♠ પ્રેમ, ગુસ્સો અને સાક્ષીભાવ ♠

"હું જાણું છું કે મુશ્કેલીના સમયમાં તું મારી પડખે હોઈશ જ... અને આ ભરોસો મને ખૂબ રાહત પહોંચાડે છે."
"હું જાણું છું કે તું અત્યારે મુશ્કેલીમાં છે અને
તેથી જ હું તારી પાસે આવ્યો (કે આવી) છું"
"હું ખૂબ તકલીફમાં છું... પ્લીઝ, મને મદદ કર."

જેની સાથે આપણી જિંદગી જોડાયેલી છે એવા લોકોને આ ચાર વાક્યો કહેવામાં આપણો ઈગો શા માટે વચ્ચે આવી જાય છે?

આજકાલ જુદાં જુદાં ક્ષેત્રોમાં અસાધારણ કામ કરી દેખાડનારાઓને નોબેલ પ્રાઇઝ ઘોષિત થઈ રહ્યા છે ત્યારે એક બૌદ્ધ સાધુની વાત કરવી છે. થિચ ન્હાટ હાન્હ એમનું નામ.

માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે ૧૯૬૭માં નોબેલ પીસ પ્રાઇઝ માટે થિચ ન્હાટ હાન્હનું નામ નોમિનેટ કર્યું હતું. આપણે દલાઈ લામાને સારી રીતે ઓળખીએ છીએ, પણ આ વિશ્વવિખ્યાત વિયેતનામી બૌદ્ધ સાધુથી ખાસ પરિચિત નથી. 'લિવિંગ બુદ્ધા, લિવિંગ ક્રાઇસ્ટ', 'એંગરઃ વિઝ્ડમ ફોર કૂલિંગ
ફ્લેમ્સ', 'અવેકનિંગ ઓફ ધ હાર્ટ' અને 'ધ મિરેકલ ઓફ માઇન્ડફુલનેસ' જેવાં ૮૦ જેટલાં પુસ્તકો તેમણે લખ્યાં છે, જેમાંથી કેટલાંય બેસ્ટસેલર બન્યાં છે. આ ૮૭ વર્ષીય બૌદ્ધ સાધુના શિષ્યોમાં ખ્રિસ્તી અને યહૂદીઓ પુષ્કળ પ્રમાણમાં છે. થિચ બુદ્ધિઝમના સ્કોલર છે, કવિ છે અને પાછા પીસ એક્ટિવિસ્ટ છે. અમેરિકા અને ફ્રાન્સમાં એમના બિલકુલ નોન- કમર્શિયલ અને લો-પ્રોફાઇલ આશ્રમો છે.

અહીં એક પણ પાઈ ખર્ચ્યા વગર નિયત સમય માટે રહી શકાય છે. જો મુલાકાતીને ઠીક લાગે તો જતી વખતે ડોનેશન આપવાનું. આપણે ત્યાં દેશભરમાં યોજાતી વિપશ્યનાની શિબિરોમાં આ
જ સિસ્ટમ છે. આ શિબિરો નિઃશુલ્ક હોય છે.

વિપશ્યના પણ બૌદ્ધ વિદ્યા છે. જો ભરપૂર સત્ત્વ અને વિત્ત હોય તો જ આજના હાડોહાડ કમર્શિયલ
જમાનામાં આ પ્રકારની પ્રવૃત્તિ થઈ શકે. જીવનના કોઈ ના કોઈ તબક્કે આપણે સૌ તીવ્રતાથી સમજવા માગતા હોઈએ છીએ કે પ્રેમ મહાન લાગણી છે ને એ બધું બરાબર છે, પણ પ્રેમ નામનો પદાર્થ ખરેખર શામાંથી બને છે? એના મુખ્ય ઘટકો કયા? બુદ્ધિઝમ પાસે આનો સરળ જવાબ છેઃ ભલમનસાઈ, અનુકંપા, આનંદ અને મુક્તિ. જો આ ચાર ચીજો ભેગી થાય તો એના સરવાળામાંથી પ્રેમ જન્મે છે!

પરિવારના સભ્યો અને કરીબી મિત્રો જેવી અંતરંગ વ્યક્તિઓ સાથેનો આપણો વ્યવહાર શી રીતે પ્રેમમય બનાવી શકાય? સૌથી આત્મીય સંબંધથી જોડાયેલા લોકો પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવામાં આપણે ઘણી વાર કાચા પડતા હોઈએ છીએ. પ્રેમ વ્યક્ત
કરવાથી જાણે આપણો ઈગો ઘવાઈ જાય છે!

થિચ ન્હાટ હાન્હ એક બહુ જ પ્રેક્ટિકલ ઉપાય સૂચવે છે.

