♠ બાદશાહતનો ઘમંડ ♠

એક શહેનશાહને અત્તરનો ખૂબ શોખ હતો. એકવાર પોતાના શાહી દરબારમાં બેસીને અત્તર લગાવતા હતા, ત્યારે એનું એક ટીપું નીચે પડી ગયું.બાદશાહે સહુની નજર ચૂકાવીને જમીન પર પડેલું એ ટીપું લઈને પોતાના શાહી પોષાક પર લગાડયું. ચાલાક વજીરે આ જોયું અને બાદશાહને પણ અંદાજ આવ્યો કે વજીરે આ વાત જાણી લીધી છે. આથી બીજે દિવસે બાદશાહ આવ્યા ત્યારે મોટી અત્તરદાની લઈને આવ્યા. જ્યારે વજીર સહિત બધા દરબારીઓની નજર એમના તરફ મંડાયેલી હતી, ત્યારે બાદશાહે એ અત્તરદાનીને સહેજ હડસેલો માર્યો અને જાણે એ અજાણતાં જ પડી ગઈ એવો દેખાવ કર્યો. એમાંથી ઢોળાઈને અત્તર બહાર વહેવા લાગ્યું. બાદશાહે અત્તરની કોઈ પરવા ન હોય એ રીતે એના તરફ ઉપેક્ષાભરી નજર નાખી.

બાદશાહની ચાલાકી પામી ગયેલા વજીરે કહ્યું, 'જહાંપનાહ, મારી ગુસ્તાખી માફ કરશો. આ ખોટું કર્યું છે, માણસના મનમાં ચોરી હોય ત્યારે એ આવું કરે છે.'

શહેનશાહ વજીરની સામે જોઈ રહ્યા અને પૂછ્યું, 'આમાં મનચોરી શું ?' 'જહાપનાહ, ગઈકાલે જમીન પર નીચે પડેલું અત્તરનું ટીપું આપે લીધું, તેથી આપને એમ લાગ્યું કે આ ભૂલ થઈ ગઈ. તમે તો શહેનશાહ છો. આવાં જમીન પર પડેલાં એક અત્તરનાં ટીપાંની તમને શી પરવા હોય ? પરંતુ
જહાંપનાહ, એક ઈન્સાન તરીકે તમે આવું કર્યું તે સાવ સ્વાભાવિક હતું. પરંતુ બાદશાહ હોવાના ઘમંડને કારણે તમે બેચેન બની ગયા અને એથી કાલની વાતને ભરપાઈ કરવા માટે વિના કારણે આટલું બધું અત્તર બરબાદ કર્યું.

ઇન્સાન સાચું કામ કરે છે, પણ બાદશાહતનો ઘમંડ કેવું કેવું કરાવે છે !' વજીરની વાત સાંભળતા બાદશાહ શરમ અનુભવી રહ્યા.

★ કુમારપાળ દેસાઇ