♠ સાચું જીવન ♠


ધર્મગુરુને પડકાર ફેંકતો હોય તેમ નાસ્તિકે સવાલ કર્યો, 'તમે પાપ- પુણ્યની વાતો કરીને સમાજની બેહાલી સર્જી છે.

પુણ્યની વાત કરીને સ્વર્ગની લાલચ આપી છે અને પાપને ફિટકાર આપવાની સાથે નર્કની યાતના બતાવી છે. તો મારો તમને પ્રશ્ન એ છે કે શું ખજૂર ખાવાથી પાપ લાગે છે ખરું ?'

ધર્મગુરુએ કહ્યું, 'સહેજે નહીં.'

'જો એ ખજૂરમાં હું પાણી નાખું અને એને
ખાઉં, તો પાપ લાગે ખરું ?'

ધર્મગુરુએ કહ્યું, 'ના. સહેજે નહીં.'

'જો હું એ ખજૂરની સાથે થોડો આથો ચડાવીને ખાઉં તો કોઈ ધાર્મિક આજ્ઞાાની અવજ્ઞાા થશે ખરી ?'
'ના. સહેજે નહીં.'

નાસ્તિક યુવકે પોતાનો તર્ક રજૂ કરતાં કહ્યું, 'જો આવું જ હોય તો, ધર્મમાં શા માટે શરાબ પીવાની બંધી ફરમાવી છે ? એને વ્યસન ગણાવ્યું છે અને પાપનું કારણ કહ્યું છે. આમાં પાપ શું ? આમાં તો ત્રણ ચીજ ભેગી થઈને બને છે.'

ધર્મગુરુએ નાસ્તિકના પ્રશ્નનો ઉત્તર આપવાને બદલે વળતો પ્રશ્ન કર્યો, 'તું મારા એક પ્રશ્નનો જવાબ આપ. જો હું મારા હાથમાં ધૂળ લઈને તારા પર ફેંકું તો તને વાગશે ખરું ?'

'ના.'

'જો હું એ ધૂળ સાથે થોડું પાણી મેળવું અને એવી ભીની ધૂળ તારા પર ફેંકુ, તો તને કોઈ ચોટ પહોંચશે ખરી ?'

'ના. મને કંઈ વાગશે નહીં.'

'અને મિત્ર ! જો એ માટી અને પાણીમાં હું થોડા પથરા ભેગા કરીને તારા પર જોરથી ફેંકુ, તો કશો ફરક પડશે ખરો ?'

યુવકે કહ્યું, 'તો તો મારું માથું ફૂટી જાય. હું લોહીલુહાણ થઈ જાઉં.'

ધર્મગુરુએ શાંતિથી કહ્યું, 'મને હવે વિશ્વાસ છે કે તને તારા પ્રશ્નનો ઉત્તર મળી ચૂક્યો છે.' અને એ નાસ્તિક જિંદગીની સાચી હકીકતનો પરિચય પામ્યો.

- કુમારપાળ દેસાઇ