તેઓ કહે છે કે આ ચાર વાક્યોને દિલપૂર્વક બોલતા શીખી જાઓ, તમારી જિંદગી આસાન થઈ જશે.

પહેલું વાક્યઃ "હું હંમેશાં તારી સાથે રહીશ... મૈં હૂં
ના."

બીજું વાક્યઃ "હું જાણું છું કે મુશ્કેલીના સમયમાં તું મારી પડખે હોઈશ જ... અને આ ભરોસો મને ખૂબ રાહત પહોંચાડે છે."

ત્રીજું વાક્યઃ "હું જાણું છું કે તું અત્યારે મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે (કે થઈ રહી છે) અને તેથી જ હું તારી પાસે આવ્યો (કે આવી) છું, તારું દુઃખ શેર કરવા."

ચોથું વાક્યઃ "હું ખૂબ તકલીફમાં છું....પ્લીઝ, મને મદદ કર."

ખરેખર, અહમની પરવા કર્યા વિના આ ચાર વાક્યો બોલતા આવડી જાય તો જીવન ઘણું સહ્ય અને સુંદર બની જાય...

પ્રેમની અસર બન્ને પક્ષે થાય છે. જેને પ્રેમ મળે એને તો સારું લાગે જ, પણ પ્રેમ આપનારને પણ ઘણા ફાયદા થાય છે. આપણે કોઈને પ્રેમ કરીએ
તો આપણી ખુદની પીડા, ભય અને નેગેટિવ
લાગણીઓ ઓછાં થતાં જાય છે. ખરેખર તો સાચો પ્રેમ કેવળ એકાદ માણસ પૂરતો સીમિત રહેતો નથી.

થિચ કહે છે કે સાચો પ્રેમ તો દીવા જેવો છે. એનો પ્રકાશ આસપાસ સૌને મળે છે. તે જ પ્રમાણે જો આપણામાં સાચુકલો પ્રેમભાવ હશે તો એના તરંગો આપણા સંપર્કમાં આવનારા સૌ માણસો સુધી પહોંચશે. ફક્ત માણસો જ શું કામ, આપણી આસપાસનાં પશુ-પક્ષી અને ઝાડ- પાનને પણ તમારા તરફથી પોઝિટિવ વાઇબ્સ મળશે.

થિચ કહે છે કે આપણે સૌ માણસ છીએ, આપણા સૌમાં ઈર્ષ્યા, વેરઝેર, બળતરા, માલિકીભાવ, આક્રમકતા, હતાશા, માનસિક ત્રાસ જેવી નેગિટિવ ઇમોશન્સ ક્યારેક ને ક્યારેક તો પેદા થવાની જ.
આમાં કશું ખોટું નથી. નકારાત્મક લાગણીઓ જાગે તો જાગવા દેવાની. એને દબાવી દઈને જાણે એનું અસ્તિત્વ જ નથી એ રીતે વર્તવાનો કશો મતલબ નથી. નેગેટિવ ઇમોશન્સ આપણા જ વ્યક્તિત્વનો હિસ્સો છે. હા, એના પર વેળાસર અંકુશ આવી જવો જોઈએ. આ અંકુશ કેવી રીતે આવે? સાક્ષીભાવ કેળવવાથી.

ક્રોધ એક જોખમી નેગેટિવ ઇમોશન છે. થિચ કહે છે કે ગુસ્સાની લાગણી ઉછાળા મારતી હોય ત્યારે સૌથી પહેલાં તો બન્ને હાથથી ખુદનો ચહેરો હળવેથી પકડવો. ક્રોધની ક્ષણોમાં એકલા પડી ગયા હોઈએ એવી લાગણી જાગતી હોય છે.
હથેળીથી ખુદનો ચહેરો પકડવાથી હૂંફનો અનુભવ
થશે. ગુસ્સો નાના બાળક જેવો હોય છે. નાનું બચ્ચું રડે એટલે મા પ્રેમથી એને બન્ને હાથેથી ઊંચકીને ખોળામાં લઈ લેશે, ધીરજપૂર્વક સમજવાની કોશિશ કરશે કે મારું બાળક શું કામ રડી રહ્યું છે. એને સમજાશે કે બાળકને હળવો તાવ છે યા તો એની ભીની થઈ ગયેલી ચડ્ડી બદલાવવાની જરૂર છે.
મા બાળકને પ્રેમથી ગોદમાં લે એટલે એનું અડધું દુઃખ તો ત્યાં જ ઓછું થઈ જાય. ગુસ્સાનું પણ આવું જ છે. આપણા ક્રોધને આપણે ચહેરા ફરતે હથેળીઓ મૂકીને પ્રેમથી ઝીલીશું એટલે ઇન્સ્ટન્ટ રિલીફની લાગણી થશે. ક્રોધને જાકારો આપવાની જરૂર નથી. નાના બાળકની જેમ એને પણ પ્રેમની જરૂર છે, શ્રોતાની જરૂર છે. જરા ઠંડા પડીશું એટલે આપણને સમજાશે કે આટલો બધો ગુસ્સો ખરેખર કઈ વાતે આવ્યો હતો.

