♠ બે કુહાડીઓ ♠

એક ગામમાં ગરીબ કઠિયારો રહેતો હતો. તે મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.

આ કઠિયારાએ એકવાર લોખંડનો ટુકડો ખરીદી એક લુહાર પાસે જઈ આ લોખંડના ટુકડામાંથી બે કુહાડી બનાવી આપવાનું કહ્યું.

લુહારે તે લોખંડના ટુકડામાંથી સરસ મજાની બે કુહાડીઓ બનાવી કઠિયારાને આપી.

કઠિયારાએ તે બે કુહાડીઓમાંથી એક ને ઘરના ખુણામાં મુકી દીધી. બીજી કુહાડી લઈ તે લાકડા કાપવા જંગલમાં ચાલ્યો ગયો.

થોડા દિવસ પછી કઠિયારાએ એક દિવસ પોતે જે કુહાડી વાપરતો હતો તે કુહાડીને તેણે ઘરના ખૂણામાં મૂકી.

ખૂણામાં પડેલી વણવપરાયેલી કુહાડીએ જોયું કે મારી સાથે જે કુહાડી બની હતી તે આટલી બધી કેમ ચમકે છે ? અને હું કેમ તેજ વગરની છું ?

તેણે તે કુહાડીને પૂછ્યું : ''અરે, આપણે બંને લોખંડના ટુકડામાંથી એક સાથે જ બની છતાં તું ચમકે છે. જ્યારે હું કાટી ગઈ ! આમ કેમ ?''

વપરાતી કુહાડીએ જવાબ આપ્યો : ''મને બનાવ્યા પછી હું સતત કામમાં આવું છું. કઠિયારો, મારો ઉપયોગ કરે છે. હું ઘસાઉં છું તેથી મારામાં ચમક છે. તું બની ત્યારથી એક ખૂણામાં પડી રહે છે. કંઈ ઉપયોગમાં આવતી નથી. તેથી તારા પર કાટ ચડી ગયો છે, અને જો તારો ઉપયોગ નહીં થાય તો હજુ પણ વધારે કાટ ચડી જશે !''

માણસ પણ મહેનત કરી, સારા કામ કરી, શરીરે ઘસાઈ, પરિશ્રમ કરીને ચમકે છે. તેથી ચમક ચારેબાજુ ફેલાય છે. જે આળસમાં પડયો રહે છે તેની કોઈ કિંમત થતી નથી. તેની ચમક અને તેજ પણ ચાલ્યાં જાય છે. માણસે સતત કામ કરતા રહેવું જોઈએ. મહેનત કરે તે સુખી થાય છે.