♠ પરોપકારી - મધર ટેરેસા ♠

www.sahityasafar.blogspot.com

→ અગ્ને ગોન્હા બોજાશિન કે જેઓ પછીથી મધર ટેરેસા તરીકે જાણીતા થયાં. તેમના બાળપણનો એક શ્રેષ્ઠ પ્રસંગ રજુ કરું છું.આપને ગમે તો લાઇક કરતાં પણ શેર કરશો તો મને વધું ગમશે.

ઍલ્બેનિયન કુળના ખેડૂત કુટુંબમાં જન્મેલી ''અગ્ને
ગોન્હા બોજાશિન'' ( મધર ટેરેસા)  સ્થાનિક પ્રશાસન દ્વારા ચાલતી સ્કૂલમાં ભણતી હતી. આ નાનકડી અગ્ને ગોન્હા અત્યંત ચંચળ હતી. બીજાઓની નકલ કરવામાં ભારે હોશિયાર.

એક દિવસ પોતાના ભાઈ- બહેનો સાથે ટોળી જમાવીને બેઠી હતી અને ઠઠ્ઠા-મશ્કરી ચાલતી હતી.
આ સમયે અગ્ને ગોન્હા બોજાશિને નાની નાની વાત માટે વિદ્યાર્થીઓને સતત ધમકાવતી વર્ગ-
શિક્ષિકાની મિમિક્રી કરી. એની છટા,ચેષ્ટા અને
એની બોલવાની ઢબની આબાદ નકલ જોઇને સહુ કોઈ હસતાં-હસતાં બેવડ વળી ગયા. પણ એવામાં એકાએક લાઈટ ચાલી ગઈ. બાળમંડળી ગભરાઈ ગઈ. એમણે જોયું તો રસ્તાની સડક પર અને
પડોશમાં લાઇટ ચાલુ હતી. માત્ર એમના રૂમની લાઈટ જ બંધ હતી. આથી આ બાલિકા દોડીને
બાજુમાં કમરામાં બેઠેલી એની માતા પાસે ગઈ. જોયું તો ત્યાં પણ લાઈટ ચાલુ હતી એટલે બાળકોએ પૂછ્યું, 'તારા રૃમની લાઈટ છે અને
અમારા રૃમમાં કેમ નથી? રસ્તા પર પણ
લાઈટ દેખાય છે.'

ત્યારે એની માતાએ કહ્યું, 'લાઇટ ગઇ નથી, પણ મેં બંધ કરી છે.'

આ સાંભળીને બાળકો એક સાથે બોલી ઊઠયા, આવું કેમ કર્યું?'

માતાએ કહ્યું, 'બીજાની ટીકા કરવા માટે કે એની મિમિક્રી કરવા માટે વીજળીનો ખર્ચો હું ઉઠાવી શકું તેમ નથી. આવી નકામી વાતો માટે વીજળી વાપરવી એ મહાદુર્વ્યય કહેવાય.'

આ સાંભળી બાળકો શરમ અનુભવી રહ્યા. એમને એમની ભૂલનો ખ્યાલ આવ્યો. એ જોઇને માતાએ કહ્યું, 'કોઇના વ્યક્તિગત જીવન વિશે વાતો કરવી કે એની ટીકા કરવી, એ સભ્ય લોકોનું કામ નથી. આજથી મનમાં ગાઠ મારી લેજો કે અંતે ટીકા કરનાર જ ટીકાનો ભોગ બનતા હોય છે.'

નાનકડી બાલિકા અગ્ને ગોન્હા બોજાશિન પર
માતાની વાતનો એવો પ્રભાવ પડયો કે એણે એનું સંપૂર્ણ જીવન બીજાઓની મદદ માટે સમર્પી દીધું. એ દીનદુખિયાઓની મસિહા સેવિકા બની અને
૧૯૭૯ની નોબેલ પારિતોષિક મેળવનારી અગ્ને ગોન્હા બોજાશિન જગતમાં મધર ટેરેસા તરીકે જાણીતી થઈ.

www.sahityasafar.blogspot.com