♥ માનસિક બિમારી ♥

માણસની મોટા ભાગની બીમારી 'માની લીધેલી'
અને માનસિક હોય છે.દુનિયામાં એવા પણ પ્રસંગો બનેલા છે કે ઘરમાં આગ લાગી હોય તો પક્ષાઘાતનો રોગી જાતે જ ચાલીને બહાર આવી ગયો હોય અને કોઈ આશ્ચર્ય સાથે એને પેલા પક્ષાઘાતની યાદ અપાવે તો પાછો એ ધબ દઇને પડી જતો હોય છે.

★ બર્નાર્ડ શોના જીવનનો આ એક રસપ્રદ પ્રસંગ છે. એમણે પોતે જ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે.
એકવાર અચાનક એમને છાતીમાં દુખાવો શરૃ થયો. મધ્યરાત્રિનો સમય હતો. ફેમિલી ડોક્ટરને એમણે ફોન કર્યો કે મને હૃદયમાં દુખાવો શરૃ થયો છે. 'એટેક' જેવું તો કંઇ નહીં હોય ને ?

ડોક્ટર બર્નાર્ડ શૉના કુટુંબ સાથે વર્ષોથી સંબંધિત હતા. વૃધ્ધ થઇ ગયેલા છતાં આવી કોઈપણ જરૃરત ઊભી થાય તો બર્નાર્ડ શો એમને જ
બોલાવતા. મધરાત પછીનો સમય એટલે માંડ માંડ ઊંઘમાંથી ઊઠી ડોક્ટર મિ. શૉને ત્યાં વિઝિટમાં ગયા. બર્નાર્ડ શો ત્યારે ત્રીજા માળે રહેલા એટલે આ બુઢ્ઢા ડોક્ટર માંડ માંડ સીડીઓ ચઢી મિ.
શૉના ઘરમાં ગયા. શ્વાસ ચઢી ગયેલો. છાતી ધમણની જેમ ચાલતી હતી. ઘરમાં દાખલ થતાં જ ડોક્ટર ત્યાં પડેલી ખુરશીમાં ફસડાઈ પડયા.

બર્નાર્ડશોને નવાઈ લાગી. એ પોતે જ હૃદયની બીમારીના કારણે પથારીવશ હતા. એમાં આવતાની સાથે જ ડોક્ટર પણ બેભાન જેવા થઇ ગયા. એટલે મિસ્ટર શૉ ચિંતામાં પડી ગયા. પથારી છોડી એ પોતે ઊભા થયા. ડોક્ટરની પાસે બેઠા. એમને પાણી આપ્યું. પંખો નાખ્યો. પીઠ પંપાળી અને પૂરા અડધા કલાક સુધી એમની સેવાચાકરી કરી અને પોતે એ ભૂલી જ ગયા કે ખુદને આવેલા હાર્ટ એટેકના અનુસંધાનમાં જ આ ડોક્ટર એમની સારવાર માટે આવ્યા છે.

બન્યું એવું કે મિ. શૉએ જ સામેથી આ ડોક્ટરની સારવાર કરવી પડી. પંદર વીસ મિનિટ પછી ડોક્ટરે આંખ ખોલી અને કહ્યું કે હવે મને થોડી રાહત જેવું લાગે છે. એ પછી પંદરેક મિનિટ બન્નેની વાતો ચાલ્યા કરી. ઊઠતી વખતે ડોક્ટરે મિ. શો પાસે
વિઝિટના પૈસા માગ્યા. એટલે બર્નાર્ડ શોએ કહ્યું - 'ફી શેની ? ઊલટાની મારે જ તમારી સેવાચાકરી કરવી પડી છે ! મારો તો કોઈ ઇલાજ તમે કર્યો નથી.'

ડૉક્ટરે પૂછ્યું - 'તમને હવે કેવું લાગે છે ?'

બર્નાર્ડ શો એ કહ્યું - 'હું તો બરાબર છું. મને અત્યારે ખાસ કોઈ તકલીફ નથી.'

ડોક્ટરે કહ્યું - 'તમને ભલે ખ્યાલ ન હોય. પણ
મેં તમારો ઇલાજ કર્યો છે. અચાનક આ રીતે તમારી સામે છેલ્લા શ્વાસ ખેંચતો હોઉં એવું 'નાટક' કરીને મેં તમારી ટ્રીટમેન્ટ કરી છે. હું તમને વર્ષોથી જાણું છું અને મને એ ખ્યાલ છે કે નાની સમસ્યા સામે કોઈ મોટી સમસ્યા ઊભી કરવામાં આવે તો આપોઆપ પહેલી સમસ્યા ગૌણ બની જાય છે. કહો, તમારા ઘરમાં કોઈ માણસની જાન જતી હોય તો તમને માથાનો દુખાવો કે સાંધાની તકલીફ
યાદ આવે ખરી ? અનેક કિસ્સામાં એવું બનતું
હોય છે કે પત્ની ઘરમાં બીમાર પડી હોય, ઊઠીને ઊભા થવાની પણ તાકાત ન હોય. રસોઈ પાણી કે બીજું ઘરકામ તો બાજુ પર રહ્યું, ઊલટાની પત્નીની જ સેવા ચાકરી કરવી પડે એવી પરિસ્થિતિ હોય. એવામાં અચાનક ફોન આવે કે ક્યાંકથી સંદેશો મળે કે પત્નીના પિતાજી સખત બીમાર છે અને
એમને હાર્ટએટેક આવ્યો છે. કેસ સિરિયસ થતો જાય છે તો શું પત્ની અચાનક ઊભી થઇને સખત ઉતાવળ સાથે પિતાને મળવા નહીં જાય ? એ વખતે એની બધી જ તકલીફ ચાલી જશે. પિતા જો સિરિયસ હશે તો પૂરા જોમ સાથે એમની સેવા ચાકરી ને અન્ય દોડાદોડી પણ કરશે. એ વખતે એને યાદ પણ નહીં આવે કે પોતાને કશીક તકલીફ છે !'

→ માણસની મોટા ભાગની બીમારી 'માની લીધેલી' અને માનસિક હોય છે. દુનિયામાં એવા પણ પ્રસંગો બનેલા છે કે ઘરમાં આગ લાગી હોય
તો પક્ષાઘાતનો રોગી જાતે જ ચાલીને બહાર આવી ગયો હોય અને કોઈ આશ્ચર્ય સાથે એને પેલા પક્ષાઘાતની યાદ અપાવે તો પાછો એ ધબ દઇને પડી જતો હોય છે. ચિકિત્સક જો દરદીના મનમાં દ્રઢ થયેલી ગ્રંથિને પૂરા આત્મવિશ્વાસ સાથે તોડી શકે તો મોટા ભાગના કેસમાં સફળ થવાની શક્યતા વધી જાય છે. ભારતીય પરંપરા પ્રમાણે ચિકિત્સા એ માત્ર વ્યવસાય નહીં પણ એક કલા છે. જે ચિકિત્સક આ કળાને સમજી એમાં નિપુણ
થઇ શકે તે ભલભલા રોગ સામે ઝીંક ઝીલી,
દરદીને એમાંથી બહાર લાવી શકે છે.

★ ક્રાન્તિબીજ ★

→ જે દિવસથી તમારી નજીકની વ્યક્તિ તમારા પર ગુસ્સો કરવાનું છોડી દે, ત્યારે તમારે સમજી લેવું કે તમે એ વ્યક્તિને ગુમાવી દીધી છે.

♥ સ્પાર્ક - વત્સલ વસાણી ♥