♠ સોક્રેટિસ ♠


સોક્રેટિસ અત્યંત કદરૃપા હતા. માથા પર
ટાલ, ચપટું નાક, ગોળ ચહેરો, ચાઠાવાળી ત્વચા અને ઘૂંટણ સુધી લટકતું વિલક્ષણ પહેરણ. આ લક્ષણોને આધારે એથેન્સની સડકો પર ફરતા એમને સહેલાઇથી ઓળખી લેવાતા. તે અત્યંત
વિદ્વાન અને તત્વચિંતક હતા.

માનવજીવનની વિવિધ સમસ્યાઓનું સમાધાન મેળવવા એમના અનેક શિષ્યો એમની પાછળ ફરતા. એમના શિષ્યોમાં અનેક પ્રતિભાશાળી પણ હતા. એમાંના એક પ્લેટો પણ હતા જે પાછળથી વિશ્વવિખ્યાત પણ થયા. સોક્રેટિસે આત્મજ્ઞાાન પર બહુ ભારમૂક્યો હતો. તે કહેતા હતા- પોતાને જાણો.
સ્વયંની ઓળખ કરો. જો માનવી પોતાનું અને ધર્મનું વાસ્તવિક સ્વરૃપ જાણી લે તો તે ચોક્કસપણે ધર્મનિષ્ઠ બનવાનો પ્રયત્ન કરશે. સત્યનું જ્ઞાાન જ પુણ્ય છે અને એનું જ્ઞાાન ન હોવું તે પાપ છે.

સોક્રેટિસનો જન્મ એથેન્સમાં ઇ.સ. પૂર્વે ૪૭૦/૪૬૯માં થયો હતો. જો કે એમને વાંચવા- લખવાની ખાસ સુવિધા ઉપલબ્ધ ન થઇ શકી તેમ છતાં એમણે પોતાના આત્મજ્ઞાાનના બળે શ્રેષ્ઠ વિદ્વત્તા પ્રાપ્ત કરી લીધી હતી.

સોક્રેટિસ જેટલું કોઇની પાસે ભણ્યા કે શીખ્યા એના કરતાં વિશેષ એમણે જાતે ચિંતન અને મનન કર્યું હતું. તે જગતને જ એક શ્રેષ્ઠ શાળા માનતા હતા અને જીવનના અનુભવોને સાચું શિક્ષણ ! આ
સંસારરૃપી શાળામાં મહાત્મા સોક્રેટિસે જે અનુભવ મેળવ્યા હતા એ જ એમની એક માત્ર સંપત્તિ હતી. એમણે ક્યારેય કોઇ ધનસંચય કર્યો નહોતો. એવી ઇચ્છા જ ધરાવી નહોતી !

તે કહેતા હતા-જ્ઞાાનથી ચડિયાતી બીજી કશી સંપત્તિ હોઇ શકે ? એનો બહુ થોડો અંશ મને પ્રાપ્ત
થયો છે. એનાથી મારા આત્માને સાચું સુખ અને શાંતિ મળે છે. એના સિવાય મારે બીજી કોઇ સંપત્તિ જોઇતી નથી.'

સોક્રેટિસ અત્યંત વિનમ્ર સ્વભાવના હતા.
અહંકાર તો એમને કદી સ્પર્શી શક્યો નહોતો. કોઇ એમને 'તમે અત્યંત જ્ઞાાની છો' એમ કહી એમની પ્રશસ્તિ કરવાનો પ્રયત્ન કરે તો તે કહેતા હતા - 'હું જાણું છું કે હું કંઇ જાણતો નથી.'

ક્યારેક બીજી રીતે કહેતા - મારા અજ્ઞાાની હોવાના જ્ઞાાન સિવાય હું કંઇ જાણતો નથી.'

એમની પત્ની સ્વભાવની કર્કશા અને ભારે
ઝગડાખોર હતી. એમ છતાં એ એની સાથે સારી વર્તતા. એના ઝગડા- કંકાસને હસતે મુખે સહન કરી લેતા.

