♠ માનવસેવા ♠

પહેલાના સમયમાં નાગાર્જુન પ્રખ્યાત રસાયણ-શાસ્ત્રી હતાં. તે નવી નવી દવાઓ રસાયણોની શોધ કરતા. તેને પોતાના કામ માટે એક સહાયક માણસની જરૃર હતી. તેણે રાજાને વાત કરી. રાજાએ બીજા દિવસે બે યુવાનોને નાગાર્જુન પાસે મોકલ્યાં.

બંને યુવાનો હોંશિયાર હતા. બંનેનો અભ્યાસ સરખો હતો. બેમાંથી એકની પસંદગી કરવાની હતી.

નાગાર્જુને બંને યુવાનોને એક-એક પદાર્થ આપ્યો અને કહ્યું : ''તમારે તમારી ઈચ્છા પ્રમાણે આ પદાર્થોમાંથી રસાયણ બનાવી આવતીકાલે મારી પાસે આવવાનું છે. પરંતુ અત્યારે તમારે રાજમાર્ગ પરથી પોતપોતાના ઘરે જવાનું છે.''

બંને યુવાન પદાર્થ લઈ ચાલતાં થયાં. બીજા દિવસે બંને યુવાનો નાગાર્જુન પાસે આવ્યા. એક યુવાન ખુશ હતો જ્યારે બીજો યુવાન મૂંઝવણમાં હોય તેવું લાગતું હતું.

પહેલા યુવાને હસતાં હસતાં કહ્યું : 'હા, મેં પદાર્થમાંથી રસાયણ તૈયાર કર્યું છે.' નાર્ગાજુને તે રસાયણ તપાસ્યું. તેણે કેટલાક પ્રશ્નો પૂછ્યાં. પ્રશ્નોનાં ખરા જવાબો હતાં. ત્યારપછી નાગાર્જુને બીજા યુવકને કહ્યું : 'તે પદાર્થનું શું કર્યું ?'

બીજો યુવાન રડવા જેવો થઈ ગયો. તેણે કહ્યું : ''હું પદાર્થનો ઉપયોગ કરી શક્યો નથી. કારણ કે અહિયાથી કાલે રાજમાર્ગ પરથી હું પસાર થતો હતો ત્યારે ઝાડ નીચે એક બીમાર અને વૃદ્ધ માણસ રડી રહ્યો હતો. કોઈ તેમની પાસે ન ગયું. તેથી હું તેમની પાસે ગયો અને તેને મારા ઘરે લઈ આવ્યો અને આખો દિવસ તેમની સેવા કરી. આજે તેને સારૃ થઈ ગયું છે. આ વૃદ્ધની સેવા કરવા જતાં પદાર્થમાંથી રસાયણ બનાવી શક્યો નથી. તો મને માફ કરશો.''

આ સાંભળી નાગાર્જુન ખુશ થઈ ગયાં. તેણે કહ્યું : 'હું તને મારો સહાયક બનાવું છું.'

રાજાને કાને આ વાત પહોંચી કે જેણે રસાયણ બનાવ્યું તેને પસંદ કરવાને બદલે જેણે રસાયણ નથી બનાવ્યું તેને સહાયક તરીકે પસંદ કર્યો છે !

રાજાએ આ અંગે નાર્ગાજુનને પ્રત્યક્ષ મળી પૂછ્યું. નાગાર્જુને રાજાને કહ્યું : 'રાજાજી, મે યોગ્ય પસંદગી કરી છે. જે યુવાને રસાયણ નથી બનાવ્યું તેમણે માનવતા બતાવી છે. મને પહેલેથી જ ખબર હતી કે રાજમાર્ગના ઝાડ નીચે એક વૃદ્ધ, બીમાર માણસ પડયો છે. તેથી જ બંને યુવાનોને ત્યાંથી જવાનું કહ્યું હતું. રસાયણ તો ગમે તે વ્યક્તિ બનાવી શકે. પરંતુ બીમારની સેવા કરે તેવા તો ખૂબ જ ઓછા હોય છે. મારા જીવનનું ધ્યેય માનવ સેવા છે. મારે આવા યુવાનની જ જરૃર હતી. તેથી જ માનવ સેવા કરનાર યુવાનની પસંદગી કરી છે.' નાગાર્જુનની વાત સાંભળી રાજા ખુશ થઈ ગયાં.

- હસમુખ રામદેપુત્રા
- Gujrat Samachar