♠ ગુરુ દ્રોણનું પ્રશિક્ષણ ♠

મહાભારતનો એક અજાણ્યો પ્રસંગ રજુ કરું છું મિત્રો.....જરૂર વાંચજો અને શેર કરજો...

આચાર્ય દ્રોણ કૌરવો અને પાણ્ડવોને એક સમાન રીતે બધી વિદ્યાઓનું પ્રશિક્ષણ આપતા. એમની વાણીમાં ઓજસ્વીપણું હતું. એમના વ્યવહારમાંથી વાત્સલ્ય ટપકતું હતું અને વ્યક્તિત્વથી પ્રભાવશાળીપણું પ્રગટતું હતું. વેદ અને ઉપનિષદ સાથે તે કલા-કૌશલ્ય પણ શીખવતા હતા. આ સાથે સદ્ગુણોની કેળવણી થાય તે માટે જીવન
ટકાવી રાખનાર ધર્મના સંસ્કાર પણ આપતા. આચાર્ય દ્રોણનો એવો પ્રયત્ન રહેતો કે વિદ્યાર્થીનો સર્વાંગીણ વિકાસ થાય.

એક દિવસ બધા જ શિષ્યોની સન્મુખ બેસી તે જ્ઞાાનોપદેશ આપી રહ્યા હતા.

તેમણે વિદ્યાર્થીઓને સમજાવ્યું-
''વિદ્યાર્થીએ જિતેન્દ્રિય રહેવું જોઈએ. કામ- ક્રોધ- લોભ જેવા વિકારો પર કાબૂ મેળવતા શીખવું જોઈએ. એણે ક્યારેય પણ ક્રોધ ન કરવો જોઈએ. ક્રોધ માનવીને આંધળો બનાવી દે છે એનાથી એ
વિવેકશૂન્ય બની જાય છે. વિવેકશૂન્ય માનવી કોઈ પણ પ્રકારનો યોગ્ય નિર્ણય લઈ શકતો નથી. સમયસર સમ્યક્ નિર્ણય ન લઈ શકે તે પોતાને
હાનિ પહોંચાડે છે. એટલે એને મોટો શત્રુ સમજવો જોઈએ અને એના પર વિજય મેળવવાની શક્તિ કેળવી લેવી જોઈએ. મેં જે કહ્યું છે તેને બરાબર યાદ રાખજો અને જીવનમાં ઉતારજો.''

બીજે દિવસે સવારે નિત્યક્રમ પ્રમાણે બધા વિદ્યાર્થીઓ એકત્રિત થયા. ગુરુ દ્રોણાચાર્ય પધાર્યા એટલે બધા ઊભા થઈ એમનું સન્માન કર્યું અને
પ્રણામ કર્યા. ગુરુ નવી બાબતનું પ્રશિક્ષણ આપે તે પહેલાં પાછલા દિવસે જે શીખવ્યું હોય તે કેટલું આવડયું અને જે જ્ઞાન આપ્યું હોય તેમાંથી કેટલું યાદ રહ્યું તે પણ પૂછી લેતા. આ રીતે તેમણે
ગઈકાલની વાત કેટલી યાદ રહી તે વિશે પૂછવા માંડયું.

વારાફરતી જુદા જુદા વિદ્યાર્થીઓને તે પૂછતા ગયા અને તે ગુરુએ કહેલો ઉપદેશ બોલી જતા. આમ કરતાં તેમણે યુધિષ્ઠિરને ઊભા કર્યા અને તે વિશે બોલી જવા કહ્યું. યુધિષ્ઠિર કંઈ પણ બોલ્યા વિના મોં નીચું રાખી ઊભા રહ્યા. ગુરુ દ્રોણને નવાઈ
લાગી કેમ કે, યુધિષ્ઠિર તો ભણવામાં બીજા બધા કરતા વધુ હોંશિયાર હતા અને અઘરામાં અઘરી વસ્તુ પણ યાદ કરી લેતા હતા. ગુરુ થોડા નારાજ થયા અને એમને ઠપકો આપી. બીજે દિવસે તે અચૂક યાદ કરી લાવવા કહ્યું.