થિચ સૂચવે છે કે ગુસ્સો ઊછળે ત્યારે બિલકુલ
ચૂપ થઈ જાઓ. કશું જ ન કરો. શક્ય હોય તો બહાર નીકળી જાઓ અને ચાલતાં ચાલતાં વોકિંગ મેડિટેશન કરવા માંડો. બહારની ખુલ્લી હવાથી મન અને શરીર બન્નેને સારું લાગશે. ગુસ્સો ઠંડો પડશે. જે- તે સિચ્યુએશન કે માણસનું તટસ્થ મૂલ્યાંકન મન શાંત હોય તો જ થઈ શકે. ક્યારેક એવુંય નથી બનતું કે અમુક માણસ પર ક્રોધ ચડવાનું કારણ એ હોય છે કે એનામાં આપણી કોઈક નબળાઈનું પ્રતિબિંબ આપણને દેખાતું હોય છે? એવી નબળાઈ જેને સ્વીકારવામાં આપણને બહુ કષ્ટ પડતું હોય.

આપણે જેમ જેમ વધારે મેચ્યોર થઈએ અને
ખુદને જેવા હોઈએ એવા પ્રેમપૂર્વક સ્વીકારતા થઈએ ત્યારે આપણામાં બીજાઓને પણ એ જેવા હોય એવા સ્વીકારવાની તાકાત પેદા થતી હોય છે.
ઉપર જે વોકિંગ મેડિટેશનનો ઉલ્લેખ થયો તે
શું છે? ચાલતાં ચાલતાં મેડિટેશન કેવી રીતે થાય? આપણે બેઠા, સૂતા કે ઊભા હોતા નથી ત્યારે કોઈક પ્રકારનું હલનચલન કરતા હોઈએ છીએ. આ હલનચલન આપણે સંપૂર્ણ સાક્ષીભાવ યા તો જાગૃતિ સાથે કરતા શીખી શકીએ. ચાલતા હોઈએ
ત્યારે ફક્ત ચાલો, દોડો નહીં. કમરામાં જ આંટા મારતા હો અથવા ઘરની બહાર લટાર મારતા હો ત્યારે પ્રત્યેક પગલું પૂરેપૂરી સભાનતા સાથે મૂકો. પ્રત્યેક શ્વાસ અને ઉચ્છવાસના સાક્ષી બનો.
શ્વાસ લો ત્યારે મનોમન બોલો, 'ઇન'. શ્વાસ છોડો ત્યારે મનોમન બોલો, 'આઉટ'. આ રીતે આપણને જીવંત હોવાની નક્કર અનુભૂતિ થશે. તમારું સમગ્ર
ધ્યાન ડગલાં માંડવામાં અને ઇન-આઉટ બોલવાની પ્રક્રિયામાં પરોવાઈ જશે, તેથી ક્રોધ
યા તો ઉશ્કેરાટની લાગણી આપોઆપ દૂર
હડસેલાઈ જશે. અલબત્ત, આ આસાન નથી.
થોડી પળો ઇન-આઉટ કર્યા પછી ક્યારે ગુસ્સાના અણુઓ પાછા મનમાં ઘૂમરાવા લાગ્યા એની ખબર
પણ પડતી નથી, પણ જેવું ક્રોધભર્યા વિચારો તરફ ધ્યાન જાય કે તરત થોભી જાઓ. પ્રયત્નપૂર્વક
ફરીથી મનોમન ઇન-આઉટ બોલવા માંડો. આવું વારંવાર કરો. આને વોકિંગ મેડિટેશન કહે છે. તે ક્યાંય પણ થઈ શકે છે. નોર્મલ મૂડમાં વોકિંગ મેડિટેશન કરતી વખતે આસપાસ ઊભેલાં વૃક્ષોને જુઓ, શક્ય હોય તો પંખીઓનો અવાજ સાંભળો, અસીમ આકાશને જુઓ અને આવું સુંદર મનુષ્યજીવન મળ્યું છે તે બદલ ધન્યતા અનુભવો. જીવનના સૌથી મોટાં સત્યો સૌથી સરળ
હોય છે તે વાત સાવ સાચી. ક્યારેક અત્યંત કઠિન લાગતી મુશ્કેલીના ઉપાય સાવ સાદા હોવાના. તેને અપનાવી શકાય છે, જો મુગ્ધતા અકબંધ રહી હોય તો.

♥ ટેક ઓફ ♥

♦ શિશિર રામાવત♦

shishir.ramavat@gmail.com