♠ સાચું શિક્ષણ ♠

મશહૂર તબલાવાદક પંડિત કિશન મહારાજ પાસે તબલાવાદન શીખવા આવેલા યુવકોને એક વાતનું સદા આશ્ચર્ય થતું કે ગુરુજી શા માટે રોજ એકથી દોઢ કલાક નજીકના પાર્કમાં આવેલા ઘાસને કાપવાનું કામ સોંપે છે.

ગુરુનો આદેશ હતો કે પાર્કમાંથી ઘાસ કાપવું અને પછી અને પાછળ ફેંકી દેવું. ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરનાર વિદ્યાર્થીમાંથી કોઇની હિંમત ચાલી નહી કે ગુરુને સવાલ કરે કે અમે ઘાસ કાપવા નહી, પણ તબલાવાદન શીખવા માટે તમારી પાસે આવ્યા છીએ.

ક્યારેક મનોમન વિચાર પણ કરતા કે શા માટે આપણો કલાક- દોઢ કલાક આવી વ્યર્થ બાબતમાં ગાળવાનું કહે છે ? આનો કોઇ અર્થ ખરો ? કોઇ હોય તો ઘરના બગીચામાં આવું કામ કરાવે, પણ આ તો જાહેર પાર્કમાં ઘાસ કપાવે છે, એનો કોઇ
મતલબ ખરો ?

શિષ્યોના મનમાં આવી ગૂંગળામણ પ્રબળ બની ગઇ હતી, એ પારખીને પંડિત કિશન મહારાજે સામે ચાલીને શિષ્યોને પૂછ્યું,'હું તમને રોજ પાર્કમાં ઘાસ કાપવા માટે મોકલું છું અને તમે ગુરુની ભાવના જાણીને ઘાસ કાપો છો. પરંતુ તમારી પાસે આવું
કામ શા માટે કરાવું છું એનો તમને ખ્યાલ
છે ખરો ?'

શિષ્યોએ કહ્યું, 'નહી ગુરુજી, અમે તો આપના આદેશનું પાલન કરીએ છીએ અને કલાક બે-કલાક સુધી ઘાસ કાપીને પાછળ જોયા વિના કાપેલા ઘાસને ફેંકી દઇએ છીએ.'

પંડિત કિશન મહારાજે આનું રહસ્ય પ્રગટ કરતાં કહ્યું, 'જુઓ, એક તબલાવાદકમાં ધૈર્ય હોવું જરૃરી છે. વળી એની સાથોસાથ એના બે બાવડાઓ પણ મજબૂત હોવા જોઇએ. હાથ મજબૂત હોય તો જ લાંબા સમય સુધી તબલાવાદન કરી શકે. વળી
તબલાવાદન કરો ત્યારે હાથ તબલાથી સહેજ ઉપર જાય અને વળી પાછો એ તબલા પર આવે. જો તમે તમારા હાથને આવી રીતે કેળવો નહી તો તમે લાંબા વખત સુધી તબલાં વગાડી શકો નહી. આમ ઘાસ તોડવાના બહાને હું તમને તબલાવાદનનો
જ અભ્યાસ કરાવતો હતો.'

પંડિત કિશન મહારાજની આ વાત સાંભળીને શિષ્યો સ્તબ્ધ બની ગયા.

★ કુમારપાળ દેસાઇ