♠ રોગનું સાચું નિદાન ♠

ગામના નગરશેઠને સઘળી વાતે સુખ હતું.ધનનો અખૂટ ભંડાર હતો. સુશીલ પત્ની અને આજ્ઞાાંકિત પુત્રો હતા. સતત સંભાળ રાખનારો સેવકવર્ગ હતો. આ સઘળું હોવા
છતાં નગરશેઠને સતત બેચેની અને અજંપો રહ્યા કરતા. આખી રાત પડખા ઘસવા પડતાં. રાત્રે ઊંઘ આવતી નહી તેથી દિવસે ક્યાંય મન લાગતું નહોતું. આંખો થાકેલી
અને માથુ ભમતું રહેતું. ક્યારેક રાત્રે સહેજ ઊંઘ આવે, ત્યાં તો ભયાનક સ્વપ્નાંઓની હારમાળા શરુ થઈ જતી હતી. જીવનમાં સઘળું સુખ હોવા છતાં ઊંઘના સવાલે
નગરશેઠની ઊંઘ હરામ કરી નાખી.

એવામાં નગરમાં એક સંત પુરુષ આવ્યા. એ સહુ કોઈના દુઃખદર્દ સાંભળતા હતા અને એને સાચો રસ્તો સુઝાડતા હતા. નગરશેઠને એની જાણ થતાં તેઓ દોડીને એમની પાસે ગયા અને કાકલુદીભર્યા અવાજે કહ્યું,

'મહારાજ, જીવનમાં કોઈ વાતે કશી મણા નથી. માત્ર એક જ દુઃખ છે અને એને કારણે સઘળા સુખ વેરાન બની ગયા છે.'

'એવું તે કયું દુઃખ છે તમને ?'

નગરશેઠે કહ્યું, 'મહારાજ, મારે અને ઊંઘને આડવેર છે. રાત્રે દુનિયા આખી ઘસઘસાટ સૂતી હોય ત્યારે હું સુંવાળી સેજમાં ઊંઘ વિના આળોટતો હોઉ છું. કોઈ પણ ઉપાયે
મારી આ અનિદ્રાનું નિવારણ કરો.'

સંતે કહ્યું, 'ઓહ, એમાં શું ? તમારા રોગનું કારણ હું જાણું છું. તમે અપંગ હોવાથી રોગથી ઘેરાઈ ગયા છો.'

સંતના શબ્દો સાંભળતા જ નગરશેેેઠે આશ્ચર્યથી પૂછ્યું, 'હું અપંગ કઈ રીતે ? જુઓ,આ કેવી સુંદર આંખો છે, બાવડામાં બળ છે,પગમાં જોર છે, પછી હું અપંગ કઈ રીતે ?'

સંત ખડખડાટ હસી પડયા, 'શેઠ ! અપંગ કોને કહેવાય તેની તમને ખબર નથી અપંગ એ નથી કે જેની પાસે હાથ કે પગ ન હોય, પણ વાસ્તવમાં અપંગ તો એ છે કે જે હાથપગ હોવા છતાં એનો ઉપયોગ કરે નહીં. તમે જ
કહો તમારા શરીર પાસેથી તમે કેટલું કામ લો છો ?'

'અરે, બધા મારી એટલી બધી સંભાળ રાખે છે કે હું તો ખાટલેથી પાટલે અને પાટલેથી ખાટલેની જિંદગી જીવું છું.'

'આને કારણે જ ઉંઘ સાથે તમારે આડવેર બંધાયું છે. નાના મોટા કામ માટે બીજાઓ પર નિર્ભર રહો છો. જો તમે
સ્વચ્છ ઊંઘ ઇચ્છતા હો તો આ અપંગપણુ દૂર કરીને હાથ- પગથી ખૂબ મહેનત કરો, તો એકાદ દિવસમાં જ તમારી બિમારી દૂર થઈ જશે.'

નગરશેઠ સંતની સલાહનો સ્વીકાર કર્યો અને પછીને દિવસે એવી ગાઢ નિંદ્રા આવી કે નગરશેઠ ખુદ આશ્ચર્યચક્તિ થઈ ગયા.