♠ શિવાજીની ઉદારતા ♠

♠ આંખ છીપ, અંતર મોતી - આચાર્ય ♠

♥ શ્રી 'વાત્સલ્યદીપ' સૂરિજી ♥

www.sahityasafar.blogspot.com

સમયનો રંગ એટલે મેઘધનુષ્યનો વૈભવ. સમયની ચડતીપડતી પારખવી સહેલી નથી.
હિન્દુસ્તાન સમયની અનેક ચડતીપડતી જોઇ છે. હિન્દુસ્તાને જોયેલા સમયના ચઢાવઉતારમાં યુદ્ધ,
ક્રાંતિ, બલિદાન, સત્યાગ્રહ, આઝાદી આદિ અનેક પલટા જોયા છે.

એકવાર હિન્દુ હૃદય સમ્રાટ મહારાજ શિવાજી પોતાના શિબિરમાં બેઠા બેઠા ખૂબ આતુરતાથી પ્રતીક્ષા કરી રહ્યા હતા તે સમયે પોતાના હાથમાં એક ગ્રંથ લઇને સેનાપતિ માધવ શિવાજી મહારાજની સન્મુખ ઉપસ્થિત થયો.

સેનાપતિએ પ્રસન્ન મુદ્રામાં કહ્યું કે મોગલ સેનાને દૂર સુધી કાઢી મુકી છે. રાજા બહલોલ ખાન નાસી છૂટયો છે. એ જ સમયે શિબિરની બહાર એક
ડોલી આવીને ઊભી રહી. મહારાજ શિવાજીને વિસ્મય થયું. તેમણે પૂછયું કે આ ડોલીમાં શું છે ?

સેનાપતિ માધવે હસતાં હસતાં કહ્યું કે, 'મહારાજ, આ ડોલીમાં સ્વર્ગની પરી જેવી રાજા બહલોલ
ખાનની બેગમ ગૌહરબાનું છે. આજની જીતની યાદમાં, આપના માટે ભેટ સ્વરૂપે ઉઠાવી લાવ્યો છું.'

શિવાજી મહારાજના ચહેરા પર રેખાઓ તંગ થઇ ગઇ. કિન્તુ સેનાપતિ માધવનું તે તરફ ધ્યાન
નહોતું. તે તો પોતાની વાત કહેવામાં મશગુલ હતો. તેણે આગળ કહ્યું 'અને જુઓ મહારાજ, હું
મારા હાથમાં મુસ્લિમોનો ધર્મ ગ્રંથ કુરાને શરીફ ઉઠાવી લાવ્યો છું. હવે આપણે આ બંને ચીજોનું અપમાન કરીને વેર વાળી શકીશું.'

શિવાજી બે કદમ આગળ વધીને માધવ પાસે ગયા. તેમણે કુરાને શરીફનો ધર્મ ગ્રંથ હાથમાં લીધો અને ચૂમી લીધો.

તે પછી શિવાજી મહારાજ ડોલી પાસે ગયા. તેમણે બેગમ ગોહરબાનુને ડોલીમાંથી બહાર આવવાનું કહ્યું. બેગમ ગભરાતા ગભરાતા બહાર આવી.
સૌ તેને જોઇ રહ્યા.

બેગમ ગોહરબાનુ એટલે ઝગમગતા તારલાનું
મોહક રૃપ. રૂપથી છલકાતો દેહ, કામણધારી આંખો,
આકર્ષક મુખ જે નિહાળે તે મોહમાં પડી જાય.
શિવાજી મહારાજની આંખોમાં કોઇ અગમ્ય ભાવો હતા.

શિવાજી મહારાજ કહે,  'બેગમ, આપ બેહદ
ખૂબસૂરત છો, આપને જોયા પછી મને થાય છે કે કાશ ! મારો જન્મ આપની કૂખે થયો હોત તો હું પણ આપની જેટલો જ સુંદર હોત !'

બેગમ ગોહરબાનો તો માનતી હતી કે આજે
પોતાનું જીવન લૂંટાઇ જવાનું છે તેના બદલે
શિવાજી મહારાજ તો ઉદાર દિલથી પોતાના સ્ત્રીત્વનું મહાન સન્માન કરતાં હતા !

શિવાજી મહારાજે સેનાપતિ માધવ તરફ જોઇને કહ્યું :  'માધવ, એ વાતને હું વીરતા માનતો નથી કે જેમાં અબળાઓ પર પ્રહાર કરવામાં આવે, તેના સતીત્વને લૂંટવામાં આવે અથવા તો ધર્મગ્રંથોની હોળી કરવામાં આવે. કોઇ સ્ત્રીનું અપમાન કરવું કે કોઇ ધર્મનું અપમાન કરવું તે બહુ મોટી કાયરતા છે. એક સાચો વીર આવું કરીને ખુશ થઇ શકે નહી.'

શિવાજી મહારાજે પોતાના એક અધિકારીને તાત્કાલિક સૂચના આપી, પૂરા સન્માન સાથે બેગમ ગોહરબાનો અને કુરાને શરીફ ગ્રંથ રાજા બહલોલ ખાન પાસે મોકલી આપ્યા.

રાજા બહલોલ ખાન પોતાની બેગમ અને કુરાને શરીફ પુરા સન્માન સાથે સહીસલામત મેળવીને
આશ્ચર્યમાં પડી ગયો. તેણે મનોમન શિવાજી મહારાજને પ્રણામ કર્યા.

પ્રભાવના

માનવીય વિચિત્રતા કેવી છે ? જે પોતાનું માને તે તેને ગમે. ન માને તે ન ગમે. એટલે કે જે પોતે બીજાના ઉપર નાખે છે તેનું જ તે આદર કરે છે. સામેની વ્યક્તિ જેવી છે તેવો તેનો તે આદર નથી કરતો. તેની સહજતાનો, તેની સ્ફૂર્તિનો, તેના સ્મિતનો, તેના આંસુનો તે સ્વીકાર નથી કરતો, પણ તેના આડંબરનો, અભિનયનો તે આદર કરે છે.
જે સહજ પ્રગટે છે તેનો આદર કરવો પડે. પોતાનું નિયંત્રણ બીજા ઉપર શા માટે થોપીએ છીએ ? નિયંત્રણ તમને સત્યથી દૂર રાખે છે. જે સ્વભાવિક છે તેનાથી દૂર રાખે છે. જે સ્વભાવિક છે તેનો સ્વીકાર કરો.

www.sahityasafar.blogspot.com