપની સાથે રહેવું છે અને કામ કરવું છે. આ મારો દ્રઢ નિરધાર છે.'

સ્વામી વિવેકાનંદે શરત્ચંદ્રના ખભે હાથ મૂકીને પ્રેમથી પૂછ્યું, 'પણ સંન્યાસી થવું એટલે શું,એની તમને જાણ છે ખરી ?'

શરત્ચંદ્રે સ્વાભાવિકતાથી કહ્યું, 'સ્વામીજી, સંન્યાસનો અર્થ શું છે એની તો મને ખબર નથી, પરંતુ હું તો સંન્યાસી બનીને સાધના અને ભક્તિ કરવા માગું છું.''સાધના અને ભક્તિ કરીને તમે શું કરશો ?'

'એનાથી મારા જીવનનું કલ્યાણ કરીશ. મુક્તિ પામવા માટે અથાગ પ્રયત્ન કરીશ.'

આ સાંભળી સ્વામી વિવેકાનંદે કહ્યું, 'અરે ! સાચો સંન્યાસી ક્યારેય આટલો સંકીર્ણ કે સ્વાર્થી હોય નહીં, એ માત્ર પોતાની મુક્તિ કે કલ્યાણનો જ વિચાર કરે નહીં.એ તો પોતાની સઘળી શક્તિ અને સઘળા અનુભવોનો ઉપયોગ જનસેવામાં અને
રાષ્ટ્રના વિકાસમાં કરે. જો તું સંન્યાસીની મારી આ પરિભાષા સાથે સંમત હોય, તો તું જરૃર મારા પથનો પથિક બની શકે, નહીં તો નહીં.'

શરત્ચંદ્રને યથાર્થરૃપે સ્વામીજીની ભાવના સમજાઈ અને બોલ્યા, 'સ્વામીજી, તમે તો મારી આંખો ખોલી દીધી. હું તમારી આ પરિભાષા સાથે સહમત છું.'

સ્વામી વિવેકાનંદે શરત્ચંદ્રને સંન્યાસી તરીકે સામેલ કર્યા અને એમને નામ આપ્યું સ્વામી સદાનંદ, જેમણે પોતાનું જીવન રાષ્ટ્ર અને ગરીબો માટે અર્પણ કર્યું.

★ કુમારપાળ દેસાઇ