♠ આદતોના ગુલામ ♠

લગભગ પચાસ- સાઠ વર્ષ પહેલાંની એક
વાત છે પણ ઘણી સમજવા જેવી છે અને આજે
પણ તે એટલી કામની છે. વાત એક પ્રખર
ધારાશાસ્ત્રીની છે.

તેમની ખ્યાતિ દેશભરમાં પ્રસરેલી હતી.
તેમની કારકિર્દીમાં તેઓ ક્યારેય કોઇ
કેસમાં હાર્યા ન હતા. તેઓ કેસ હાથમાં લે
એટલે અસીલ સમજી જાય કે હવે કેસ
જીતાવાનો પછી તે ભલેને ગમે
તેટલો લૂલો દેખાતો હોય. દેશના ત્રણ
મુખ્ય શહેરોમાં તેમની ઓફિસો હતી અને
ઘણીવાર તો કેટલાક લોકો તેમને
લંડનની પ્રિવી કાઉન્સિલ સુધી કેસ
લડવા માટે લઇ જતા હતા. આ વકીલ
કાયદાના ઊંડા અભ્યાસી હતા એટલું જ
નહિ પણ સામા પક્ષની નબળી કડીને
પકડી લેવાની તેમનામાં ગજબની સૂઝ
હતી અને તેને લીધે તે ક્યારેય કોઇ કેસ
હારતા નહિ. વકીલની આવી ખ્યાતિને
કારણે તેમની પાસે
ઘણા અટપટા કેસો આવતા હતા અને
લોકો તેમને માગી ફીઝ આપતા હતા.
આવા અભ્યાસી અને ખ્યાતનામ વકીલને
એક નાનકડી અને કંઇ મહત્વની પણ
કહી શકાય નહિ તેવી એક ટેવ હતી. તેઓ કેસ
ચલાવતી વખતે દલીલોના દાવપેચ
લગાવતા હોય ત્યારે તેઓ
તેમના કાળા કોટના વચલા બટનને
ફેરવ્યા કરતા રહે. જ્યારે તેઓ
દલીલમાં ક્યાંક મૂંઝાય ત્યારે તેઓ
ઝડપથી બટન ફેરવવા લાગતા હતા અને
થોડીક વારમાં તો તેઓ એવી સચોટ
દલીલ લઇને આવે કે સામા પક્ષના વકીલને
તેનું ખંડન કરવાનું મુશ્કેલ બની જાય.
આ ટેવ એટલી સામાન્ય અને સહજ હતી કે
તેના ઉપર વકીલનું ક્યારેય ધ્યાન ગયેલું
નહિ અને તેનું તેમને કે અન્યને કંઇ મહત્વ પણ
નહિ લાગેલું કારણ કે દલીલો મગજમાંથી
આવતી હોય અને
કોટના બટનમાંથી તો નીકળતી ન હોય.
એક વખત સાચા પક્ષના એક વિચીક્ષણ
વકીલનું ધ્યાન આ પ્રખર
ધારાશાસ્ત્રીની આ ટેવ તરફ ગયું. તે ટેવનું
નિરીક્ષણ કર્યા પછી તેમણે એક પ્રયોગ
કરવાનું મનોમન નક્કી કર્યું. એક વખત જ્યારે
તે ધારાશાસ્ત્રીની સામે કેસ
લડવાનો પ્રસંગ ઉપસ્થિત થયો ત્યારે તે
વકીલે ધારાશાસ્ત્રીના મદદનીશને ગમે તે
રીતે વિશ્વાસમાં લઇને ધારાશાસ્ત્રી કેસ
લડવા માટે અદાલત સમક્ષ આવે ત્યારે
તેમના કાળા કોટનું એ બટન
તોડી નાખવા માટે સંમત કરી લીધો અને
આ કીમિયો ઘણો કારગત નીવડયો. આ કેસ
એટલો અટપટો ન હતો છતાંય હાથ બટન
ઉપર ગયો ત્યારે ત્યાં બટન મળે
નહિ તેથી તેમને કંઇ સમજાય
નહિ એવી બેચેની થઇ અને તે
મહત્વની દલીલો કરવાનું ચૂકી ગયા.
