♠ મૂર્તિ ♠

એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણકાર્ય જોવા ગયો હતો. એ કોઈ જાણકાર નહોતો. બસ, એમ જ જોવા માટે ગયો હતો. ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસપહાણના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો.

પેલા માણસને એના કામમાં રસ પડી ગયો. એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ એક અન્ય મૂર્તિ પર પડયું.

એને નવાઈ લાગી એણે શિલ્પીને પૂછયું, ''મંદિરમાં એકસરખી આ બે મૂર્તિઓની જરૂર છે ?''

''ના !'' શિલ્પીએ જવાબ આપ્યો,આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ એ બીજી મૂર્તિ છેક છેલ્લી ઘડીએ થોડુંક નુકસાન થવાથી પડતી મૂકવી પડી છે.''

પેલા માણસે ઊભા થઈને પડતી મૂકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું.

એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછયું, '' આ મૂર્તિમાં મને તો કોઈ નુકસાન દેખાતું નથી. તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે ?''

''એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો છે !'' શિલ્પીએ કહ્યું.

પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એને માંડ-માંડ એ ઘસરકો દેખાયો. એ પણ શિલ્પીએ કહ્યું એટલે બાકી તો ખબર નહોતી જ પડતી.

એણે શિલ્પીને પૂછયું, ''તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો ?''

''પેલા વીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર !' શિલ્પીએ જવાબ આપ્યો.

પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો એ તરત બોલી ઊઠયો, ''અરે ભલા માણસ ! જો આ મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ કરો છો ? ત્યાં વળી કોણ જાણવાનું છે કે એના નાક પર ઘસરકો છે ?''

શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું. પછી હસીને બોલ્યો, ''ભાઈ ! બીજું કોઈ એ વાત જાણે કે નહીં એ તો મને નથી ખબર, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ છીએ ને ?''

એટલું કહી એટલી જ એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરુ કરી દીધું ! નિઃશબ્દ બની પેલો માણસ એ શિલ્પીને જોઈ રહ્યો.

ભગવાન તો જુએ છે ને ! પૈસા પૂરા લઉં છું તો કામ પણ પૂરું આપવું જોઈએ ને.