♠ અસ્પૃશ્યની વ્યાખ્યા ♠

ભગવાન બુદ્ધના ચહેરા પર મૌન પથરાયેલું હતું. એ સભાસ્થાને તો ક્યારનાય આવી ગયા હતા, પરંતુ નિઃશબ્દ બનીને બેઠા હતા.

એક ભિખ્ખુએ પૂછ્યું, 'ભગવન્ ! આપ આજે શા માટે મૌન ધારણ કરીને બેઠા છો ? શું અમારાથી કોઇ અપરાધ થઇ ગયો છે ?'

બીજા ભિખ્ખુએ અધિરાઇથી પૂછી નાખ્યું, 'પ્રભુ, આજે આપ અસ્વસ્થ લાગો છો. કંઇક તો કહો.'
એવામાં સભાસ્થાનની બહાર ઉભેલા યુવકે આક્રોશ પ્રગટ કરતાં કહ્યું, 'આજે ભગવાન બુદ્ધે મને સભામાં બેસવાની અનુમતિ આપી નથી. આવું શા માટે ? આ તો ઘોર અન્યાય કહેવાય.'

ચક્ષુ બીડીને ભગવાન બુદ્ધ મૌન રહ્યા એટલે પેલા યુવકે ફરી વધુ જોરથી બૂમ પાડતા કહ્યું, ''કશાય વાંક ગુના વિના તમે મને પ્રવેશની અનુમતિ આપતા નથી. મેં ક્યાં કોઇનું કશું અહિત કર્યું છે કે કોઇ પ્રકારની હિંસા કરી છે ?''

આ સમયે એક ઉદાર શિષ્યે યુવકની વકીલાત
કરતાં કહ્યું પણ ખરું, 'એને સભામાં પ્રવેશવું છે તો શો વાંધો છે ? તમે એને અનુમતિ આપો. નહી આપવાનું કારણ શું ?'

'એ સર્વથા અસ્પૃશ્ય છે.' ભગવાન બુદ્ધે આ શબ્દો બોલતાં જ સભામાં સન્નાટો વ્યાપી ગયો. ભગવાન બુદ્ધ જાતિભેદમાં માનતા નહોતા, તો પછી આ યુવક અસ્પૃશ્ય કેમ ?

ભિખ્ખુઓએ આ અંગે શંકા પ્રગટ કરતાં ભગવાન બુદ્ધે કહ્યું, 'આજે આ યુવક ક્રોધિત થઇને અહી આવ્યો છે. ક્રોધ થાય એટલે જીવનની એકાગ્રતાનો ભંગ થાય અને માનસિક હિંસા પણ થાય. આ કારણે જ ક્રોધિત માનવી અસ્પૃશ્ય છે. એણે થોડો
સમય સભાની બહાર ઊભા રહેવું પડશે.'

'પણ આવું શા માટે ?' એક ભિખ્ખુએ પૂછ્યું.

'એ બહાર ઊભો રહેશે, તો જ પોતે કરેલા ક્રોધ વિશે વિચારશે અને એને એનો પશ્ચાતાપ થશે. એને એ વાત પણ સમજાશે કે અહિંસા એ જ કર્તવ્ય છે અને પરમ ધર્મ છે.'

એ દિવસે ભિખ્ખુઓને અસ્પૃશ્યની વ્યાખ્યા સમજાઇ અને એ યુવકે પશ્ચાત્તાપ બાદ ક્રોધિત નહી થવાના સોગન લીધા.

★ કુમારપાળ દેસાઇ ★