એકવાર એમની પત્ની જેથિપ્પી ભારે બૂમ- બરાડા સાથે લડવા લાગી. સોક્રેટિસ તો એનાથી ટેવાયેલા હતા. એમણે કોઇ પ્રતિક્રિયા આપી નહી એટલે જેથિપ્પીએ એક વાસણમાં ભરી રાખેલું ગંદુ
પાણી એમના પર રેડી દીધું. એ વખતે સોક્રેટિસના બે-ત્રણ મિત્રો પણ એમની સાથે ઊભેલા હતા. સોક્રેટિસે હસીને એમને કહ્યું- હું તો પહેલેથી જાણતો જ હતો કે જેથિપ્પી આટલું ગર્જ્યા પછી વરસ્યા વિના નહી રહે. આવું તો બને જ ને ? પહેલાં વાદળા ગર્જે છે પછી વરસે છે !'

બીજા એક અવસરે તે એથેન્સના બજારમાં એમના શિષ્યો સાથે ફરી રહ્યા હતા ત્યાં સામેથી એમની પત્ની જેથિપ્પી આવીને એમની સાથે ઝગડવા લાગી અને એમના પહેરણને ખેંચીને ફાડી નાંખ્યું.

આ જોઇને એમના શિષ્યોએ એમને સલાહ
આપી- 'તમારે પણ એની સાથે લડવું જોઇએ.
એને મારો તો સીધી દોર થઇ જાય. તમે એવું કેમ નથી કરતા ?

સોક્રેટિસે તેનો જવાબ આપતા કહ્યું- તમે ઘોડાગાડી તો જોઇ છે ને ? ઘોડાગાડીવાળાની યોગ્યતા એમાં જ છે કે તે ગમે તેવા તોફાની ઘોડાને પણ કાબૂમાં રાખી તેની પાસેથી કામ લઇ શકે. જો તે તોફાની, બેકાબૂ ઘોડાને પણ ઉપયોગ લાયક બનાવી શકે તો સામાન્ય ઘોડાને તો કાબૂમાં રાખવા તેને કોઇ
તકલીફ ના પડે. આ રીતે હું પણ જેથિપ્પી જેવી ઝગડાખોર સ્ત્રી સાથે અનુકૂળ થઇને રહું છું. જો હું એની સાથે નિર્વાહ કરી શકું છું. તો હવે મને
સંસારના બીજા કોઇની સાથે વ્યવહાર કરવામાં તકલીફ પડે એમ નથી !'

ઇ.સ. પૂર્વે ૩૯૯માં સિત્તેર વર્ષની વયના તત્વચિંતક સોક્રેટિસ સામે એના શત્રુઓએ ન્યાયસભામાં બે આરોપ લગાવ્યા.

પહેલો એ કે તે ગણતંત્રના દેવતાઓમાં વિશ્વાસ
નથી કરતા અને બીજો એ કે તે યુવાનોને તર્ક- વિર્તક કરવાનું શીખવાડી દુશચરિત્ર બનાવે છે. આરોપ કરનારાઓએ એવો પ્રસ્તાવ પણ મૂક્યો કે
આવા માનવીને જીવતો રાખવો ના જોઇએ.

સોક્રેટિસને ન્યાયાલયમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે
એક ન્યાયાધીશે પૂછયું- શું તમને એ વાતનો ડર નથી કે તમને મૃત્યુદંડ મળી શકે છે ?'

સોક્રેટિસે તેમને જવાબ આપતા કહ્યું હતું- 'મૃત્યુ શું છે તે હું જાણતો નથી. પણ હવે જાણી શકીશ. તે વરણ કરવા યોગ્ય તો છે જ. મેં જીવનની બધી અવસ્થાઓનો અનુભવ કરી લીધો છે. એક મૃત્યુ જ બાકી રહ્યું છે. જેનો મને અનુભવ નથી. એટલે હું
જાણવા માગું છું કે મૃત્યુ કેવું હોય ! '

ન્યાયાધીશો ૧૦૦ મીના એટલે કે લગભગ ૫૨૫ રૃપિયા જેટલી રકમનો દંડ ચૂકવીને મુક્ત થઇ શકાય એવો પ્રસ્તાવ મૂક્યો પણ સોક્રેટિસે તે સ્વીકાર્યો નહી. છેવટે તેમણે સ્વસ્થ ઝેરનો કટોરો પીને મૃત્યુને સ્વીકારી લીધું !

વિચાર વીથિકા - દેવેશ મહેતા