♠ નાત-જાત ♠

પોતાનું સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પિત કરનાર
આચાર્ય કૃપાલાની સ્વતંત્ર મિજાજના અને
આગવી ખુમારી ધરાવતા પ્રખર દેશભક્ત હતા.
મહાત્મા ગાંધીજીને પ્રારંભમાં જ અનુસરનારાઓમાંના એક હોવા છતાં એ 'ગાંધીવાદ'ના પ્રખર વિરોધી રહ્યા હતા. એમણે
ગાંધીજીને એક માનવ તરીકે પિછાનવાની કોશિશ
કરી હતી.

આવા આચાર્ય કૃપાલાની ટ્રેનમાં મુસાફરી કરતા હતા, ત્યારે કેટલાક યુવકોને એમની મશ્કરી કરવાનો વિચાર આવ્યો. એક યુવક એમની સામે બેસીને તાકીને જોઈ રહ્યો. આચાર્ય કૃપાલાનીએ કહ્યું, 'કેમ તારે કોઈ પ્રશ્ન પૂછવો છે ? જેથી આમ મારી સામે જિજ્ઞાાસાભરી નજરે જોઈ રહ્યો છે ?
મનમાં સવાલ હોય તો જરૃર પૂછી લે.'

ટીખળી યુવાને કહ્યું,
'આપના જેવા રાષ્ટ્રભક્તો વારંવાર એવો ઉપદેશ
આપે છે કે ભારત દેશમાં જાતિવાદનું અનિષ્ટ ખૂબ
ફેલાઈ ગયું છે. એને કારણે જ આપણી દુર્ગતિ થઈ છે. આ અનિષ્ટને દૂર કરીશું, તો જ દેશની પ્રગતિ થશે. પરંતુ આપ જ મને કહો કે તમારો પરિચય મારે મેળવવો હોય તો તમે કઇ નાતજાતના છો એ
તો મારે પૂછવું પડે ને ? સાચી વાત ને !'

આચાર્ય કૃપાલાનીએ કહ્યું, 'એટલે તું મારી નાત-
જાત વિશે જાણવા માગે છે ખરું ને !'

'હા, હું માનું છું કે તમારે આ જ રીતે તમારી ઓળખ
આપવી પડશે. કહો, કઈ નાતજાતના છો તમે ?'

આચાર્યએ કહ્યું, 'તો સાંભળ, મારા યુવાન મિત્ર. હું
સવારે શૌચ પતાવું છું એટલે હું જાતિએ શુદ્ર કહેવાઉ, અધ્યાપન કરાવવા જતાં અગાઉ મારાં જૂતાં જાતે સાફ કરું છું, માટે મોચી કહેવાઉ, અધ્યાપન કરાવતી વખતે વિદ્યાર્થીઓને
ભણાવતો હોવાથી હું બ્રાહ્મણ કહેવાઉં, દર મહિને
પગારના દિવસે પૈસા ગ્રહણ કરતો હોવાથી વૈશ્ય
કહેવાઉં, અને દુઃખી, ગરીબ કે અસહાયને સહાય
કરવા માટે દોડીને પહોંચી જાઉં ત્યારે હું ક્ષત્રિય
કહેવાઉ. આમ મારી એક જાત નથી. અનેક જાત છે. આ છે મારી નાત-જાત.'

યુવાન છોભીલો પડી ગયો. આચાર્ય કૃપાલાનીએ
એને કહ્યું, 'મિત્ર, માણસની કિંમત એની જાત
પરથી જાણવાને બદલે એના સારાં-નરસાં કામ
પરથી કરવી જોઈએ. ક્યાં જન્મ્યા એ મહત્વનું નથી,કેવાં કાર્યો કર્યાં એ મહત્વનું છે.'

♥ કુમારપાળ દેસાઇ ♥