♠ વિદ્યા - સાચી સંપત્તિ ♠

www.sahityasafar.blogspot.com

ભણવામાં આવતી વાતો જીવનમાં કેવી રીતે ઉપયોગી બને તેનું શિક્ષણ આપવાનું કાર્ય કરતાં એક અધ્યાપકનાં જીવનની એક ઘટના પ્રેરણારૂપ બની રહે તેમ છે.

એકવાર પ્રોફેસર બુકર.ટી.વોશિંગ્ટન કોલેજમાં લેક્ચર આપી રહ્યાં હતાં.તે દરમિયાન તેનો એક અંગત મિત્ર વર્ગમાં આવ્યો અને પ્રોફેસરનાં કાનમાં ધીમેથી ગુપસુપ કરતાં કહ્યું '' મિત્ર, તારી બચત કરેલી મૂડી જે બેંકમાં રાખી હતી તે બેંક બંધ થઇ ગઇ.તું લુંટાઇ ગયો.

મિત્રને ઇશારાથી લેક્ચર પૂરૂ થયા બાદ મળીશું તેમ જણાવી પ્રોફેસર પાછા અધ્યાપનમાં લાગી ગયાં અને જાણે કંઇ જ બન્યું નથી તેમ પોતાને જે વિષય ભણાવવાનો હતો તેમાં તલ્લીન બની ગયાં.પેલાં મિત્રને આશ્ચર્ય થયું કે ''આ માણસ કેવો છે.આટલી ગંભીર વાત ધ્યાન ઉપર લીધા સિવાય પોતાનું કામ સ્વસ્થતાથી કરી રહ્યો છે.''

વર્ગખંડમાંથી તેઓ જ્યારે બહાર આવ્યાં એટલે મિત્રએ કહ્યું ''આટલાં ગંભીર સમાચાર સાંભળ્યાં પછી તમને કોઇ ચિંતા કે બળાપો થતો નથી?''

અત્યાર સુધી સ્વસ્થ રહેલાં અધ્યાપકે કહ્યું ''અરે યાર,પૈસા ડૂબી ગયાં એમાં કંઇ રોવા થોડું બેસાય.મારી પાસે જે વિદ્યા છે તેની કોઇ ચોરી કરી શકે તેમ નથી.આ જ્ઞાનની શક્તિ વડે પૈસા તો ફરી પણ કમાઇ શકાશે.એટલાં ખાતર નિરાશ થઇને બેસી રહેવાથી કોઇ ફાયદો થવાનો નથી.''

જ્ઞાન અને વિદ્યાજ સાચી સંપત્તિ છે.તેનો કોઇ ભાગ પડાવી શકતું નથી.આથી જ વિદ્યા - સદ્જ્ઞાનને સૌથી મોટું ધન માનવામાં આવે છે.

www.sahityasafar.blogspot.com