♠ ઍન્ડ્રોક્લિઝ અને સિંહ ♠

ઍન્ડ્રોક્લિઝ નામે એક હબસી ગુલામ હતો.ગુલામી કોને ગમે? એ તો એક દહાડો છાનોમાનો નાસી ગયો જંગલમાં.ભોગ જોગે ત્યાં એક સિંહ તેને મળ્યો.એને થયું, આતો મૂઆ બાપલિયા!પણ સિંહ તો ન મારે કે ન પાછો જાય-તે તો તેની પાસે જ આવ્યા કરે!તે લંગડાતો હતો.કેમ કે તેના પગની પોચી ગાદીમાં કાંટો ભોંકાયો હતો. ઍન્ડ્રોક્લિઝ તેની વેદના સમજી.હિંમત કરીને તે દબાતા પગે સિંહની નજીક ગયો.સિંહની આંખો સાથે આંખો મિલાવી.તેને હળવા હાથે પંપાળ્યો અને હિંમત કરીને હળવા હાથે તે સિંહનો કાંટો કાઢ્યો.સિંહ દર્દભરી ચીસ પાડી ઉઠ્યો.તેણે પછી સિંહના ઘા પર વનસ્પતિના પાન વાટીને મલમપટ્ટી કરી.સિંહ પછી એને માર્યા વગર ચાલ્યો ગયો.

હવે ગામમાં ઍન્ડ્રોક્લિઝની શોધાશોધ ચાલી.શેઠે એ ગુલામને ખોળવા માણસો દોડાવ્યાં. ઍન્ડ્રોક્લિઝ પકડાયો.રાજ્યનો કાયદો એવો હતો કે,ગુલામ જો નાસી જાય તો તેને મરણની સજા કરવી. ઍન્ડ્રોક્લિઝને સિંહના પીંજરામાં પૂરીને મોત આપવાનું નક્કી કરાયું.

માણસ અને સિંહની આ ક્રૂર સાઠમારી જોવા સૌ લોક ભેગું થયું. ઍન્ડ્રોક્લિઝને સિંહના પીંજરામાં પૂરી દેવામાં આવ્યો.ઘૂરકતો અને ગર્જતો સિંહ તેની પાસે તો આવ્યો.પણ આ શું? ઍન્ડ્રોક્લિઝને જોઇને એ તો ધીમે ધીમે તેના પગ આગળ આવી,જાણે પાળેલો હોય, એમ તેને ચાટવા લાગ્યો અને વહાલ કરવા લાગ્યો !

એ સિંહ એ જ હતો જેનો તેમણે પગમાંથી કાંટો કાઢ્યો હતો અને તેના ઘા પર મલમપટ્ટી કરી હતી.

→ મિત્રો,ભલાઈ એવી ચીજ  છે કે તે સિંહ જેવાને પણ અસર કર્યા વગર રહે નહિં.કરેલો ઉપકાર તો પશુઓ પણ ભૂલતાં નથી જ્યારે માનવી.....માનવી તો ઘણીવાર ઉપકાર કરનાર સામે મળે તો પણ તેને નજરઅંદાજ કરી દે છે.