♠ સૌથી સુંદર ફૂલ ♠

કિશનગઢના રાજાના મુખ્ય સલાહકારનું અણધાર્યું અવસાન થયું. રાજાનામુખ્ય સલાહકાર સદૈવ પ્રજાહિતને જોનારા અને રાજાને સાચી સલાહ આપનારા હતા. પરિણામે પ્રજા ખૂબ સુખી હતી અને લોકો રાજ પ્રતિ વફાદાર હતા.

હવે રાજા સમક્ષ વિકટ પ્રશ્ન ઊભો થયો. રાજનું હિત ઇચ્છનારો અને પ્રજાનું કલ્યાણ ચાહનારો સલાહકાર મેળવવો ક્યાંથી ? આને માટે રાજાએ દિવસોના દિવસો સુધી વિચાર કર્યો અને છેવટે નક્કી કર્યું કે પોતાના દરબારમાંથી જ કોઈ યોગ્ય વ્યક્તિને શોધીને મુખ્ય સલાહકારના પદે નિયુક્ત કરવો.

એક દિવસ રાજાએ ભરદરબારમાં સહુને પ્રશ્ન કર્યો,  'જગતમાં સૌથી વધુ સુંદર ફૂલ કયું કહેવાય ?'

રાજાના મુખ્યમંત્રીએ તત્કાળ કહ્યું, 'મહારાજ, ગુલાબનું ફૂલ સૌથી સુંદર કહેવાય. એ ફૂલોમાં મહારાજા છે. એનાં પર કવિઓએ કેટલાય કાવ્યો રચ્યાં છે. કોઈ માનસન્માન હોય કે કોઇનું અવસાન હોય, ત્યારે ગુલાબનો હાર પહેરાવવામાં આવે છે.'

રાજકવિએ કહ્યું, 'મહારાજ, જગતમાં શ્રેષ્ઠ ફૂલ તો કમળનું. એ કાદવમાં ખીલે છે, પણ એની શોભા અનુપમ ગણાય છે. કવિઓએ સુંદરતાના વર્ણન માટે હંમેશાં કમળની ઉપમા આપી છે. ખરું સૌંદર્ય શોધવું હોય તો કમળમાં મળે.'

આ સમયે એક ખુશામતખોર મંત્રીએ વિચાર્યું કે રાજાની મહેરબાની મેળવવી હોય તો ચંપાના ફૂલની વાત કરવી પડે. કારણ કે રાજાને એની સુગંધ અતિપ્રિય છે. આથી એણે કહ્યું, 'મહારાજ, ગુલાબ તો ઠીક, કમળની પણ શી વિસાત ? ચંપો એટલે ચંપો ! એની પાસેથી પસાર થાવ અને મનને સુગંધથી તરબતર કરી દે.'

રાજા મંત્રીનો હેતુ પામી ગયા. એમને આવા ખુશામતખોર સલાહકારની જરૃર નહોતી. રાજસભામાં કોઈએ મોગરાના ફૂલને સૌથી શ્રેષ્ઠ કહ્યું, તો કોઇએ રાતરાણીનો મહિમા કર્યો. દરબારના વૃદ્ધ અનુભવી મંત્રીએ કહ્યું, 'મહારાજ, જગતમાં સૌથી વધુ સુંદર ફૂલ તો કપાસનું ગણાય.'

આ સાંભળીને કેટલાક દરબારીઓ ખડખડાટ હસી પડયા. કોઇએ કહ્યું કે કેવી વાત ? કપાસ ન તો સુંદર છે કે ન તો સુગંધિત છે. એને સૌથી સુંદર ફૂલ કહેવું એ તો નરી બેવકૂફી કહેવાય.

રાજાએ વૃદ્ધ દરબારીને પૂછ્યું, 'તમને કપાસનું ફૂલ કેમ સૌથી સુંદર લાગે છે ?'

વૃદ્ધ દરબારીએ કહ્યું, 'મહારાજ, આ ફૂલ એવું છે જે સહુને સમાન રીતે ઉપયોગમાં આવે છે. એમાંથી કપડાં બને છે અને એ વસ્ત્રો રાજા હોય કે રંક, અમીર હોય કે ગરીબ - સહુના તનને ઢાંકે છે. આથી સહુને ઉપયોગી ફૂલ તો કપાસનું.'

વૃદ્ધ મંત્રીનો ઉત્તર સાંભળીને રાજાએ વિચાર્યું કે આ એવો મંત્રી છે, જે પોતાનો નહીં પણ સહુનો વિચાર કરે છે. એમને આખા રાજ્યનું હિત જોનારા સલાહકારની શોધ હતી, તેથી આ વૃદ્ધ મંત્રીને એમણે મુખ્ય સલાહકાર તરીકે ઘોષિત કર્યો.