♠ આચરણનું મહત્વ ♠

ભગવાન બુદ્ધની પાસે અકળાઇને આવેલા યુવકે કહ્યું, ''ઓહ ! છેલ્લા એક મહિનાથી આપનો ધર્મોપદેશ સાંભળું છું, પણ મારા સ્વભાવમાં લેશમાત્ર પરિવર્તન આવ્યું નથી. આપે જ કહ્યું હતું કે 'ક્રોધ કરનાર ઉપર જે ક્રોધ કરે છે તે સ્વયંનું નુકશાન કરે છે. પણ જે ક્રોધનો જવાબ ક્રોધથી આપતો નથી તે એક મોટું યુદ્ધ જીતી લે છે.'' ખરું ને !''

ભગવાન બુદ્ધે કહ્યું, ''હા સાચી વાત છે. ક્રોધ વિનાશક છે. એના જેવો પ્રગટ દુશ્મન બીજો એકે નથી.''

યુવાને કહ્યું, ''આપનો આ ઉપદેશ સાંભળ્યો
હતો છતાં મારો ક્રોધ લેશમાત્ર ઓછો થયો નથી. વળી, એ ઉપદેશ પણ ભૂલ્યો નથી કે જ્યારે આપે કહ્યું કે, ''લોભ દ્વેષ અને મોહ પાપના મૂળ છે. તેનો ત્યાગ કરવો.''

ભગવાન બુદ્ધે કહ્યું, 'બરાબર છે આ વાત.'
અકળાયેલા યુવાને કહ્યું, ''આ બધા ઉપદેશ
તો યથાર્થ છે. આપનો ઉપદેશ હું પ્રતિદિન
એકાગ્ર ચિત્તે સાંભળું છું. એમ કરતા દિવસોના દિવસો થઇ ગયા પરંતુ મારો ગુસ્સો એટલો જ વિનાશક રહ્યો છે અને લોભ, દ્વેષ કે મોહ સહેજેય ઓછો થયા નથી. તો પછી આ બધાનો અર્થ શો ? એક મહિનાથી આપનું ધર્મપ્રવચન, સાંભળું છું
પરંતુ મારા જીવનમાં સહેજેય ફેર પડતો નથી.''

ભગવાન બુદ્ધે કહ્યું, 'વત્સ, તું કયા નગરનો
વાસી છે? '

યુવકે કહ્યું, ''શ્રાવસ્તી નગરીમાં મારો જન્મ થયો અને આજે મારા માતાપિતા સાથે શ્રાવસ્તી નગરીમાં વસું છું.''

ભગવાન બુદ્ધે પ્રશ્ન કર્યો, ''આ શ્રાવસ્તી નગરીથી રાજગૃહી નગરી સુધી કઇ રીતે પહોંચી શકાય ?''

યુવકે કહ્યું, ''પગપાળા અથવા ઘોડેસવારીથી કેટલાક રથમા બેસીને પણ જાય છે.''

''કેટલો સમય લાગે ? રાજગૃહી સુધી
પહોંચવામાં.''

યુવકે કહ્યું, ''સાધન પર આધાર છે પરંતુ ઓછામાં ઓછા બે દિવસ અને બે રાત જેટલો સમય ઘોડા પર બેસીને જતા લાગે ખરો.''

ભગવાન બુદ્ધે કહ્યું, ''હવે તું એક કામ કર. અહી બેઠા બેઠા તું શ્રાવસ્તી નગરી સુધી પહોંચી જઇ શકે ખરો ?''

યુવકે કહ્યું, ''અશક્ય. અતિઅશક્ય. એ કેવી રીતે બની શકે ? શ્રાવસ્તીથી રાજગૃહી સુધી પહોંચવામાં માટે મારે અહીથી ચાલવું તો પડે જ.''

ભગવાન બુદ્ધે કહ્યું, ''વત્સ, તેં સાચું કહ્યું, ચાલીને જ મંઝિલ પર પહોંચી શકાય. એ જ પ્રમાણે આ ઉપદેશની અસર ત્યારે જ થાય કે જ્યારે એનો જીવનમાં અમલ કરવામાં આવે. જ્ઞાાન પ્રમાણે કર્મ ન હોય તો તે જ્ઞાન વ્યર્થ છે.''

એ હકીકત છે કે માત્ર ઉપદેશોથી પરિવર્તન
આવતું નથી, બલ્કે એના આચરણથી જ સાચુ
પરિવર્તન સધાય. ઉપદેશ ચિત્તમાં એક વિચાર મૂકે છે. આચરણ એને વ્યવહારમાં પ્રગટ કરે છે. માત્ર વિચારથી કશું વળતું નથી. એ તો શેખચલ્લીના વિચાર બની જાય. એ વિચાર આચારમાં ઊગે તે જ એનું સાર્થક્ય છે.