♠ વાણીનું મહત્વ ♠

વિશ્વને ભારતની આધ્યાત્મિકતાનો સંદેશ આપનાર સ્વામી વિવેકાનંદે અસલ ભારતનું દર્શન કરવા માટે દેશનું પરિભ્રમણ કર્યું અને એ પછી વેદાંત જ્ઞાનનો પ્રચાર અને ભારતને માટે આર્થિક મદદ મેળવવાના હેતુથી અમેરિકાના પ્રવાસે ગયા.

→ ૧૮૯૩ની ૧૧મી સપ્ટેમ્બરે શરૃ થયેલી વિશ્વધર્મ
પરિષદમાં એમણે ભાગ લીધો અને એ દિવસે
સાંજે ભાષણમાં એમણે કહેલું ''બહેનો અને
ભાઇઓ'' એ સંબોધનને સહુએ તાળીઓના
ગડગડાટથી વધાવી લીધું.

એ પછી એકવાર અમેરિકામાં સ્વામી વિવેકાનંદ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. ઠેર ઠેર એમનાં ભાષણો યોજાયાં હતાં. ટ્રેનમાં એમની નજીક બે અમેરિકન યુવાનો બેઠા હતા. સ્વામીજીના પોષાકને જોઇને એમને આશ્ચર્ય થયું. એ યુવાનોએ સ્વામીજી તરફ જોઇને અંગ્રેજીમાં સતત અપશબ્દો કહેવા માંડયા.

ક્યારેક એમની મજાક કરતા હતા, તો ક્યારેક એમનો ઉપહાસ કરતા હતા. સ્વામી વિવેકાનંદ તો ગ્રંથવાચનમાં ડૂબેલા હતા. એમણે આ યુવાનોની ટીકાને સહેજે કાને ધરી નહી. એવામાં સ્વામી
વિવેકાનંદને ઉતરવાનું સ્ટેશન આવતાં એમણે
કુલીને અંગ્રેજી ભાષામાં સામાન લેવા માટે સૂચના આપી. આવું કડકડાટ અંગ્રેજી સાંભળી પેલા યુવકો સ્તબ્ધ થઇ ગયા. તેઓ તો એમ માનતા હતા કે જેમની હાંસી ઉડાડે છે, એમને અંગ્રેજી ભાષાનો કક્કોય આવડતો નથી.

યુવકો વિચારમાં પડયા. હવે શું કરવું તે સૂઝતું નહોતું. એમને થયું કે આ તો આખું કોળું શાકમાં ગયું.

સ્વામી વિવેકાનંદ પાસે આવીને એક યુવક
બોલ્યો, ''આપ અંગ્રેજી જાણો છો, તેમ છતાં અત્યાર સુધી કેમ અમારા અપશબ્દો અને આલોચના સાંભળતા રહ્યા. કેમ તમે ગુસ્સે ન થયા ?''

'એમાં ગુસ્સે થવાનું વળી શું ?'

યુવકે કહ્યું, 'તમે અમે શું બોલીએ છીએ તે જાણતા હતા, છતાં ગુસ્સે ન થયાં તે અતિ આશ્ચર્યજનક કહેવાય. અમે તમારી કેટલી બધી મજાક ઉડાવી. તમારે કંઇક તો કહેવું હતું ને.'

સ્વામી વિવેકાનંદ બોલ્યા, 'અપશબ્દ કહેવાથી વાણીનો વ્યય થાય છે અને ઊર્જા નષ્ટ થાય છે. હું મારી ઊર્જા આવી બાબતમાં નષ્ટ કરવા માગતો નહોતો, સમજ્યા !'

★ કુમારપાળ દેસાઇ