♠ પરસેવાની કમાણી ♠


www.sahityasafar.blogspot.com

એકવાર ટ્રેનની રાહ જોઇ રહેલાં ટોલ્સટોય સાદા વેશમાં સ્ટેશન ઉપર આંટા મારી રહ્યાં હતાં.ટોલ્સટોયને મજૂર સમજી એક શ્રીમંત બાઇએ પાસે બોલાવી કહ્યું,'' લે આ ટપાલ પોસ્ટનાં ડબ્બામાં નાંખી આવ.આ લે તારા મહેનતાણાનો સિક્કો.'' ટોલ્સટોયે કાંઇપણ કહ્યાં વિનાં ટપાલ અને સિક્કો બન્ને લઇ લીધાં અને ટપાલ ડબામાં નાંખી પૂર્વવત આંટા મારવાં લાગ્યાં.

થોડીવારમાં આ શ્રીમંત બાઇનાં પતિ સ્ટેશન ઉપર તેને મૂકવાં આવ્યાં.ટોલ્સટોયને જોઇને તેમને ભેટી પડ્યાં અને તેમનાં ખબર અંતર પૂછ્યાં.એટલામાં ગાડી આવી ગઇ એટલે બધાં ડબામાં ગયાં.

પોતાની પત્નીને ટોલ્સટોયનો પરિચય આપતાં પેલી શ્રીમંત વ્યક્તિએ કહ્યું '' આપણા દેશનાં મહાન વિદ્વાન ટોલ્સટોય છે.તેઓ અત્યંત વિનમ્ર,સરળ અને જ્ઞાની પુરુષ છે.''

તેમની પત્નીનું મો શરમથી ઝુકી ગયું.તેણીએ માફી માંગતા ગળગળાં સાદે કહ્યું, '' ટોલ્સટોયજી, મે આપને ઓળખ્યાં નહીં અને કામ બતાવ્યું.મને માફ કરો,મારી ભૂલ થઇ.મહેનતાણાનાં પૈસા પાછા આપી દો.''

ટોલ્સટોય કહે,'' એ તો મારાં પરસેવાની કમાણી છે.હવે પાછા મળે નહી.''

સાચું જ્ઞાન માણસને અહંકારી નહીં પરંતું વિનમ્ર બનાવે છે.જ્ઞાન અભિમાનથી દૂર રાખે છે અને વ્યક્તિને સાચા અર્થમાં મહાન બનાવે છે.વિનમ્રતા મનુષ્યનું સાચું આભૂષણ છે.

www.sahityasafar.blogspot.com