♠ સાચા સંત ♠

www.sahityasafar.blogspot.com

સમર્થ ગુરુ રામદાસ આકરું તપ કરતા હતાં.તેઓ માત્ર ત્રણ ઘરે જ ભિક્ષા માંગતા હતાં અને તેટલા ભોજનથી ચલાવી લેતાં હતાં.એકાદ ઘરેથી ખાલી હાથ જવું પડે તો પણ ચલાવી લેતાં.એકવાર સવારમાં એક ઘર આગળ ભિક્ષા માટે ઊભા રહ્યાં.
ભિક્ષા માંગી તે ઘરની સ્ત્રી કારણવશ ગુસ્સામાં હતી.સાધુની બૂમ સાંભળી તેનો ગુસ્સો વધારે ભભક્યો,  તે પોતું કરી રહી હતી તે કપડું સમર્થના મો ઉપર ફેંક્યું.

સમર્થ કોને કહેવાય.તેઓ સહેજ પણ ગુસ્સે થયાં નહી અને પોતું કરવાનું કપડું લઇ ચાલવા માંડ્યું.નદીએ ગયાં.પોતે સ્નાન કર્યું અને કપડાને પણ સારી રીતે સાફ કરી ધોઇ નાંખ્યું.સાંજે એ કપડામાંથી દીવા માટેની વાટો બનાવી ભગવાનને પ્રાર્થના કરી કે, '' હે ભગવાન જેવી રીતે આ દીવો પ્રકાશ આપી રહ્યો છે,તેવી રીતે જે માતાએ દીવા માટે આ કાપડ આપ્યું છે તેના હ્રદયમાં પણ જ્ઞાનનો પ્રકાશ પાથરજો.''

સાચા સંત એને કહેવાય જે પોતાના પ્રત્યે દુર્વ્યવહાર કરનાર પ્રત્યે પણ મનમાં નફરતનો ભાવ લાવ્યા વગર સહેજ પણ વિચલિત થયા સિવાય પરોપકારમાં જોડાયેલા રહે.આ સંતે પણ આવો રાહ અપનાવ્યો અને કેટલાય લોકોને હકારાત્મક ચિંતન કરાવ્યું.

www.sahityasafar.blogspot.com