♠ પરનિંદા ♠

♦ અંત સુધી વાંચજો.એક અત્યંત ચિંતનાત્મક વાર્તા છે. ♦

www.sahityasafar.blogspot.com

શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે નિંદક જેની નિંદા કરે છે, તેના ખાતામાં નિંદકનું જે કંઇ પુણ્ય હોય છે, તેમાંથી તેટલું જમા થઇ જાય છે.એટલે કંઇપણ પુણ્યકાર્ય કર્યા વગર ફક્ત નિંદા સહન કરી લેવાથી નિંદા કરનારનું પુણ્ય મળી જાય છે અથવા તો જેની નિંદા કરે છે, તેના ખાતામાં જો પાપકર્મ જમા થયેલા હોય તો તે નિંદકના ખાતામાં જતાં રહે છે.

એક રાજાના મનમાં જન્મમરણના ફેરામાંથી કેવી રીતે મુક્તિ મળે, એ પ્રશ્ન ઉઠ્યો.તેણે ઘણાંને આ પ્રશ્ન પૂછ્યો  પણ કોઇએ સંતોષકારક જવાબ આપ્યો નહિં.

એક દિવસ તેને એક સાધું મળ્યાં.તેમને પૂછતાં તેમણે કહ્યું કે, ''હાં,મારી પાસે એનો જવાબ છે.એક તો આપ આપનાં પાપકર્મોમાંથી મુક્ત થાઓ.સારા કાર્યો કરો,પ્રાયશ્ચિત કરો.અને બીજો માર્ગ છે કે કોઇ આપનાં પાપકર્મોનું ફળ પોતાનાં ખાતામાં લઇ લે અને તે ત્યારે જ શક્ય બને કે જ્યારે તે આપની નિંદા કરે.''

ત્યારે રાજાએ સાધુને પૂછ્યું કે ''એ તો કહો કે મારા પાપકર્મોનું ફળ કેટલુંક છે?''

સાધુએ રાજાને કહ્યું ''આંખો બંધ કરી ઊંચુ જુઓ અને કહો શું દેખાય છે?''

''અરે,આ તો છાણનો મોટો ડુંગર દેખાય છે!'' રાજાએ કહ્યું.

''હાં,તો એ જ છે આપનાં પાપકર્મોનું ફળ.'' સાધુએ કહ્યું.

આંખ ખોલીને રાજા ઉદાસ થઇ ગયાં અને તેમને થયું કે આટલાં બધાં પાપકર્મોમાંથી મુક્તિ મેળવવી તો લગભગ અશક્ય છે.પણ પછી થયું કે મહાત્માજીએ કહ્યું છે તો લોકો મારી નિંદા કરે એ રસ્તો અજમાવી જોઉં.પણ રાજા તો અત્યંત લોકપ્રિય હતો.પ્રજાવત્સલ હતો.પ્રજા રાજાની ક્યારેય ટીકા કરતી નહી.પણ હવે રાજાએ એક બ્રાહ્મણ કન્યાનું અપહરણ કરાવ્યું.અલબત્ત,તેને મહેલમાં રાણીની પાસે પોતાની પુત્રીની જેમ રાખી પણ આ વાત અત્યંત ગુપ્ત હતી.બ્રાહ્મણ કન્યાના અપહરણને લઇને હવે લોકો રાજાની ફાવે તેવી વાતો કરવા લાગ્યા.રાજાની ખૂબ નિંદા થવા લાગી.થોડા સમય પછી સાધુ પાછા આવ્યા ત્યારે રાજાએ કહ્યુ,''હવે તો મારા પાપકર્મો ધોવાઇ ગયા ને?''

ત્યારે ફરી સાધુએ રાજાને હવે કેટલા પાપકર્મો છે, તે બતાવ્યાં.રાજાએ જોયું તો છાણનો ડુંગર ગાયબ થઇ ગયો હતો !  પણ હજી એક નાનકડી ઢગલી બાકી રહી ગઇ હતી !

''આમ કેમ? હજું આટલું પાપકર્મ કેમ બાકી રહી ગયું ? '' રાજાએ સાધુને પૂછ્યું.ધ્યાનમાં સાધુએ જોયું.પછી કહ્યું, '' રાજન,આપના રાજ્યમાં એક કુંભાર છે,તેણે આપની નિંદા નથી કરી.જો તે આપની નિંદા કરે તો આપનું આ પાપ એના ખાતામાં ચાલ્યું જતા આપ તુરત જ મુક્ત થઇ જશો.''

રાજા વેશપલટો કરીને કુંભારના ઘરે ગયાં.વાતચીત કરતાં કહ્યું,''તમારો રાજા તે કેવો પાપી કહેવાય?''પુત્રી જેવી કન્યાનું અપહરણ કર્યું ! '' તેઓ કંઇ આગળ બોલવાં જતાં હતાં ત્યાજ ધીમું હસીને કુંભારે કહ્યું,'' મહારાજ,મને માફ કરો.આપે કરેલું આપે જ ભોગવવું પડશે.આપની નિંદા કરીને હું એ પાપકર્મફળને મારા ખાતામાં ઉમેરવા માંગતો નથી અને એટલે જ હું નિંદાથી દૂર રહ્યો છું !

આત્મજ્ઞાની કુંભારના ચરણોમાં પડ્યાં અને કહ્યું,''તમે જ્ઞાની છો.મારી આંખો ખોલી છે.હવે હું પોતે તો નિંદા નહીં કરું પણ કોઇનેય નિંદા કરવા પ્રેરીશ પણ નહીં.હું મારા પાપકર્મફળને હવે ભોગવીને મુક્ત થઇ જાઉં એવા આશીર્વાદ આપો.''

www.sahityasafar.blogspot.com

♥ ભલે આ વાર્તા છે, પણ એ દ્વારા એ પ્રતિપાદીત થાય છે કે નુકસાન તો નિંદા કરનારને બે રીતે છે.એક તો એનું પુણ્યકર્મ જેની નિંદા કરે છે,તેને મળે છે,અને બીજું જેની નિંદા કરે છે,તેનું પાપકર્મફળ પણ તેને મળે છે,આથી નિંદા કરનાર પ્રત્યે તો મનુષ્યે વધારે કૃતજ્ઞ રહેવું જોઇએ.

★ પુસ્તક ''આધુનિક માનવ શાંતિની શોધમાં''થી સાભાર ★

No comments:

Post a Comment