♠ બિરબલનું બુદ્ધિચાતુર્ય ♠

એક સવારે અકબર અને બિરબલ બગીચામાં ફરવા માટે નિકળ્યા.ફરતાં ફરતાં બંને વચ્ચે અનેક વિષયો પર ચર્ચા થતી હતી.

અચાનક અકબરે બિરબલને પૂછ્યું,''બિરબલ,સ્વર્ગનો રાજા ઇન્દ્ર કેવો હશે? એ મારાથી મોટો રાજા હશે કે નાનો?''

બિરબલે પહેલાં તો સ્મિત આપીને ટાળ્યું,પણ અકબરે ફરીથી સવાલ કર્યો.બિરબલ ગુંચવાઇ ગયા કે,જો ઇન્દ્રને મોટા કહીશ તો બાદશાહ નારાજ થશે અને જો તેમને મોટા કહીશ તો એ પૂરાવો માંગશે.આ પૂરાવો ક્યાંથી લાવીશ?

અકબરના આગ્રહથી બિરબલે કહ્યું કે,જહાપનાહ તમે ઇન્દ્રથી મોટા છો.

પછી બિરબલે કારણ સમજાવ્યું કે,''બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિની રચના કરી ત્યારે બે પૂતળા બનાવ્યા અને ત્રાજવામાં મૂક્યાં.તમે વજનદાર હતા એટલે તમારું પલડું નમી ગયું.તમને પૃથ્વીનું રાજ્ય આપ્યું અને ઇન્દ્ર હલકા હતા એટલે તેને સ્વર્ગનું રાજ્ય આપ્યું.આ રીતે બ્રહ્માજીએ એજ સમયે પ્રમાણિત કરી દીધું કે તમે ઇન્દ્રથી મોટા છો.''

બિરબલનું બુદ્ધિચાતુર્ય જોઇને અકબર ખુશ થઇ ગયો.