વાતનું વિવરણ કરીએ
તો કાળા કોટના બટનમાં દલીલો ભરેલી રહેતી નહિ પણ
ધારાશાસ્ત્રી બટન
ફેરવવાની આદતથી મજબૂર હતા. એ
આદતનો આધાર તૂટી જતા તેઓ
દલીલોમાં આગળ- પાછળ
થતા ગયા પરિણામે કેસ ગૂમાવ્યો.
વાંધો આદતનો ન હતો પણ
આદતની ગુલામીનો હતો.
આદતો તો સારી હોય અને ખોટીય હોય
પણ આદત એટલે આદત. તેનું આપણા ઉપરનું
વર્ચસ્વ ખોટુ. આદતો ઉપર જો આપમું
આધિપત્ય હોય તો તે આદતો આપણને એટલું
નુકસાન કરી શકતી નથી. આદત એટલે જ
ગુલામી. જે માણસ આદતને અધીન
નથી હોતો તે ગમે ત્યારે આદતને ફગાવીને
એનાથી વિમુકત થઇને પોતાનો પથ
બદલી શકે છે.
આદત માત્ર ખોટી છે. એમ
માની લેવાની જરૃર નથી. માણસ માત્રને
કંઇને કંઇ ટેવ હોય છે. સૌને પોતાની ટેવ ગમે
તે સ્વભાવિક છે અને બીજાની કઠે. કઇ
આદતને સારી કહેવી અને કઇ આદતોને
ખોટી કહેવી એ વાત બહુ સાપેક્ષ છે. આ
વાત સાપેક્ષ છે એટલું જ નહિ પણ ઘણે અંશે
વ્યક્તિગત છે. મોટે ભાગે
લોકો પોતાની આદતોની પ્રશંસા કરતા હોય
છે. બીજાની ટેવોને વખોડતા રહે છે.
સિગરેટ- બીડીની આદતને સૌ વખોડે છે પણ
મનોવિજ્ઞાાનીઓ તો ત્યાં સુધી કહે છે કે
જો ધર્મની ક્રિયાઓ પણ
જીવનમાં જો આદત જેવી બની જાય છે
તો તેમાંથી જે મળવો જોઇએ તેવો લાભ
મળતો નથી.
પ્રશ્ન સારી કે ખોટી ટેવનો કે
આદતનો નથી પણ
આદતોની ગુલામીનો છે. આદતો સામે
જો મોટો વાંધો હોય
તો તેના વર્ચસ્વનો. માણસની ટેવ ગમે તે
હોય પણ જો તે તેનો ગુલામ ન હોય,
તેના વર્ચસ્વ હેઠળ ન હોય તો માણસ માટે
આદત છોડવાનું એટલું મુશ્કેલ નથી બનતું જે
ક્ષણો તેને લાગે કે તેની ટેવ ખોટી છે અને
નુકસાન કરનારી છે ત્યારે તે તેનાથી મુક્ત
થઇને પોતાનો જીવનનો માર્ગ બદલીને
અન્ય પથ પકડીલે છે અને જીવનમાં ક્યારેય
ન ધાર્યું હોય એટલી સિદ્ધિઓ પ્રાપ્ત
કરી લે છે.
ભગવાન બુદ્ધે- હોશપૂર્વક જીવન
જીવવાની વાત કરી. બુદ્ધે કહ્યું જે કંઇ
કરો તે હોશપૂર્વક કરો. કોઇ પણ વસ્તુ
બેહોશીમાં કરવી નહિ. હોશથી જીવનાર
ભાગ્યે જ કંઇ ખોટું કરે છે. હોશપૂર્વક
જીવનારના જીવનમાં જો કંઇ આદત હશે
તો તે તેનો સદુપયોગ કરી લેશે અને તેને
પગથિયું બનાવીને તે ઉપર ચઢી જશે. કારણ
કે તેની આદતની પાછળ
હોશની ધારા વહેતી હોય છે. આદતનું
જીવન એ પ્રમાદનું જીવન છે. ભગવાન
મહાવીરે તેમની અંતિમ દેશમાના ગૌતમ
સ્વામીને વારંવાર કહ્યું કે જીવનની એક
પણ પળ પ્રમાદમાં ન ગુમાવીશ પ્રમાદનું
જીવન એટલે જાગરૃકતા વિનાનું જીવન
આવું જીવન કષાયો પ્રેરિત હોય છે. જે અંતે
નિષ્ફળ જાય છે.