♠ ભારતીયતા ♠

ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ અને અગ્રણી શિક્ષણશાસ્ત્રી ઝાકિરહુસેન ઊંડી ધાર્મિક વૃત્તિવાળા હતા પણ તેઓ
ધર્મના બાહ્યાચારને વિશેષ મહત્ત્વ આપતા નહીં.
અર્થશાસ્ત્રના વિદ્વાન તરીકે અને શિક્ષણ સંસ્થાઓના માર્ગદર્શક તરીકે એમણે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

૧૯૬૩માં 'ભારત રત્ન'ના ખિતાબથી સન્માનિત ઝાકિરહુસેનના એક દૂરના સગાનો એક પત્ર આવ્યો અને એમણે એમના કોઈ સંબંધીની સિફારિશ કરવાનો એમને
આગ્રહ કર્યો. ડૉ. ઝાકિરહુસેને કશું કર્યું નહીં એટલે તેઓ સીધેસીધા એમને મળવા આવી પહોંચ્યા.

પોતાના આ સગાનો અત્યંત વિનમ્રતાથી આદરસત્કાર કર્યો અને પાસે બેસાડયા. થોડી ગપસપ પછી એમના આ
સંબંધી મૂળ વાત પર આવ્યા, પરંતુ ઝાકીરહુસેન એ બાબતમાં કોઈ સ્પષ્ટ ઉત્તર આપતા નહોતા. આથી એ સગા અકળાઈને બોલ્યા, 'આપ તો મુસલમાન છો એ મુસલમાન તરીકે તમારી ફરજ છે કે તમારે આ કામ કરવું
જોઇએ. તમારી પાસે અમે આટલી તો આશા રાખી શકીએ ને ?'

ઝાકિરહુસેને એમના સંબંધીને કહ્યું, 'જુઓ, મુસલમાન હોવાની દુહાઈ આપશો નહીં, આપણા બધાનો ધર્મ એક છે અને તે ભારતીયતા. આપણે બધા પહેલાં ભારતીય છીએ.'

સંબંધીએ કહ્યું, 'એ તો ઠીક. આપણે બધાય ભારતીય છીએ. પણ આપણે સગા છીએ, તેનું શું ? લોહીની સગાઈ તો બધી સગાઈથી ઊંચી છે.'

આમ સંબંધી સંબંધના દાવે આગ્રહ કરતા જ રહ્યા, ત્યારે ડૉ. ઝાકિરહુસેને એમના અંગત સચિવને બોલાવીને કહ્યું,
'જુઓ, ઘણા ઉપાય કર્યા, પણ મારા આ સંબંધીને વાત સમજાતી નથી. તમે એમને કહો કે હું દેશસેવા કરવા માટે આ પદ પર નિયુક્ત થયો છું. મારા સંબંધીઓની સેવા
કરવા માટે નહીં. જો મારા આ સંબંધી યોગ્ય લાયકાત ધરાવતા હોય, તો પછી એમને મારી સિફારિશની જરૃર શી ?'

આ સાંભળીને એમના સંબંધી ચૂપચાપ ત્યાંથી રવાના થઇ ગયા.

♥ કુમારપાળ દેસાઇ