બીજે દિવસે તેમને બોલવા ઊભા કર્યા તો ય તેનું તે જ ! કંઈ બોલ્યા વિના મોં નીચું રાખી ઊભા રહ્યા. ગુરુએ માંડ માંડ ગુસ્સો કાબૂમાં રાખ્યો અને તેમને
ધમકાવવા લાગ્યા - ''યુધિષ્ઠિર ! તું આવો આળસુ ક્યારથી બની ગયો ? તારી પાસે મેં આવી આશા રાખી નહોતી. ગમે તેમ કરીને આજે યાદ રાખી લે - કાલે તારે બોલ્યા વિના છૂટકો જ નથી !''

ત્રીજા દિવસે ગુરુ દ્રોણાચાર્યએ યુધિષ્ઠિરને ફરીથી એમને ઉપદેશ વિશે બોલવા કહ્યું, પણ યુધિષ્ઠિરે એવો જ જવાબ આપ્યો, ''મેં એ વાતને યાદ
રાખવાનો પૂરો પ્રયત્ન કર્યો પણ મને લાગે છે કે એ વાત હજુ બરાબર યાદ રહી નથી.''

આ સાંભળીને ગુરુ દ્રોણાચાર્યનો રોષ જ્વાળામુખીની જેમ ભભૂકી ઊઠયો અને બોલી ઊઠયા- ''યુધિષ્ઠિર ! હવે તો હદ થઈ ગઈ ! તને શરમ આવવી જોઈએ. કદાચ, તારે યાદ જ રાખવું નથી એમ લાગે છે તને
યાદ રખાવવાનો મારી પાસે એક શ્રેષ્ઠ ઉપાય છે.'' તે ઊભા થયા અને યુધિષ્ઠિરને ગાલે એક લાફો મારી દીધો અને તેના કાન આમળીને કહેવા લાગ્યા -

''બોલ, હવે તો યાદ રહી ગયું કે નહીં ?'' યુધિષ્ઠિરે હસીને કહ્યું, ''હા, ગુરુદેવ ! હવે તો બરાબર યાદ રહી ગયું છે.'' ગુરુએ કહ્યું માર પડયો એટલે કેવું યાદ રહી ગયું ?

'સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ધમધમ.'
વાળી કહેવત તે સાચી પાડી !''

યુધિષ્ઠિરે મંદ સ્મિત કરતા કહ્યું, ''ના ગુરુદેવ ! એવું નથી. તમે કહેલ વાત તો મને સાંભળતા વેંત યાદ રહી ગઈ હતી. તમે કહ્યું હતું કે, માનવીએ ક્યારેય ક્રોધ કરવો જોઈએ નહીં. એનાથી શું હાનિ થાય છે તે પણ સમજાવ્યું હતું. પહેલે દિવસે મને શંકા હતી કે અપમાન અને અવમાનની સ્થિતિમાં એ વાત યાદ ન પણ આવે કે ક્રોધ ના કરવો જોઈએ.

બીજા દિવસે પણ મને એ વાતનો વિશ્વાસ નહોતો કે હું એવા સંજોગો આવી પડે ત્યારે ક્રોધ કર્યા વિના રહી શકું. પણ આજે એ અવસર આવી ગયો. તમે મને તમાચો માર્યો અને ઠપકો આપ્યો ત્યારે પણ હું ક્રોધ કર્યા વિના રહી શક્યો ત્યારે મને ખાતરી થઈ ગઈ કે ગમે તે સંજોગોમાં પણ ક્રોધને વશ ન થવું જોઈએ એ વાત મને પૂર્ણપણે યાદ રહી ગઈ છે.''

દ્રોણાચાર્ય ઊભા થઈને યુધિષ્ઠિરને ભેટી પડયા અને તમામ વિદ્યાર્થીઓને ઉદ્દેશીને કહેવા લાગ્યા,

'' તમારા બધામાં માત્ર યુધિષ્ઠિરે જ વિદ્યાનો ખરો મર્મ જાણ્યો છે. કોઈ બાબતનું માત્ર સ્મરણ કરી લેવું મહત્ત્વનું નથી, એને જીવન વ્યવહારમાં ઉતારવી એ ખાસ મહત્ત્વનું છે વિચાર અને વાણી સાથે વર્તનમાં પણ એ બાબત પ્રગટ થાય ત્યારે
સાચી સિદ્ધિ મળી કહેવાય ! ''

~ વિચાર વિથીકા - દેવેશ મહેતા ~