♠ માં બાપને એક ટકોર ♠

મારે આ દુનિયાનાં બધાં માબાપોને ફરીથી શાળાએ મોકલવાં છે, જ્યાં એમને માબાપ બનવાનું શિક્ષણ મળે,જ્યાં એમનું બાળપણ હું યાદ કરાવું.

એમને રોજ એમની પાસે પચાસ વખત લખાવું કે વરસાદમાં નાહવાથી શરદી થતી નથી, ને તડકે રમવાથી લૂ નથી લાગતી,

ધૂળમાં રમવાથી કોઇ ઈન્ફેકશન થતું નથી.
મહોલ્લાના નાકે ઊભા રહેવાની મજા ઓર છે,
હોળીને તાપણે, ઉત્તરાણની અગાસીએ, કૃષ્ણજન્મની રાતે, દિવાળીના દીવડામાં તો બાળપણ પાંગરે છે.

મારે માબાપ પાસે મારું દફતર ઊંચકાવવું છે,
રિક્ષામાં બેસીને માબાપને શહેરમાં ફેરવવાં છે,
એમને શી શિક્ષા કરું ?

એમની પાસે ખુતામણીની રમત રમાડું,
બાકસનાં ખાલી ખોખાં ભેગાં કરાવું,
ઉત્તરાણે આખી રાત દોરો પવડાવું,
હોળીનાં લાકડાં ને ઘાસની ચોરી કરાવું,
અનહાઇઝીનિક બરફ-ગોળો ખવડાવું,
વારે-ઘડીએ ડોકટર, પોલીસ કે બાવાની બીક બતાવનાર માબાપને, ઈન્કમટેક્સ ઓફિસરની બીક બતાવું? કે મરી રહેલા મારા બાળપણની!

– ડૉ. રાજન શેઠજી